તત્વજ્ઞાનનો ઇતિહાસ જણાવે છે કે મનુષ્યજીવનનો હેતુ સુખની શોધ નહી, સત્યની શોધ છે કેમકે જીવનનું સત્ય, સૃષ્ટિનું સત્ય, ઉત્પત્તિનું સત્ય કે અસ્તિત્વનું સત્ય માત્રને માત્ર મનુષ્યયોનિ દ્વારા જ પામી શકાય છે કારણ કે દરેક પ્રાણીઓમાં માત્ર મનુષ્યનું મન અને બુદ્ધિ અતિ વિકસિત અવસ્થામાં છે. જીવનનું સત્ય એટલે જીવન શું છે? જીવન શા માટે? દરેક જીવની અલગ યોનિ શા માટે? જીવનનો અંત એટલે શું? મૃત્યુ એટલે શું? મૃત્યુ કોનું? તેમ જ સૃષ્ટિનું સત્ય એટલે સમગ્ર બ્રહ્માંડની યથાર્થ જાણકારી અને ઉત્પત્તિ કે અસ્તિત્વનું સત્ય અર્થાત સર્જનની પ્રક્રિયા, સર્જન શા માટે? સર્જન પાછળ કોની શક્તિ જવાબદાર? સર્જનની અનિવાર્યતા, ઉત્ક્રાંતિના તબક્કા વગેરે. સત્યની શોધ કરતા પહેલા સમજવું પડે કે સત્ય એટલે શું કેમ કે એના વગર શોધ શેની કરવાની? ઉપરાંત શોધ કરવાની જરૂર શું છે તે પણ સમજવું અનિવાર્ય છે.
આવી અનેક બાબતોની જાણકારી અર્થાત તત્વજ્ઞાનની જાણકારી એ વ્યક્તિને સત્યની વધુ નજીક લઈ જાય છે. સત્ય એક એવું અવિનાશી તત્વ છે કે જેનો કદી નાશ શક્ય નથી, આવા અનંત તત્વને સત્ય કહે છે. એટલે જ સત્યની આગળ સનાતન શબ્દ વાપરવામાં આવે છે. અવિનાશી એટલે કાયમી અને કાયમી એટલે જેનો કદી નાશ નથી તેવું તત્વ. જો સમગ્ર બ્રહ્માંડમાં આવા તત્વની શોધ કરવામાં આવે તો સમજાશે કે ઈશારો આત્મા-પરમાત્મા તરફ છે કેમ કે આવું અવિનાશી તત્ત્વ સમગ્ર અસ્તિત્વમાં માત્ર એક જ છે અને તે છે આત્મા કે પરમાત્મા. બાકી સૃષ્ટિની તમામ સજીવ કે નિર્જીવ વસ્તુઓ નાશવંત છે, જેનો જન્મ છે તેનું મરણ નિશ્ચિત છે. એ દ્રષ્ટિએ સમગ્ર સંસાર નાશવંત છે પરંતુ આત્મા નાશવંત નથી.
ટૂંકમાં સત્યની શોધ એટલે અંતરઆત્માની શોધ.
સત્યની શોધ એટલે અમરત્વની શોધ.
સત્યની શોધ એટલે આત્માના અમરત્વ અને અમર થવાના માર્ગને લગતો આધ્યાત્મિક અભ્યાસ.
સત્યની શોધ એટલે મૃત્યુના ગૂઢરહસ્યને જાણવું.
સત્યની શોધ એટલે જન્મ અને મૃત્યુના ગુઢ રહસ્યને સમજવું.
સત્યની શોધ એટલે બ્રહ્મ કે બ્રહ્મવિદ્યાની જાણકારી.
સત્યની શોધ એટલે મૃત્યુ સાથેના આપણા મિલનને જાણવું, માણવું અને અનુભવવું.
સત્યની શોધ એટલે આત્માનું જ્ઞાન કે આત્મજ્ઞાન.
સત્યની શોધ એટલે સૃષ્ટિના સનાતન નિયમોને જાણવા.
