“ખુશી અને આનંદ એક મેક માટે જ જાણે સર્જાયા
નામ બે પણ જાણે એક મેક ના પર્યાય જ સર્જાયા.. “
આજે આનંદને સવાર થી જ કંઈક અલગ ફીલ થતુ હતું, આજે તારીખ હતી 2/5 ,બીજી મે, આ તારીખ એની જિંદગી સાથે અનેરી રીતે જોડાયેલ હતી. આજની તારીખ ને લગ્નગ્રંથિથી જોડાયાને બીજુ વર્ષ પૂર્ણ થયું હતું, બીજી એનિવર્સરી, અને લગ્નવિચ્છેદને એક વર્ષ એટલે કે ખૂશી સાથે છુટા પડ્યા તેને વર્ષ પુરુ થયું હતું અને કિસ્મતના ખેલ આજે ફેમિલી કોર્ટમાં તે ના કેસ નો ચુકાદો હતો..
વિચારવામાં કેટલો સમય પસાર થઈ જાત એ ખબર ન રહેત પણ વકિલ ના ફોન આવવા થી એ જાગ્રત થયો. તે ફ્રેશ થઈ બાથરૂમમાં થી નિકળ્યો ત્યારે અનાયાસ તેનો હાથ વોર્ડરોબ માં એ જ શર્ટ પર ગયો જે ખુશીનો ફેવરિટ હતો, અને આનંદ તે પહેરી નાસ્તો કર્યા વગર જ નિકળી ગયો. અને આજે તે ને રસ્તા માંથી પસાર થતાં અચાનક મંદિર માં જવાની ઈચ્છા થઈ, તે મંદિર માં દાખલ તો થયો પણ પરિસરમાં જ બેંચ પર બેસી ગયો, અને તેની નજર સામે બેઠેલા નવયુગલ પર કેન્દ્રિત થઈ અને તે અતીત માં પહોંચી ગયો.
આનંદને બરાબર યાદ હતું કે ઘરના એ જયારે છોકરી જોવાનું કહ્યુ ત્યારે પોતે ના કહેલી, પણ જયારે ઘરના સભ્યોના આગ્રહ થી પોતે ખુશી ને જોઈ ને તો જોતો જ રહી ગયો, હાઈટ બોડી પરફેક્ટ, રૂપાળા ચહેરા પર પડતા ખંજન જાણે સુંદરતા માં ચાર ચાંદ લગાવી દે, લાંબા કાળા વાળ, વાળ ની લટ જયારે ચહેરા પર આવે ત્યારની સુંદરતા તો કળિયુગ માં અપ્સરા નું અસ્તિત્વ હોત તો ચોક્કસ ઈર્ષા કરાવે એવું
જો કે આનંદ પણ કંઈ કમ ન હતો, ધનાઢ્ય પરિવાર નું એક નો એક સંતાન, સ્માર્ટ હેન્ડસમ, ખાસ ગોરો તો નહીં પણ આકર્ષક વ્યક્તિત્વ ધરાવનાર ધંધામાં બાહોશ, થોડો ઉતાવળિયો અને થોડો જિદ્દી, પણ લાગણીશીલ પણ એટલો જ, ટૂંકમાં બંને ની જોડી જાણે મેઈડ ફોર ઈચ અધર હતી, બંને ના શોખ વિપરીત હતાં, આનંદ ને ટીક ટોક માં આનંદ આવે, જ્યારે ખૂશી ને વાર્તા, નાટક કવિતા લખવા માં અને બુકસ વાંચવામાં ખુશી મળે,પણ આ અલગ શોખ હોવા છતા જ્યારે આનંદે એવુ કહ્યુ કે તું તારા શોખ પૂરા કરવા સ્વતંત્ર રહીશ ત્યાર થી ખુશી ની પસંદગી પ્રેમ માં બદલાઈ ગઈ.
