સાધના એ કંઈ સંન્યાસીઓ માટેની વ્યવસ્થા નથી એ તો મનુષ્યજીવનની અનિવાર્યતા છે
સાધના શબ્દ સંભાળતા જ સામાન્ય જનસમુદાયને લાગે કે કોઈ સંન્યાસી સંત કે મહાત્માની વાત થઇ રહી છે પરંતુ એવું નથી દરેક મનુષ્યને પોતાના દૈનિક જીવનમાં સાધનાની આવશ્યકતા છે. સાધના એટલે નિરંતર અભ્યાસ અને અદમ્ય ઉત્સાહપૂર્વક નિશ્ચિત ધ્યેય માટે પ્રવૃત્ત થવું જેની જરૂરિયાત મનુષ્યજીવનમાં પળે-પળે રહેતી હોય છે. આમ સાધના એટલે સતત પુરુષાર્થ કે જે સમજણપૂર્વકનો અને ક્રમિક હોવો જોઈએ તો જ દરેક પ્રકારની સફળતા મેળવી શકાય. સાધના શબ્દની ઉત્પત્તિ “સાધ” ધાતુ પરથી થઇ છે જેનો અર્થ થાય છે પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો॰ કોઈ વિશેષ સિદ્ધિ માટે સમજણપૂર્વકના ક્રમિક નિયમિત પ્રયાસ કે અભ્યાસને સાધના કહે છે. આપણે સૌ જાણીએ છીએ છીએ કે જીવનના દરેક તબક્કે સમજણપૂર્વકના ધીરજ્યુક્ત પ્રયાસની અનિવાર્યતા તો રહેતી જ હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ સાધના એટલે વિશેષ પ્રકારનો આધ્યાત્મિક અભ્યાસ જેના વડે ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. એ તો સર્વવિદિત છે કે નિર્ભયતા અને સ્વતંત્રતાનું અસ્તિત્વ દિવ્યતામાં સમાયેલું છે, જે મૃત્યુથી પર છે. આવી નિર્ભય અને સ્વતંત્ર સ્થિતિએ પહોંચવા માટેના પદ્ધતિસરના વ્યવહારુ અને વૈજ્ઞાનિક અભ્યાસને સાધના કહેવામાં આવે છે. જે સમગ્ર મનુષ્યસૃષ્ટિ માટે જરૂરી છે જે માટેનું વિજ્ઞાન એટલે યોગ. સાધના વાસ્તવમાં યોગનો સાચો અભ્યાસ કરવાનું સૂચવે છે.
પ્રભુને પામવાનો એટલે કે જીવનની સાચી શક્તિને પામવાનો આત્માનો પથ એટલે સાધના. સાપેક્ષ તરફથી નિરપેક્ષ તરફ જવાની આધ્યાત્મિક વિકાસની ક્રિયા એટલે સાધના. ઈશ્વર અનુગ્રહ માટેનો માર્ગ એટલે સાધના. સાચું પુછો તો મનુષ્ય જીવનનું એક માત્ર લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિ છે. મનુષ્ય ભલે ભૂલી ગયો હોય પરંતુ તેનું જીવન આત્મિક છે, તેનું ઇહલૌકિક જીવન આત્મિક જીવનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જ છે. એ અર્થમાં મનુષ્યજીવન ક્ષણિક અને ક્ષણભંગુર હોવા છતાં આશીર્વાદરુપ છે કેમ કે આ જીવન દરમિયાન સદાચારથી અનંત શાશ્વત દિવ્ય સાતત્ય તરફ તે પ્રગતિ કરાવે છે. એ દ્રષ્ટિએ આ દુનિયા (સંસાર) અપૂર્ણ અને ખામીઓથી ભરેલો હોવા છતાં આશિર્વાદરૂપ છે. જે માનવી પ્રબળ આધ્યાત્મિક પુરુષાર્થ (સાધના) કરે છે તેના પર ઈશ્વરકૃપા અવશ્ય અવતરે છે. આધ્યાત્મિક જીવન નિર્માણના ત્રણ આધારસ્થંભ છે ૧) નિશ્ચિત આદર્શ એટલે કે ચોક્કસ ધ્યેય ૨) ચોક્કસ કાર્યક્રમ એટલે નિયમિતતા અને આયોજનબધ્ધનો સાધનાપથ અને ૩) સુવિચારોની પૃષ્ઠભૂમિ એટલે કે હકારાત્મકતા અને સત્સંગનું અસ્તિત્વ. સાધના દરમિયાન સુવિચાર એટલે કે ઉત્તમ અને હકારાત્મક વિચાર કે ઈશ્વરના વિચાર (નામ-જપ) અનિવાર્ય છે. આ ઉપરાંત સાધકે પાંચ સત્યો હંમેશા યાદ રાખવા જોઈએ ૧) આધ્યાત્મિક ઉન્નતિ હંમેશા ક્રમિક અને ધીમી હોય છે તેથી ટૂંકાગાળામાં ધીરજ ન ગુમાવવી ૨) સાધના માટે આંતરિક સંગ્રામ આવશ્યક છે કેમ કે આંતરિક વૃત્તિ બદલવી પડે વળી ખોટાને ખોટું કહેવા સંબંધોની બલી પણ ચડાવવી પડે ૩) પ્રબળ મુમુક્ષત્વ વગર પ્રગતિ અશક્ય છે ૪) સર્વ પ્રકારના પ્રલોભનોથી પોતાની જાતનું રક્ષણ અનિવાર્ય છે ૫) વિવેક, વૈરાગ્ય અને સત્સંગ આધ્યાત્મિક ઉન્નતિની સુરક્ષાના સાધનો છે જેના દ્વારા ઉન્નતિ રક્ષાયેલી રહે છે. પતનનો ડર ખતમ થાય છે.