સત્યની શોધ એટલે જીવ (જીવન) જગત (સંસાર કે બ્રહ્માણ્ડ) અને જગાદીશ (ઈશ્વર)ની જાણકારી.
આત્માના મૂળભૂત સ્વરૂપને જાણી કે અનુભવી લેવાથી સત્યની શોધનો અંત આવે છે. વળી આત્મા પરમાત્માનો અંશ હોવાથી કોઇ એકને જાણવાથી બંનેની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે અને અંતે આત્માનું પરમાત્મામાં વિસર્જન થઈ જાય છે, જે દ્વારા બે અલગ તત્વ એક બને છે. દરેક ધર્મોમાં દ્વેતમાંથી અદ્વૈત તરફ જવાની ફિલોસોફી બીજું કંઈ નહીં પરંતુ સત્યનું જ્ઞાન છે અથવા આત્મા કે પરમાત્માને પામવાની વિદ્યા છે. સરળ શબ્દોમાં સત્યની શોધ એટલે આપણામાં જે કંઈ અજ્ઞાન રહેલું છે તે અજ્ઞાન દૂર કરી જ્ઞાનની પ્રાપ્તિ કરવી.
અંતરઆત્માની શોધનો ઈતિહાસ તપાસો તો સમજાશે કે અંતરાત્માની શોધના પ્રયત્નોમાંથી જ પૂર્વજન્મ-પુનર્જન્મનું વિજ્ઞાન આવ્યું છે. કર્મની થીયરી, પાપ-પુણ્ય, નૈતિકતા કે નીતિમત્તા જેવા મૂલ્યોનો ખ્યાલ તેમજ મનુષ્ય જીવન કેવી રીતે જીવવું વગેરે બાબતો અસ્તિત્વમાં આવી હોય એવું લાગે છે. આત્મા કે પરમાત્મા જેવી વિભાવનાની ગેરહાજરીમાં જીવન-મૃત્યુ-ઇશ્વ-સત્ય વગેરે બાબતોનું કોઇ મહત્વ જ નથી. શાસ્ત્રો અનુસાર આત્મા કે પરમાત્મા એટલે દિવ્યચેતના કે પરમઉર્જા, જેના દ્વારા સમગ્ર જગત ગતિમાન અને જીવંત ભાસે છે. એ ચેતના કે ઊર્જા જ્યાં સુધી શરીરમાં હોય ત્યાં સુધી શરીર ગતિમાન, ઉર્જાવાન, સજીવ અને જીવંત રહે છે અને આત્માની ગેરહાજરીમાં તે ઊર્જાહિન, નિર્જીવ, જડ, સ્થિર અને મૃતપાય બની જાય છે. એટલા માટે જ જીવન અને મૃત્યુને સમજવાની જરૂરિયાત ઊભી થઈ છે કે જીવન શું છે અને મૃત્યુ કોનું થાય છે? મૃત્યુ શા માટે આવે છે અને મૃત્યુને કઈ રીતે સ્વીકારવું જોઈએ? આ તમામ રહસ્યને જાણવું એટલે સત્યની શોધ. આવી શોધ માટે દિવ્યચક્ષુ અને દિવ્યજ્ઞાન (પરમજ્ઞાન) ની આવશ્યકતા રહે છે. એટલે જ કહેવાય છે કે અજ્ઞાન દૂર કરી જ્ઞાન પ્રાપ્તિ કરવી એ જ સત્યની શોધ. જેના દ્વારા જીવ (જીવન) જગત (સંસાર) અને જગદીશ (ઈશ્વર) ને જાણી શકાય, મૃત્યુના રહસ્યને પામી શકાય, જીવન-મૃત્યુ વચ્ચેના સંબંધને જાણી શકાય, મૃત્યુ સાથેના આપણા મિલનના ગુઢ રહસ્યને જાણી સમજી કે અનુભવી શકાય. એટલા માટે જ કહેવાય છે કે સત્યની શોધ એટલે આત્માના મૂળભૂત સ્વરૂપની યથાર્થ જાણકારી. આવી જાણકારી કે જ્ઞાન આધ્યાત્મિક અભ્યાસ દ્વારા કે બ્રહ્મવિદ્યા દ્વારા જ શક્ય બની શકે એટલા માટે કહેવાય છે કે સત્યની શોધ એટલે આત્માના અમરત્વ અને અમર થવાના માર્ગને લગતા આધ્યાત્મિક અભ્યાસની જાણકારી.
