“મમ્મી, ભાઈ અને બહેન એટલે શું થાય?” પાંચ વર્ષની રૂહીએ સામાન્ય સવાલ પૂછ્યો.
“બેટા, કેમ આજે આવું પૂછે છે?” મમ્મી એ જવાબના બદલામાં સામો સવાલ કર્યો.
“મારા સ્કૂલના ફ્રેન્ડ આજે બધા મારો મજાક ઉડાવતા હતા, ટીચરે ભાઈ બહેન પર પોયમ શીખવાડી તો મને ના સમજાયું, તો મે ટીચરને સવાલ કર્યો ભાઈ બહેન એટલે શું? તો બધા મારા પર જોર જોરથી હસવા લાગ્યા.”
બન્ને મા – દીકરીની વાત દાદી સાંભળી જાય છે અને તેના જુનવાણી સ્વભાવ મુજબ રૂહીના મમ્મીને મેણાં ટોણાં મારવા લાગે છે,
“જોયું ને અમે તો કીધું જ હતું કે એક સંતાન કરતાં ઘરમાં બે સંતાન હોવા ખૂબ જ જરૂરી છે પણ નહીં અમે તો જૂના વિચારો વાળા, ગામડિયા.”
“અરે માજી એવી વાત નથી, રૂહી હજી નાસમજ છે એને ખબર ના પડે એટલે આવા સવાલ કરે.”
“એ નાસમજ છે, તમે ને આશુતોષ તો નથી ને. શું તકલીફ છે બે સંતાન હોય એમાં? આશુતોષની કમાણી સારી છે, આર્થિક રીતે સદ્ધર છીએ અને એવું પણ નથી કે બીજું સંતાન છોકરો જ આવે તો પછી તમને તકલીફ કયા છે?”
“કોઈ જ તકલીફ નથી માજી, પરંતુ અમે ભવિષ્યને સમજીને આગળ ચાલવા માંગીએ છીએ હાલ આપણી આર્થિક પરિસ્થિતિ સારી છે અને ભગવાન કરે એવી જ રહે પરંતુ અમે બાળક બાળક વચ્ચે ભેદભાવો થતાં જોયા છે, મા – બાપ માટે બન્ને બાળકો સમાન જ હોય છે પરંતુ સમાજ એ બાળકોના કાનમાં વેરભાવનું ઝેર ઓકે છે અને મારે રૂહી સાથે એવું થવા દેવું નથી એટલે મારે રૂહી એક જ હજાર સમાન છે.”
“તમને બેટા મારી વાત કડવી જ લાગશે પરંતુ જો તમારા જેવું જ બધા વિચારતા રહેશે તો એ સમય દૂર નથી કે સંબંધોમાં પણ બાદબાકી થતી જોવા મળશે, જેમ પ્રાણી લુપ્ત થઈ રહ્યા છે તેમ સંબંધો લુપ્ત થતાં વાર નહીં લાગે.”
“માજી તમારી ચિંતા હું સમજુ છું, માતા બનવું એ દરેક સ્ત્રી માટે એક વરદાન સમાન જ છે પરંતુ શું સગું ભાઈ કે બહેન જ સંબંધ છે? આજે આશુતોષ હમણાં આવશે એટલે હું તમારા બધાની આ સમસ્યાનો ઉકેલ લાવી આપીશ.”
બીજા દિવસે સવારે આશુતોષ, અનીતા, અનીતાના સાસુ વિમળાબેન અને રૂહી એક બાળઘરમાં પહોંચે છે.
“શું આજે અહી કાઇ દાન ધર્મ કરવાનું છે અનીતા?” વિમળાબેનએ પૂછ્યું.
“આજે સંબંધમાં સરવાળો કરવાનો છે.” અનીતાએ જવાબ આપ્યો.
“શું?” વિમળાબેન અને આશુતોષ બન્ને આશ્ચર્યમાં બોલ્યા.
“શ્રીમાન નાયક સાહેબ આવી ગયાં છે?” અનીતાએ પટ્ટાવાળાને પૂછ્યું.
“શું આપની કોઈ અપોઇન્ટમેન્ટ છે એમની સાથે?” પટ્ટાવાળાએ પૂછ્યું
“હાં.”
“એક મિનિટ હું સાહેબને જાણ કરીને કહું.”
પટ્ટાવાળાએ પૂછીને અંદર મોકલ્યા.
“સાહેબ આ મારા પતિ અને સાસુ અને મારી દીકરી રૂહી.”
“નમસ્કાર, તમે ખૂબ નસીબદાર છો કે આટલા સમજદાર પત્નિ અને વહું તમને મળ્યા છે, બાકી આજના સમયમાં તો બાળક કરવાની જાણે સ્પર્ધા ચાલી છે.”
“એક મિનિટ જરા તમે બન્ને સમજાવશો કે આ શું ચાલી રહ્યું છે?” આશુતોષે જાણવાની તાલાવેલી હોય એમ પૂછ્યું.
“રેવાંશી, કેવું નામ છે તમને બધાને ગમ્યું? રૂહી બેટા રેવાંશી નામ કેવું છે?” અનીતા રહસ્ય વધુ ગહન કરતી ગઈ.
“મમ્મી મસ્ત નામ છે, કોણ છે એ?” રૂહી ખુશ થઈને બોલી.
“એક મિનિટ રૂહી બેટા, અનીતા હવે હદ થાય છે, આ શું નાટક છે, કોણ રેવાંશી અમારે શું, એ નામ ગમે એવું હોય.” વિમળાબેન ગુસ્સામાં બોલ્યા.
“હમણાં આવશે તમે જ જોઈ લેજો.”
થોડી જ વારમાં એક દોઢ વર્ષની ઢીંગલી સરસ મજાનું ફ્રૉક પેરીને વોર્ડન તેને તેડીને અંદર આવ્યા.
અનીતાએ તેને વ્હાલથી તેડી લીધી અને બધાને તેનો પરિચય આપ્યો,
“રેવાંશી રાવલ, રૂહી રાવલની નાની બહેન.”
આશુતોષ અને વિમળાબેન તો ચક્કર ખાઈ ગયાં, એકબીજાને સંભાળતા ઢીંગલી અને અનીતાને એકીટશે જોઈ જ રહ્યા.
“વાવ મમ્મી, મારી નાની બેન થેન્ક યુ સો મચ, હવે હું મારા બધા ફ્રેન્ડ ને કઈશ કે મારે પણ નાની બેન છે એ પણ આટલી ક્યૂટ.”
“હા, બેટા અને ખાસ એ પણ કહેજે ભાઈ અને બહેન સગા જ હોવા જરૂરી નથી, કોઈ એક અનાથને પણ ભાઈ કે બહેનની જરૂર હોય છે, મા – બાપ, દાદા – દાદીની જરૂર હોય છે. એક નવો જીવ જન્મ આપવા કરતાં જે જીવ અહી સંબંધો માટે તડપે છે તેને ઉછેર કરવો વધુ જરૂરી છે. સંબંધોમાં બાદબાકી ક્યારેય નથી થતી પરંતુ આવા એક બાળકને સંબંધ આપી એક નહીં અનેક સંબંધોનો ઉમેરો થાય છે.”
વિમળાબેનની આંખોમાં ગર્વ અને ખુશીના આંસુ હતા અને આશુતોષ રેવાંશી ને મેળવી સંપૂર્ણ થયો અને સંબંધોનો સાચો સરવાળો કરી રાવલ પરિવાર સુખી સુખી જીવન વ્યતીત કરવા લાગ્યો.
સુનિલ ગોહિલ ‘માસ્તર’