“મૂલ્યાંકન” : જો કોઈનું કરીએ ખૂબ સરળ લાગે અને કોઈ કરી જાય તો ખૂબ અઘરું લાગી આવે.
અહીં શબ્દસમજની વાત નથી કરવી. વાત કરવી છે આપણા સંબંધો અને એમાં આપણા દ્વારા થતાં મૂલ્યાંકનોની…
મૂલ્યાંકન કોનું થઈ શકે? વસ્તુનું મૂલ્ય હોય પણ વ્યક્તિનું શું?
કોઈ વ્યક્તિનું વધુ પડતું મૂલ્યાંકન ના કરવું. વધુ પડતું એટલે કહ્યું કે માનવ સ્વભાવનો સ્વીકાર કરવો પડે એટલે આપણે ઓછા અંશે મૂલ્યાંકન કરી જ બેસીએ છીએ પણ અહીં વાત સંબંધોની છે એટલે એ પણ સત્ય છે કે “વધુ પડતું” બધું જ આપણને વ્યક્તિથી દૂર કરી દે છે. જયારે આપણે કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધીએ તો આપણને ખબર હોવી જોઈએ કે એ વ્યક્તિ પણ આપણી જેમ ખામીઓ અને ખૂબીઓ સાથે જ જન્મી છે.
સંબંધો જીવવાના હોય માણવાના હોય એમ જોડાયેલી વ્યક્તિઓ એક બીજાને સતત સમજવાનું હોય પણ આપણે સતત મૂલ્યાંકન જ કરીએ છીએ એટલે સંબંધોમાં રહેલી નિર્દોષતા અને નિખાલસતા ખતમ થઈ જાય છે.
વ્યક્તિમાં રહેલી સારી બાબતોને આપણે જાણીને જોઈને નજરઅંદાજ કરી દઈએ અને એની ખામીઓથી જ એનું મૂલ્યાંકન કર્યા કરીએ છીએ. જો મૂલ્યાંકન કરવું જ હોઈએ તો સારા પાસાનું કેમ ના કરી શકીએ?
આપણે જ સતત ફરિયાદો કરીને “હું આમ કરું તો તું પણ આમ જ કર” – એ બધું વચ્ચે લાવીએ અને પછી એ સંબંધો સ્પર્ધામાં ફેરવાય જાય છે.આપણે સંબંધોમાં રહેલી પારદર્શક્તા ગુમાવી બેસીએ છીએ અને જ્યારે કશું અપારદર્શક બની જાય છે, આપણે તેની આરપાર જોઈ શકતા નથી.
કદાચ એ વ્યક્તિ આપણાથી અલગ હતી એટલે જ આપણે એમના તરફ આકર્ષિત થયા હતાં પણ પછી એ જ જુદાપણું અલગ કરી દે છે બધું જ.સંબંધોમાં રહેલો સ્નેહ કે લાગણીઓ આપણને દેખાતી નથી. સંબંધ આપણા માટે બોજા-રૂપ બની રહે છે. એને નિભાવવામાં મોજ રહેતી નથી.
આપણે જીવનને સુખ તરફ લઈ જવા સંબંધથી જોડાતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે સંબંધોને મૂલ્યાંકનની એરણ પર ચકાસતા રહીએ છીએ, શા માટે સંબંધોને ચકાસતા રહેવા જોઈએ. એકદમ ખુલ્લા મનથી સંબંધોને જીવીએ. આપણે સામેની વ્યક્તિ માટે આટલું કર્યું એટલે તેને પણ કરવું જોઈએ, એ જરૂરી નથી.
જ્યાં પ્રેમ છે, ત્યાં બધો જ સ્વીકાર છે. અને જ્યાં સ્વીકાર છે, ત્યાં કદી મૂલ્યાંકન હોતું નથી.
