હા, જમાના હા, હવે તારો સમય આવી ગયો,
મેં કહી’તી વાત તે તું મુજને સંભળાવી ગયો.
ક્યારે કોને શું કહ્યું? એ યાદ પણ રહેતું નથી,
બસ હવે ચૂપચાપ રહેવાનો સમય આવી ગયો.
સૌ પરમ આનંદ ઈર્ષાથી મને જોતા રહ્યાં,
ઝીણી ઝીણી વાત પર હું દિલને બહેલાવી ગયો.
બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં,
આપના પાલવનો છેડો હાથમાં આવી ગયો.
કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો, ‘મરીઝ’,
વાહ રે કિસ્મત! કે મૃત્યુનો સમય આવી ગયો.
મરીઝ