“પરિતોષ ઘણા દિવસથી તમને એક વાત કહેવી હતી.”
“શું?”
“લગ્ન પછી આપણે અલગ ઘરમાં રહેવા જઈ શકે? તમારું આટલું મોટું કુટુંબ છે, બધા સાથે રહેવું પડશે, એ વિચારીને જ મને ગભરાટ થાય છે. અને બીજું, મારી બધી બહેનપણીઓ લગ્ન પછી સાસરિયાથી અલગ જ રહે છે.”
એક મિનિટ માટે હું ચુપ થઈ ગયો. સગાઈના ત્રણ મહિના પછી, મને પુનમથી પ્રેમ થઈ ગયો હતો. પણ મને એનાથી આવી ફરમાઈશની અપેક્ષા નહોતી. મારા મોટા કુટુંબમાં, ત્રણ પરિવારના પંદર સદસ્યો, એક બંગલામાં સાથે રહેતા હતા, અને બધા મને વ્હાલા હતા. મારુ પરિવાર મારી જાન હતી, પરંતુ આ બાબત હું પૂનમને શબ્દોમાં કઈ રીતે સમજાવતે?
એના બન્ને હાથ મારા હાથમાં લીધા, અને ધીરજ રાખતા, મેં પ્રેમથી કહ્યું,
“પૂનમ, જો આપણે અલગ રહેવા જઈશું, તો મમ્મી પપ્પાને આઘાત લાગશે. મારી એક વિનંતી છે. બાર મહિના સાથે રહીએ, જો તને નહીં ફાવે, તો પછી જેમ તું કહીશ એમ કરશું.”
એને ન ગમ્યું, પણ દલીલ કર્યા વિના તે માની ગઈ.
લગ્ન પછી, એક વર્ષના સમયમાં તીખા, મીઠા, સુખદ, દુઃખદ, જુદા જુદા બનાવ બન્યા.
“તું તારે નિરાંતે કામે જા, ઘરની ફિકર નહીં કર. અમે બધા છીએને.” મમ્મીની વાત સાંભળીને પૂનમ ખુશ થઈ ગઈ. મેં આ વિષય તેનું ધ્યાન દોર્યું.
“જો અલગ રહેતા હોત, તો આ સુખ મળતે?”
“થોડું એડજસ્ટ કરવું પડતે પરિતોષ, પણ અલગ રહેવામાં જુદી મજા છે.”
મારે શું કહેવું??
એક વાર વેપારને લઈને પપ્પા અને કાકાનો બહુ મોટો ઝગડો થયો, અને બન્ને વચ્ચે અબોલા થઈ ગયા. પૂનમની આંખમાં સાફ સાફ દેખાતું હતું….”જોયું!!”
મારી બોલતી બંધ થઈ ગઈ. પણ દિવાળી આવતા આવતા, મમ્મી અને કાકી એ બધું ઠીક કરી નાખ્યું. તદઉપરાંત, બધા એ સાથે મળીને ખૂબ ધૂમધામથી ત્યોહાર ઉજવ્યો.
સંયુક્ત કુટુંબમાં સાથે રહેવાના વિષય, પૂનમ અને મારો મત ઉપર નીચે થયા કરતો.
લગ્નના દસ મહિના પછી, મારી સાથે ખરાબ કાર દુર્ઘટના થઈ. પગનું ઑપરેશન થયું, લોહી ચડાવું પડ્યું, અને લગભગ વીસ દિવસ હોસ્પિટલમાં રહ્યો. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, ચેક-અપ, દવાઓ અને તમામ દોડધામ, બધું મારા પિતરાઇ ભાઇઓએ સંભાળ્યું. આખું પરિવાર અમારી પડખે ઉભું હતું.
એક સાંજે, પૂનમ મારી પાસે હોસ્પિટલમાં બેઠી હતી, ત્યારે મારો હાથ પોતાના હાથમાં લેતા ધીમેથી બોલી,
“પરિતોષ, આપણા બધા સદસ્ય પચરંગી છે, પણ હું કબૂલ કરું છું, કે આ સપ્તરંગી સંબંધોવાળા પરિવાર જેવું સુખ અને સહારો ક્યાંય નહીં મળે.”
સ્મિત કરતા, મેં એના હાથ પર ચુંબન કર્યું, અને મારા મનની વાત કરી.
“અમારા મતભેદો હોઈ શકે, પરંતુ કુટુંબ કરતાં વધુ મહત્વનું કંઈ નથી. પૂનમ, હવે તારો શું વિચાર છે?”
તે હંસી પડી.
“એમાં પૂછવાનું શું હતું! આપણે હમેશા બધાની સાથે જ રહેશું.”
શમીમ મર્ચન્ટ