વાસ્તવમાં આપણે સૌ નાહકનું બંધન દીર્ધકાળપર્યંત જાળવી રાખીએ છીએ. અજ્ઞાનવશ આપણે એ સમજી શકતા નથી કે જેને આપણૅ સુખનાં સાધનો સમજી બેઠા છીએ તે જ વાસ્તવમાં બંધનના કારણો છે. વળી બંધનમાંથી મુક્ત થવાના પ્રયત્નોમાં વિલંબ એટલે કષ્ટોની વૃદ્ધિ. કોઈ પણ ક્ષણે આપણે બંધનની સાંકળને તોડી શકીએ છીએ એ આપણી heaven made શક્તિ છે, જેનાથી આપણે અજાણ છીએ, માત્ર તે અંગે કટિબદ્ધ થવાની જરૂર છે. બંધનમુક્તિ દ્વારા નિત્ય સુખનો અનુભવ શક્ય છે. અનુશાસન, તપ, આત્મસંયમ તથા ધ્યાન દ્વારા નિમ્ન પ્રકૃતિને (તમસ અને રજસમયી પ્રકૃતિને) ઉચ્ચ પ્રકૃતિની (સત્વની) દાસી બનાવી શકીએ. એ જ સાચી મુક્તિનો ઉત્સવ છે, આપણી અંદરનું ઈશ્વરત્વ બહારના તમામ પદાર્થો કરતા વધુ શક્તિશાળી છે એ કદી ન ભૂલવું જોઈએ. ત્યાગ વિના (એટલે કે કહેવાતા સુખનાં સાધનો અને ઈચ્છાના ત્યાગ સિવાય) કદાપિ સુખી થઈ શકાતું નથી. જીવનમાં સાચા વિશ્રામ માટે ત્યાગ અનિવાર્ય છે. બધુ ત્યજી સાચા સુખ પર અધિકાર મેળવી શકાય છે, એટલે જ ત્યાગને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
પૂર્ણ સ્વતંત્રતા અને નિર્વાણની પ્રાપ્તિના પાંચ સાધનો છે સત્સંગ, વિવેક, વૈરાગ્ય, “હું કોણ છું” એ અંગેનો વિચાર અને ધ્યાન. સ્વામી શિવાનંદજી કહે છે કે સૌપ્રથમ ભલા બનો, પછી ઈન્દ્રિયોનું દમન કરો અને નિમ્ન મનને ઉચ્ચ મન દ્વારા પરાજિત કરો એટલે કે દુર્ગુણોને સતગુણોથી જીતો તો ઈશ્વરીય જ્યોતિનું અવતરણ અવશ્ય થશે. પરંતુ આ બધું જરાય ઉતાવળ કર્યા વિના શાંતિપૂર્વક કરવાની સલાહ છે. સાચું પૂછો તો આધ્યાત્મિક જીવન કઠિન અને શ્રમપૂર્ણ છે વળી તેના માટે સતત સાવધાની તથા ઉત્સાહની જરૂર છે, તો જ નક્કર ઉન્નતિ સંભવ છે. કષ્ટ દુખ પીડા પ્રતિકૂળતા વગેરે મનુષ્યને શુદ્ધ કરે છે, પાપ અને મલિનતાને બાળી નાખે છે, જેના કારણે ઈશ્વરત્વ વધુ ને વધુ પ્રગટ થવા લાગે છે, એ દૃષ્ટિએ કષ્ટ દુખ પીડા પ્રતિકૂળતા વગરેને અપ્રગટ વરદાન કહી શકાય. વાસ્તવમાં આત્માની સુષુપ્ત શક્તિઓનું જાગરણ એ જ સાચું જીવન છે. દિવ્ય જીવન જીવવું દરેકની નૈતિક ફરજ છે. ધ્યાન, જપ, કીર્તન, સ્વાધ્યાય દ્વારા વિચારો ઉન્નત બને છે અને દિવ્ય જીવન સંભવ બને છે. આત્મારૂપી પુષ્પની કળીનું ઉઘડવું એ જ સાચી પૂજા છે અને પૂજા એ જ જીવન છે. પૂજાથી જ નિત્ય જીવન પ્રાપ્ત થાય છે. મન પર વિજય મેળવવાથી સાચા અર્થમાં વિજેતા બની શકાય છે. જેના માટે ઈશ્વર તથા તેના સનાતન નિયમને શરણે જવું અનિવાર્ય છે એટલે કે શું યોગ્ય અને શું અયોગ્ય એ સમજવું પડે.
