“શાંતિ, તને કેટલી વાર કહ્યું છે કે બેસીને જાડું કાઢ! સાંભળતી કેમ નથી?”
મીરા એ પોતાની કામવાળીને જોરથી ગુસ્સો કરતા મોઢું બગાડ્યું અને ફરી ઠપકો આપતા, કટાક્ષ કરી.
“આજ કાલના કામવાળા તો તોબા રે તોબા! કેટલા પણ પૈસા આપો, આપણી વાત તો માને જ નહીં. બસ પોતાના જ મનનું કરે.”
મીરા એ એક લાંબો નિસાસો ભર્યો અને સોફા પર જઈને બેઠી.
“ચાલ હવે, જલ્દી જલ્દી હાથ ચલાવ.”
સાસુમાં જુલા પર બેઠા પુત્રવધુની કામવાળી બાઈ સાથેની વર્તણુક ચુપચાપ જોઈ રહ્યા હતા. શાંતિની આંખ ભીની જોઈને એમને દુઃખ થયું. એમને આ જરા પણ ન ગમ્યું, અને ઘણું મન થયું કે વચ્ચે પડી અને મીરાંને ટોકે. પણ તે કોઈ બહારની વ્યક્તિની સામે મીરાનું અપમાન નહોતા કરવા માંગતા. એમણે રાહ જોઈ.
જ્યારે શાંતિ કામ કરીને જતી રહી, સાસુમાં એ મીરાંને બોલાવી અને પાસે બેસાડતા, હળવેથી બોલવાનું શરૂ કર્યું,
“બેટા, ઘરની ચોખ્ખાઈ જરૂરી છે, અને તું પાસે રહી ને કામવાળી પાસે કામ કરાવે છે, તેની મને ખુશી છે. પણ દીકરી, જે વસ્તુ તું તીખા શબ્દોમાં બોલે છે, તને નથી લાગતું કે એજ બાબતો તું પ્રેમથી, સભ્યતાની સાથે કહીશ, તો એ તારી વાત વધુ સાંબળશે?”
મીરા એ આંખ ફરાવી અને અધીરા જીવે જવાબ આપ્યો,
“માજી, આ કામવાળા બધા આજ લાગના છે. એ લોકોને ફક્ત ઠપકો સમજમાં આવે છે. એ પ્રેમ અને સભ્યતાના લાયક નથી.”
સાસુમાએ મીરાંને ખભે હાથ મુક્યો અને ધીરજ જાળવી રાખતા કહ્યું,
“બેટા, સભ્યતા રાખવામાં બોલવા વાળાનું ચરિત્ર છલકાઈ છે, સાંભળવા વાળાનું નહીં. અને જો કામ કઢાવવું હોય, તો નરમાશ રાખવી જ પડે.”
મીરા ચૂપ થઈ ગઈ અને સાસુમાં સામે જોતી રહી. એમણે આગળ સમજાવ્યું,
“તે કટાક્ષ કરી અને જેમતેમ બોલી, એમાં શાંતિનું શું ગયું? થોડીક વાર માટે એને ખરાબ લાગ્યું અને એ રડી પડી. બસ એટલું જ ને? પણ આ બધામાં, એણે તારી કિંમત આંકી લીધી.”
મીરાનો હાથ પોતાના હાથમાં લેતા એમણે પ્રેમથી કહ્યું,
“આપણાથી નાના અને ઓછા નસીબદાર લોકો સાથે તો ખાસ સભ્યતા રાખવી જોઈએ, તો જ આપણે એક ઉદાહરણ બની શકીએ. એને સામે બોલવાનો મોકો નહીં આપ. સારું અને સભ્ય વર્તણુક રાખ, અને જોજે, શાંતિ પણ તારી સાથે એવી જ રીતે રહેશે.”
મીરાંને સાસુમાંની વાત ગળે ઉતરી અને સ્મિત કરતા એણે પોતાની હામી ભરી.
“સાવ સાચી વાત છે માજી, તમે મારી આંખ ખોલી નાખી.”
શમીમ મર્ચન્ટ,