“આ ચણીયા ચોળી કેટલાની છે?”
પુષ્પાએ દુકાનદારને ધીમેથી પૂછ્યું. શોરૂમના માલિકે પુષ્પાની સામે ઉપરથી નીચે નજર ફેરવી અને નાક સુકેડ્યું. એણે પુષ્પાના મેલા કપડાં જોઈને મીંઢું હંસતા કટાક્ષ કરી,
“તારા બસની વાત નથી છોકરી. આ પાંચસો રૂપિયાનું છે.”
દુકાનદારના મહેણાં ટોણાનો પુષ્પા ઉપર કાંઈ અસર ન થયો. આવું તો એણે ઘણી વાર સાંભળ્યું હતું. એની આંખ શોકેસમાં લટકેલી સફેદ, સપ્તરંગી બોડર વાળી ચણીયા ચોળીને નિહાળી રહી હતી. એણે મન હી મન વિચાર્યું,
“આ નવરાત્રીમાં, હું આ જ ચણીયા ચોળી પહેરીશ. એક મહિનાની વાર છે, ત્યાં સુધીમાં પૈસા જમા કરી નાખીશ.”
પુષ્પા; તેર વર્ષની, ફૂલવાડી. ગજરા બનાવીને, એની માં સાથે બજારમાં વેચતી. બાપ, સુરેશ, કડીયાનું કામ કરતો હતો, બદનસીબે, દારૂડિયો હતો. એનાથી ઘરમાં કોઈને કાંઈ આશા નહોતી, ઉલટાનું, પોતાની વસ્તુઓ પણ, એનાથી સંતાડીને રાખવી પડતી હતી, ક્યાંય ઘર ખર્ચના પૈસા દારૂમાં ન ઉડાડી નાખે.
પુષ્પાએ એની મમ્મી, માલતીને વાત કરી અને આજીજી કરતા કહ્યું,
“પ્લીઝ, એક મહિનો હું મારા વેચેલા ફુલના પૈસા ઘરમાં ન આપું તો ચાલશે? નવરાત્રી પછી વધુ મહેનત કરીને ભરી આપીશ.”
માલતીની આંખ ભીની થઇ ગઈ અને એને વિચાર આવ્યો,
“હું તો મારી એક ની એક દીકરીને એના પસંદની કોઈ વસ્તુ ખરીદીને આપવાની ક્ષમતા નથી રાખતી. ભલેને બિચારી પોતાના પૈસાથી લેતી.”
માલતીએ પુષ્પાના માથે હાથ ફેરવતા કહ્યું,
“ઠીક છે. આપણે બન્ને હમણાંથી વધુ મહેનત કરીશું, જેથી ઘર ખર્ચમાં ફરક ન પડે, અને તું તારા મનપસંદની ચણીયા ચોળી પણ ખરીદી શકે. પરંતુ, ધ્યાન રહે, જમા કરેલા પૈસા, તારા પપ્પાથી છુપાવીને રાખજે, સમજી?”
પુષ્પાએ દિવસ રાત, તનતોડ મહેનત કરી. પહેલા કરતા વધારે ગજરા બનાવતી, અને સવાર સાંજ બે જુદી જુદી બજારમાં વેચવા જતી. ખૂબ થાકી જતી, એ હતી તો ફક્ત તેર વર્ષની! પણ એની નજરની સામે શોકેસમાં લટકતી સફેદ, સપ્તરંગી બોડર વાળી ચણીયા ચોળી ફર્યા કરતી, અને સપનામાં એને પોતે એ ચણીયા ચોળી પહેરીને ગરબા રમતી દેખાતી.
અઠવાડિયા પછી, પુષ્પા એ દુકાનમાં ગઈ અને એના માલિકને સો રૂપિયા આપતા કહ્યું,
“આ એડવાન્સ રાખો. બાકીના પૈસા પણ આપી જઈશ. પણ પ્લીઝ, પેલી સફેદ ચણીયા ચોળી કોઈને ન વેચતા, એ મને જોઈએ છે.”
દુકાનદારનું હૃદય નરમ પડ્યું અને એણે સ્મિત કરતા કહ્યું,
“ઠીક છે. ફિકર નહીં કર, એ ચણીયા ચોળી હમણાં જ અંદર મુકાવી દઉં છું.”
હવે ચારસો રૂપિયા જમા કરવાના હતા. પુષ્પા રોજ રાતે, બધા સુઈ જાય, પછી પૈસા ગણતી. પંદર દિવસ પછી જોઈએ એટલા પૈસા જમા થઈ ગયા હતા. જ્યાં એ પૈસા પાછા એના પાકિટમાં મુકવા ગઈ, ત્યાં એનો બાપ, સુરેશ, એની સામે આવ્યો, અને પાકિટ આંચકી લીધું,
“તારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા?”
બાપ દીકરી વચ્ચે ખૂબ રગજક થઈ. માલતી પણ વચ્ચે પડી, અને સુરેશને પૈસા પાછા આપવા ઘણી આજીજી કરી. પરંતુ, એ લડખડાતો બોલ્યો,
“મને આની વધારે જરૂર છે. તને નવી ચણીયા ચોળી પહેરીને ક્યાં રાજકુમારને આકર્ષિત કરવાનો છે? બેસ ઘરમાં ચૂપચાપ!”
દુઃખી દિલમાં, તૂટેલા સપના સાથે, પુષ્પા એની મમ્મીને વળગીને ખૂબ રડી. બન્ને માં દીકરી લાચાર હતા. માલતી એની ઢીંગલીને શું આશ્વાસન આપતે?
સુરેશ, પુષ્પાની કળી મહેનતની કમાઈ લઈને નુકડના બીયર બાર તરફ જવા લાગ્યો. અચાનક એના કાનમાં ઉત્સુકતા ભર્યો અવાજ પડ્યો. ઝૂંપડપટ્ટીના એક ખુંણામાં, બે છોકરીઓ વાત કરી રહી હતી.
“મારા પપ્પા મારા માટે નવી ચણીયા ચોળી લાવ્યા છે. ખૂબ સુંદર છે.”
“મારા પપ્પા પણ લાવ્યા. એમા કાંચ અને કોડીઓ તો એવી ચમકે છે, કે પૂછ નહીં!”
“મારા પપ્પા મને બહુ પ્યાર કરે છે.”
“મારા પણ.”
આ વાતચીત સાંભળીને સુરેશના હૃદયમાં કાંઈક હલી ગયું. દોષી હોવાના એહસાસ સાથે, ખીચામાં દીકરીની મહેનતના પૈસા ખૂંચવા લાગ્યા. વગર વિચારે, એના પગ આપમેળે ઘર તરફ વળી ગયા.
ત્રણ દિવસ પછી, પુષ્પાએ પોતાના પૈસાથી ખરીદેલી સફેદ ચણીયા ચોળી તો પહેરી જ હતી. પણ સાથે એના પપ્પાની લાવેલી બંગડીઓ અને ઝાંઝરમાં, તે ચમકી ગઈ. મમ્મીના હાથના બનાવેલા ગજરાએ તેને સુગંધિત પણ કરી નાખી. પુષ્પાની નવરાત્રી તો સુધરી ગઈ, અને સાથે સાથે એના પપ્પા પણ!
શમીમ મર્ચન્ટ