દરેક માણસે પોતાને અનુકૂળ સાધના કરી લેવી જોઇએ જેમ કે ભક્તિમાર્ગને અનુસરનારે નવધા ભક્તિ જેવા સાધનો ઉપરાંત ભાગવત, રામાયણ વગેરેનું અધ્યયન કરવું જોઈએ. કર્મયોગને અનુસરનારે પીડિત માનવતાની તેમજ સમાજની વિવિધ રૂપે નિષ્કામ સેવા કરવી જોઈએ. રાજયોગીએ અષ્ટાંગ યોગનાં આઠ તબક્કામાંથી પસાર થવું પડે, જેની શરૂઆત યમ-નિયમથી થઈ શકે. જ્ઞાનમાર્ગ પર ચાલનારે વેદાંતનું અવલંબન લેવું પડે, શ્રવણ-મનન-નિદિધ્યાસનનો અભ્યાસ કરવો પડે. હઠયોગના સાધકે કુંડલિની શક્તિને જાગૃત કરવા પ્રયત્નશીલ બનવું પડે. આમ મનુષ્યનું જીવન આત્મિક છે, તેનું ઇહલૌકિક જીવન આત્મિક યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જ છે. આધ્યાત્મિક જીવનની પ્રાપ્તિ જ તેના જીવનના સંઘર્ષની પૂર્ણતા અને સફળતાની પૂર્ણતા છે. વળી માત્ર સંકલ્પ અને ઇચ્છાથી પરમ લક્ષ્યની પ્રાપ્તિ સંભવ નથી, તેના માટે કઠિન પુરુષાર્થ સંઘર્ષ બલિદાન અને કસોટીઓ કઠોર પરીક્ષાઓમાંથી પસાર થવું પડતું હોય છે. આધ્યાત્મિક પિપાસા, ઉત્સાહ, ગંભીરતા અને મનની એકાગ્રતા તેમજ કોઈપણ ભોગે લક્ષ્ય સુધી પહોંચવાનો નિશ્ચય અનિવાર્ય છે. આત્મસંયમ અને પવિત્રતા સાધનાના મૂળ છે. સાધના એ બીજું કઇં નહીં પરંતું નૈતિક પરિપૂર્ણતા અને પવિત્ર આચાર છે. સાધનાની પ્રગતિ માટે નિયમિતતા, શુદ્ધ ભાવ અને ખંત આવશ્યક છે. ગુરુની સેવા માનવજાતની સેવા અને ઈશ્વરની પ્રાર્થના વગેરે સાધનામાં મદદકર્તા છે. સાધનાની પરાકાષ્ઠા એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર.
કોઈપણ વ્યક્તિએ સાધનામાં કરવી પડતી પૂર્વ તૈયારીઓ સાધનાના આચરણ કરતાં વધુ અગત્યની છે કારણ કે અવ્યવસ્થિત મનને વર્ષોની જહેમત પછી પણ કાબુમાં લેવામાં સફળતા મળતી નથી. સાધના વાસ્તવમાં સમજણ અને જ્ઞાનની દ્વિમુખી પ્રક્રિયા છે, જે સાચી દિશામાં કાર્ય કરવાની સમજણ પ્રદાન કરે છે. સાચી દિશાની પ્રાપ્તિ સાથે જ ધ્યેય પ્રાપ્તિ સહજ બને છે કેમ કે એકવાર સાચો રસ્તો મળી જાય પછી તો તેના પર ચાલી મંઝીલ સુધી પહોચવું સરળ છે. આવશ્યકતા માત્ર યથાર્થ સમયે આરંભ કરવાની છે. સાદગીથી જીવાતું જીવન આશા-આકાંક્ષા ઇચ્છાઓથી મુક્ત બને છે એ દ્રષ્ટિએ સાદગીપૂર્ણ જીવન જીવવાની આદત પાડવી જોઈએ કેમ કે એ જ સાચી સાધના છે. એ જ રીતે ઉપવાસથી પણ મનોવિકાર નિવૃત્તિ થાય છે. આવશ્યકતા છે પ્રમાણિકતાથી દંભ છોડી સાચું જીવન જીવવાની અને ઈર્ષા, અસૂયા, નિંદા, ટીકામાં આપણી શક્તિ અને સામર્થ્યને વેડફી ન નાંખવાની. તો આવો આજથી જ સાચી સાધના શરુ કરી લઈએ.
~ શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