લેખિકા માનસી દેસાઈ
*સમર્થ સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી (1887-1971)
તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ આર. એસ. દલાલ હાઇસ્કૂલમાં થયો હતો. ૧૯૦૧ માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતિય, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઇ પણ તેમના આદર્શ હતા. ૧૯૦૫માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને ૧૯૦૭માં એલિયટ પ્રાઈઝ સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૧૦માં તેમણે એલ.એલ.બી.ની પરિક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૧૩માં તેમણે મુંબઈ હાઇકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. ૧૯૦૦માં નાની ઉંમરે તેમના લગ્ન અતિલક્ષ્મી સાથે થયા. ૧૯૨૪માં અતિલક્ષ્મીનું અવસાન થયું હતું. ૧૯૨૬માં તેમણે લીલાવતી શેઠ સાથે પુન:લગ્ન કર્યા હતા. લીલાવતી મુનશી પણ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. ૧૯૧૫-૨૦ દરમિયાન તેઓ હોમરુલ લીગના મંત્રી રહ્યા હતા. તેમની સુદિર્ઘ રાજકીય કારકિર્દી દરમ્યાન તેઓ ૧૯૨૫માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. ૧૯૩૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર પછી ૧૯૩૦-૩૨ દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૭-૩૯ દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા. ૧૯૪૮માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પછી હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. ૧૯૪૮માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય બન્યા અને એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન રહ્યા. ૧૯૫૨ની ચૂંટણી પછી ૧૯૫૨ થી ૧૯૫૭ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર રહ્યા હતા. ૧૯૫૮-૫૯ દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મતભેદો થતા પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ૧૯૫૯માં તેઓ રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. ૧૯૬૦ માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.
સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે તેમણે ૧૯૧૨માં ભાર્ગવ અને ૧૯૨૨માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા. ૧૯૫૯માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો. કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. જય સોમનાથ એ રાજાધિરાજ કૃતિ છે પણ હંમેશા પહેલી ગણાય છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે. તેમણે લખેલા સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે:
👉 નવલકથાઓ 👇
મારી કમલા (૧૯૧૨)
વેરની વસુલાત (૧૯૧૩) (ઘનશ્યામ ઉપનામ હેઠળ)
પાટણની પ્રભુતા (૧૯૧૬)
ગુજરાતનો નાથ (૧૯૧૭)
રાજાધિરાજ (૧૯૧૮)
પૃથિવીવલ્લભ (૧૯૨૧)
સ્વપ્નદ્રષ્ટા (૧૯૨૪)
લોપામુદ્રા (૧૯૩૦)
જય સોમનાથ (૧૯૪૦)
ભગવાન પરશુરામ (૧૯૪૬)
તપસ્વિની (૧૯૫૭)
કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮ (અપૂર્ણ)
કોનો વાંક
લોમહર્ષિણી
ભગવાન કૌટિલ્ય
પ્રતિરોધ (૧૯૦૦)
અવિભક્ત આત્મા
👉નાટકો 👇
બ્રહ્મચર્યાશ્રમ (૧૯૩૧)
ડૉ. મધુરિકા (૧૯૩૬)
👉 અન્ય 👇
કેટલાક લેખો (૧૯૨૬)
અડધે રસ્તે (૧૯૪૩)
સીધાં ચઢાણ
સ્વપ્નસિદ્ધિની શોધમાં
ભગ્ન પાદુકા
પુરંદર પરાજય
તર્પણ
પુત્રસમોવડી
વાવા શેઠનું સ્વાતંત્ર્ય
બે ખરાબ જણ
આજ્ઞાંકિત
ધ્રુવસંવામિનીદેવી
સ્નેહસંભ્રમ
કાકાની શશી
છીએ તે જ ઠીક
મારી બિનજવાબદાર કહાણી
ગુજરાતની કીર્તિગાથા
આ સિવાય અંગ્રેજીમાં પણ ઘણું સાહિત્ય સર્જન કરેલું છે. ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું. ભાવવંદન 👏💐
➡️ ૧૯૮૮માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી. મુંબઈના એક મુખ્ય માર્ગને તેમના પરથી નામ અપાયું છે. જયપુરમાં એક માર્ગને તેમના પરથી નામ અપાયું છે. તિરૂઅનંતપુરમમાં એક શાળાને ભવન્સના કુલપતિ કે. એમ. મુનશી મેમોરિય વિદ્યા મંદિર સપશ તરીકે નામ અપાયું છે. ભારતીય વિદ્યા ભવન તેમના માનમાં સામાજીક કાર્ય માટે કુલપતિ મુનશી પુરસ્કાર એનાયત કરે છે.