સરનામું
એણે પૂછ્યું, પપ્પા, આ સરનામાનું શું કામ ?
મળે નહીં ધર મારું જો હું આપું કેવળ નામ ?
કેટલું લાંબું લાંબું પપ્પા , આપણું આ સરનામું
બા-દાદાનું નામ દીધું ,ઘરને ,એ પણ નક્કામું
ગલી, મહોલ્લો, કોલોની ને મકાન નંબર સાથે
આસપાસની દુકાનનું પણ નામ દેવું સંગાથે
ઉમેરવાનું ,કોલોનીના કોમન પ્લોટની સામે
સરનામું જો હોય નહીં તો કરવાનું શું નામે ?
કેવળ નામથી મળે નહીં આ શ્હેર મહીં મુકામ ?
એણે પૂછ્યું, પપ્પા, આ સરનામાનું શું કામ ?
સાંભળ બેટા, સ્કુલ મહીં તું યુનિફોર્મ છે પ્હેરે
તારું મનગમતું તું પ્હેરે, જ્યારે રહેતી ઘેરે
વાટકી પર પણ દાદાજીનું નામ લખેલું જોયું
ચમકી ઊઠ્યું પળમાં એને માંજી ને જ્યાં લ્હોયું
ડોગીના કોલર પર આપણે લખાવ્યો ફોનનો નંબર
સરનામું પણ આવી જાતું એ નંબરની અંદર
પોસ્ટલ ને પરમેનન્ટ એડ્રેસ બંને જોઇએ આમ
પગલે પગલે પડતું સહુને સરનામાનું કામ
તારા નામની સાથે બેટા,આવે મારું નામ
ઉમેરાય ઘરનું સરનામું ત્યારે પૂર્ણવિરામ
પાકી ને પૂરી ઓળખને માટે છે એ જરુરી
એના વિનાની ઓળખ બેટા, જગમાં રહે અધૂરી
મૂળવછોયા લોકો શોધતા ફરતા એમનું કૂળ
મળી જાય જો મૂળ તો માથે ચડાવે એની ધૂળ
એક એકલું જગમાં કાયમ ઝંખે અનુસંધાન
એ જ ફૂલ ફોરમતું જેણે દીધું મૂળને માન
એ વિનાના ભૂલ્યા ભટક્યા ઉભડક જીવે તમામ
નામથી મળતી ઓળખ માટે સરનામાનું કામ
– તુષાર શુક્લ