“વિશાલ, તું એક સમજદાર અને સુલજેલો માણસ છે. પણ તારો પિતા હોવાને નાતે, મને તારી ફિકર છે, એટલે પૂછું છું. તને આભાસ છે ને, કે તું શું કરવા માંગે છે?”
પપ્પાના અવાજમાં ચિંતા સાફ સાફ છલકાઈ રહી હતી. એમની માનસિક વ્યથા વ્યાજબી હતી. હું વિશાલ નારાયણ, એમનો એકમાત્ર પુત્ર, એવું કાંઈક કરવા જઈ રહ્યો હતો, જેની કલ્પના, અમારી આખી વંશાવલીમાં કોઈએ નહીં કરી હશે. મારુ કાર્ય આત્મહત્યાને આમંત્રણ આપવાના બરાબર હતું. મને પપ્પા પાસેથી આવી જ પ્રતિક્રિયાની અપેક્ષા હતી. પરંતુ મને સો ટકા ખાતરી છે, કે મારા વડીલ મારો સાથ આપશે.
હું સામૂહિક લગ્ન કરાવવા ઈચ્છું છું, જેમાં અમારા સમુદાયના કુંવારા છોકરાઓને દલિત છોકરીઓ સાથે પરણાવવા માંગુ છું.
હવે જયપુરમાં અમારી એક વિશાળ હવેલી છે. પરંતુ મારા ગામ કાલુડીમાં અમે અમારા હિસ્સાના ખરાબ દિવસો જોયા છે. વર્ષો પસાર થતા, ભગવાનના આશીર્વાદથી પરિસ્થિતિ બદલાણી અને જીવનમાં સુખ અને પૈસો આવ્યો. હવે સમાજને પાછા આપવાનો સમય આવી ગયો છે.
મેં ધીમેથી બોલવાનું શરૂ કર્યું.
“પપ્પા, તમે આપણા ગામ અને સમુદાયની સ્થિતિથી અજાણ નથી. ડિજિટલ યુગ માત્ર મુખ્ય શહેરોમાં આવ્યું છે. આપણા ગ્રામીણ વિસ્તારો હજુ પણ પછાત અને અવિકસિત છે. અને તેથી જ ત્યાંના લોકોના વિચારો પણ રૂઢિવાદી છે. મારું આ કાર્ય માત્ર આપણા ગામ અને સમાજમાં જ નહીં, પરંતુ લોકોની માનસિકતામાં પણ ક્રાંતિકારી પરિવર્તન લાવશે.”
પપ્પાએ માથું હલાવ્યું અને સોફા પર જઈને બેઠા. એક ઊંડો નિસાસો ભરતા બોલ્યા,
“અને એ બદલાવ લાવવાનો ઠેકો શું તે લીધો છે? તું મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યો છે. આવો મારું માથું કાપી નાખો! શું તને લાગે છે કે સમુદાયના વડાઓ તને છોડશે? તેઓ આપણા જીવનને નરક બનાવી દેશે.”
આ બધું મેં પહેલેથી જ વિચારી રાખ્યું હતું. આખી યોજના મારા મગજમાં તૈયાર હતી. મેં હળવેથી જવાબ આપ્યો,
“પપ્પા, મેં ક્યાં કહ્યું કે સંઘર્ષ નહીં કરવો પડે? અને મને કાલ ને કાલ પરિણામની અપેક્ષા પણ નથી. સમય લાગશે. પણ કોઈકે તો સમાજની ગંદગી સાફ કરવાની પહેલ કરવી પડશે ને!”
પપ્પા ચિડાઈ ગયા.
“વિશાલ, આ સરકારનું કામ છે, આપણું નહીં.”
“પપ્પા જો ભગત સિંહના માબાપે આવું વિચાર્યું હોત, તો આપણને એ મહાન ક્રાંતિકારી નેતા ક્યારેય મળતે જ નહીં. અને બીજી વાત, આપણો પૈસો અને મારું ભણતર, આપણા જ લોકોના કામ ન આવે, તો શું ફાયદો?”
પપ્પાએ મને સમજાવવાનો ફરી પ્રયત્ન કર્યો,
“બેટા, તું જેના માટે આ બધું કરવા માંગે છે ને, એ જ લોકો તારા સૌથી મોટા દુષમન બની જશે.”
“જાણું છું, એટલે જ તો આ કાર્યને મેં સંઘર્ષનું નામ આપ્યું છે.”
હું એમની પાસે જઈને બેઠો અને એમના ખભા પર હાથ મૂકીને પ્રેમથી કહ્યું,
“પપ્પા, આ કામથી એક સાથે ઘણી બધી સમસ્યાઓનો નિવેડો નીકળી આવશે. દલિતને એનો સાચો અધિકાર મળશે. આપણા સમુદાયનો લિંગ ગુણોત્તર એટલો નબળો છે, જે ઘણા ગુનાઓને જન્મ આપી રહ્યો છે. આ અધિનિયમ તેની કાળજી લેશે. પપ્પા, લોકોના વિચારોમાં સાફસફાઈ ની જરૂરત છે, તો જ આપણા ગામમાં એક સકારાત્મક પરિવર્તન આવશે.”
ડરતા ડરતા, પપ્પા માની ગયા. ચાર વર્ષ લાગ્યા. જેટલો સમય અને તકલીફ સમાજના ઠેકેદારોને સમજાવવામાં ગયો, એટલો જ સમય દલિત પરિવારોનો વિશ્વાસ જીતવામાં ગયો. સોશિઅલ મીડિયા અને પોલીસે ખૂબ મદદ કરી. લોહી, પરસેવો, પૈસો, શારીરિક અને માનસિક મહેનત, બધું સરખી માત્રામાં વ્હાવવું પડ્યું.
સૌ પ્રથમ મેં પોતે એક દલિત છોકરી સાથે લગ્ન કર્યા. હું ફક્ત એક ઉદાહરણનું પ્રમાણ આપવા નહોતો માંગતો, પણ મારા બનાવેલા સિદ્ધાંતો પર દિલથી ચાલવા માંગતો હતો.
અને આખરે મારો દૃઢ સંકલ્પ રંગ લાવ્યો. અમારા નાતના પચીસ છોકરાઓને સામૂહિક લગ્નમાં દલિત પરિવારની છોકરીઓ સાથે પરણાવ્યાં.
વાજતેગાજતે જ્યારે બધાના ફેરા થઈ રહ્યા હતા, તો હું એક ખૂણામાં મારી પત્ની અને પપ્પા સાથે ઉભો, બધું જોઈ રહ્યો હતો. ત્યારે એક કન્યાના દાદા મારી સામે આવીને હાથ જોડીને ઉભા રહ્યા. એમની આંખમાં આંસુ હતા. ધ્રૂજતી જીભે બોલ્યા,
“આ જીવનકાળમાં, મેં આ દિવસ જોવાની કદીપણ કલ્પના નહોતી કરી. તમે ઘણા દરવાજા અને વિચારો ખોલી નાખ્યા. આવું ઉમદા કર્યા આજ સુધી કોઈએ નથી કર્યું. ભગવાન તમને સુખી રાખે.”
~ શમીમ મર્ચન્ટ