આપણે કોઈને ક્યારેય બદલી શકવાના નથી. અને જે કઈ બદલવાનું છે એ આપણી અંદર જ રહેલું છે તો પછી ખુદનું મૂલ્યાંકન કરીએ અને બીજાનું સર્વગ્રાહી મૂલ્યાંકન બંધ કરીએ.
હકીકત તો એ છે કે આપણે જ્યારે મૂલ્યાંકન તરફ વળીએ છીએ, સરખામણી તરફ વળી જતાં હોઈએ છીએ.અને આ તુલના આપણને કે આપણી નજીક રહેલા કોઈને સુખેથી જીવવા દેતી નથી. આપણે આપણી સાથે એમની તુલના કરવા લાગીએ છીએ પણ એ તો સત્ય છેને કે કોઈ બે વ્યક્તિ એક જેવા ના હોય. પણ હા જો લાગણીઓનો ભાવ સરખો છે તો પછી એમનો સાથ સદાય રહેશે જ.
આપણને આપણું જીવન સરખામણીને લીધે બીજા કરતાં અધૂરું જ લાગતું રહે છે.અને સામે પક્ષે બીજાની અધૂરપ આપણે સ્વીકારી શકતા નથી.ll આપણે પણ તો ચોક્કસ પ્રકારની અધુરપ સાથે જન્મ્યા છીએ, અને જો કોઈને મળીને એ પૂર્ણતાનો અહેસાસ થાય તો એ બસ જીવી લેવું જોઈએ.
સુખ માપવાની કોઈ માપપટ્ટી મળે છે? કે પછી સુખને કોઈ માપી શકે ખરું? સુખના માપદંડ કોઈ એ નોંધ્યા છે?તો તમે કોઈ સાથે સુખી છો કે નહીં એનું મૂલ્યાંકન શક્ય જ નથી. બસ તમે એ અનુભવી શકો.
ક્યારેક બને કે સામેવાળી વ્યક્તિ તમારી જેમ વર્તી નહીં શકતી એટલે હવે તમે આવું કરો છો એટલે હું પણ હવે આવું જ કરીશ એવું કહીને કે વિચારીને આપણે એમના જેવું વર્તન શરૂ કરી દઈએ છીએ.અને પછી બંનેને દુઃખ સિવાય કશું મળતું નથી.આપણું દુઃખ ઉભું આપણે જ કરીએ છીએ અને આ બધા વચ્ચે સંબંધનો સ્નેહ ગુમાવતાં જઈએ છીએ એના કરતાં છોડોને આ આંકડાની રમતો, અપેક્ષાઓના આડંબર આ બધું આપણા મનના સંબંધો થી દુર જ રાખો.
સમાજમાં અમુકઅંશે વ્યવહાર માં મૂલ્યાંકન જરૂરી છે પણ એમનું નહીં જે તમારું છે.મૂલ્યાંકન એ માત્ર સર્ટિફિકેટ છે, અને આપણને જીવવા માટે ક્યારેય કોઈના સર્ટિફિકેટની જરૂર નથી હોતી.એમ જ કોઈને પણ આપણા સર્ટિફિકેટની જરૂર નથી હોતી એ વાત પણ હમેંશા યાદ રાખવી.
આપણા સંબંધોનું મૂલ્યાંકન કરવું જ હોય તો એણે આપેલા સમય, સ્નેહ અને સાથનું મૂલ્યાંકન કરો.એમની લાગણીઓનું મૂલ્યાંકન કરો એમણે એમના સ્વભાવથી વિપરીત જઈને તમારી ખુશી માટે કશું કર્યું હોય એ વાત ને આધારે કરો અને એમને કહેતાં રહો કે એ તમારા સુખ માટે નો પર્યાય છે કદાચ એ પછી તમારે કે એમણે સંબંધમાં કોઈ પણ મૂલ્યાંકન કરવાનું બાકી નહીં રહે.
“જીતીશું તો આંકડાઓ જરૂર મળશે,
પણ જીવીશું તો સંવેદનાઓ મળશે.”