એક ૬૫ વર્ષના દાદીમાં જોડે ફેસબુક પર વાત થઇ તેઓ આ ઉંમરે પણ તેમાના પતિ કે છોકરાને પૂછ્યા વગર એક પણ નિર્ણય લઇ શકતાં નો‘તા. એમણે એમની આખી જીંદગી પહેલા બાપ-ભાઇ અને પછી પતિ-પુત્રને પૂછીને જ જીવી લીધી. એ વાતચીત પરથી અમુક વિચારો એ મગજને લખવા માટે આંદોલિત કર્યુ.
તમારા પાર્ટનરને એટલી આઝાદી તો હોવી જ જોઇએ કે એની ઇચ્છાઓ મનમાં જ ન ધરબાયેલી રહી જાય. કારણ કે સંબંધનો એક ભાગ બીજુ કહે એમ જ કર્યા કરશે તો એ કયારેય ખીલી નહી શકે. એકબીજાના અસ્તિત્વને સમજવું અને તેનું સન્માન કરવું જરૂરી છે, તો જ સંબંધ ગુલાબના ફૂલની જેમ ખીલી શકે અને તેની સુવાસથી દિવેલ પીધેલી જીંદગી મા જાગરણના બીજ રોપાય.
સ્ત્રીને મદદ કરવી એ ખૂબ સારુ લક્ષણ છે. પછી એ માં,બહેન,પત્નિ, મિત્ર કે પ્રેમિકા હોય. જે લોકો સ્ત્રિઓને ફકત કામકાજનું મશીન સમજે છે એવા લોકો દ્વારા જ આ માવડીયો, પત્નીનો ગુલામ અને પ્રેમિકાનો લટ્ટુ જેવા ઉપનામો પ્રયોજાતા હોય છે. આવા લોકો એમના સિવાય બીજા કોઇને મહત્વ આપતા જ નથી અને આવા જ લોકોના કારણે સ્ત્રી-પુરૂષની અસમાનતા ઘટાડવામાં સફળતા મળતી નથી.
બીજુ કે જો સ્ત્રીને આઝાદી મળે છે એના જીવનને જીવવાની તો એણે પણ એ આઝાદીનું મૂલ્ય સમજવું જોઇએ અને જેવું વર્તન વર્ષોથી પરૂષ વર્ગ તેમની સાથે કરતો આવ્યો છે તેનો બદલો જાણે-અજાણે તેમના જ ઘરના પુરૂષ સાથે ના લેવાની કાળજી રાખવી પડે. તાકાત હમેશા દમનકારી જ હોય તે જરૂરી નથી પણ તાકાત આવે તો એ જવાબદારીનો વજન સાથે લઇને આવતી હોય છે એ સમજવું જરૂરી છે.