સ્વરથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર છે સંગીત,
શબ્દબ્રહ્મનો જ સૂરીલો સ્વીકાર છે સંગીત.
પરમને પામવા માટે સાત સૂરોની યાત્રા,
રગરગમાં રૂહાની રણકાર છે સંગીત.
ઝરણાંના વહેણમાં ને નદીના પ્રવાહમાં,
પ્રકૃતિના કણકણમાં ચમત્કાર છે સંગીત.
આભમાં વાદળની ગર્જના ને ચમકે વીજ,
ગગન મંડળે ગજબ ટંકાર છે સંગીત.
સાગરના તરંગોમાં છે પવનની લહર,
નિયતિના શ્વાસમાં ધબકાર છે સંગીત.
~દિનેશ નાયક “અક્ષર”