આમ સત્યનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન કે બ્રહ્મવિદ્યાનું જ્ઞાન જેના દ્વારા મોહ અને આસક્તિના પડળો તૂટી જાય, માયાના બંધનોમાથી વ્યક્તિ મુક્ત થઈ જાય. આત્માના વાસ્તવિક સ્વરૂપને જ્યારે જાણી લેવામાં આવે કે તે અવિનાશી અનંત અને અમર છે, તેનો નાશ શક્ય જ નથી, તેનું મૃત્યુ હોઈ જ ના શકે તો જીવનમાથી આપોઆપ તમામ દુખો દૂર થઈ જાય. (કેમકે શક્તિનો કદી નાશ સંભવ જ નથી તેનું તો માત્ર રૂપાંતરણ કે પરિવર્તન જ શક્ય છે એ જ વાત આઇન્સ્ટાઇને તેના સંશોધનો દ્વારા વૈજ્ઞાનિક રીતે સાબિત કરી છે) મનુષ્ય તરીકે જ્યારે આપણે આત્મજ્ઞાન મેળવી લઇએ, જીવન-મૃત્યુના રહસ્યને જાણી લઈએ, પરમ તત્વના અસ્તિત્વને અનુભવી લઇએ ત્યારે મનુષ્યજીવન સાર્થક થયું કહેવાય કારણ કે મનુષ્ય જીવનનો એક માત્ર ઉદ્દેશ છે સત્યની પ્રાપ્તિ. પરંતુ આપણે મનુષ્યજીવનને સુખની શોધમાં વેડફી રહ્યા છીએ જેથી સત્યને પકડી કે પામી શકતા નથી અને સત્યની શોધ કાયમી ધોરણે એક રહસ્ય કે શોધ બનીને જ રહી જાય છે અને આપણે સતત અવિરત તેની પ્રાપ્તિ માટે ભટક્યા કરીએ છીએ.
સત્યની શોધના ધ્યેયમાં સફળતા મેળવવા માટે પરમાત્માના મૂળભૂત સ્વરૂપને સમજવું અને પામવું પડે (એટલે કે ઈશ્વર કોઈ વ્યક્તિ નથી દિવ્યઉર્જા છે જેની પ્રાપ્તિ વગર ઈહલૌકિક કે પરલૌકિક ઉદેશ્ય સિધ્ધ થઈ શકે નહીં તે સમજવું પડે) ત્યારબાદ અસ્તિત્વને જાણવું પડે, જેના માટે અસ્તિત્વના તમામ તત્વોને નિસ્વાર્થ પ્રેમ કરવો પડે, એ સિવાય સત્યની શોધમાં સફળતા મેળવવી અસંભવ છે. પરંતુ આપણે જીવનપર્યંત અતિશય સ્વાર્થી બની માત્ર ને માત્ર પોતાના સુખ માટે ન તો શક્તિસ્વરૂપ ઈશ્વરને સમજી શકીએ છીએ ન તેના અસ્તિત્વને જાણવાનો પ્રયત્ન કરીએ છે કે ના તેને પામી શકીએ છીએ. વળી ક્ષણિક મેળવેલા સુખને પણ ગુમાવી દઈએ છીએ કારણ કે કાયમી સુખ માત્રને માત્ર સત્યને પામવાથી જ મેળવી શકાય. એ દૃષ્ટિએ જો જીવનમાં સુખપ્રાપ્તિનો હેતુ હોય તો પણ સત્યપ્રાપ્તિ કરવી અનિવાર્ય બને છે.
~ શિલ્પા શાહ