હસી ખુશી માં સગાઈ અને લગ્ન વચ્ચે નો જે ગોલ્ડન ગણાય તે પિરિયડ જોતજોતામાં પૂરો થઈ ગયો, અને બંને ના લગ્ન પણ ખૂબ ધામધૂમથી પૂરા થયા, બંને લગ્ન પછી ધંધાર્થે અલગ શહેર માં આવી રહેવા લાગ્યા, બંને ખૂબ ખુશ રહે, દરરોજ સાંજે અડધો કલાક – કલાક એકમેકના સાથ માં જ, મોબાઈલ પણ નહીં ફક્ત એ બે જ શાંતિ થી એકમેક માટે જ વોકિંગ પર નિકળી પડે, દર રવિવારે પણ બંને નો સમય એકબીજા માટે જ વચ્ચે ત્રીજુ કોઈ નહીં, એવો પરસ્પર સંમતિ થી નિર્ણય કરેલો અને બંને એકબીજા સાથે ખુશ પણ હતાં ,કહેવાય છે કે સારા દિવસોને પાંખો હોય છે, ખૂબ ઝડપથી પસાર થઈ જાય છે, આમ જોતજોતામાં વર્ષ પૂર્ણ થયું અને પહેલી એનિવર્સરી આવી પહોંચી, બંનેના મિત્ર વર્તુળોમાં થી શુભેચ્છાઓ આવવા લાગી અને બંને એકબીજા સાથે મસ્તી કરતા સમય નુ ધ્યાન ચુકી ગયા અને જ્યારે ધ્યાન આવ્યું તો તરત ખૂશી ફ્રેશ થવા માટે જેવી બાથરૂમમાં ગઈ કે તરત તેના મોબાઈલ પર મેસેજ નોટિફિકેશન થયું, કોઈ મિત્ર નો શુભેચ્છા નો મેસેજ હશે એમ સમજીને આનંદે મેસેજ ખોલ્યો અને એનો મૂડ ઓફ થઈ ગયો, તે ખુશી બાથરૂમમાં થી બહાર આવે તે પહેલા જ નિકળી ગયો, આખો દિવસ ઘરથી દૂર રહ્યો અને મોડી રાત્રે ઘરે પરત ફર્યા ને તરત જ કહ્યુ ખૂશી હું ડિવોર્સ ઈચ્છુ છું,
આ વાત સાંભળી ખૂશી હતપ્રભ થઈ ગઈ, કારણ પૂછતાં કહ્યુ કે તને અદાલત માં કારણ મળી જશે, હું સવારે આવીશ ત્યાં સુધીમાં તુ તૈયાર રહેજે હું તને છોડી દઈશ, આટલું કહીને તે સડસડાટ નિકળી ગયો, આનંદના ગયા પછી ખુશી ખૂબ રડી અને બોલી છોડી તો ગયા હવે શું છોડશો !!!?? ખૂબ વિચારવા છતાં એને કોઈ વાત સમજવામાં ન આવી, અને વહેલી સવારે આનંદ આવે તે પહેલા જ ઘર છોડી જતી રહી.
ઓચિંતા જ ધ્યાન ભંગ થતાં તે ઊભો થયો અને કોર્ટમાં જવા પગ ઉપાડયા, દર મુદતે એવુ કંઈક બનતુ કે કેસ આગળ વધતો જ નહીં, આ જે કેટલા સમય પછી પોતે ખૂશી ને જોશે એ વિચારે તેનું હ્રદય ધબકાર ચુકી ગયું, જેવો આનંદ અદાલતમાં પહોંચ્યો તો ખુશી, તેના પપ્પા, તેના ભાઈ હાજર હતાં, આજે ખૂશી એ આનંદ નો ફેવરિટ કલર પહરેલો, આનંદ ને જોતા જ ખૂશીના પપ્પા કશુંક બોલવા ગયા પણ ખુશી એ રોક્યા,
હજુ તેના કેસ ને થોડી વાર હતી એટલે જગ્યા ના અભાવે બંને બાજુ માં જ બેઠા, બંને કંઈક ખોવાયેલા હતા ત્યારે જ ખૂશી ના મોબાઈલ નું નોટિફિકેશન વાગ્યુ, અને તરત જ ખૂશી ના ચહેરા પર નાનકડુ હાસ્ય આવ્યું . અને તરત જ આનંદ થી બોલાઈ ગયું કે ડોન્ટ વરી ખૂશી હવે તું તારા બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી શકીશ. આ સાંભળીને ખૂશી એકદમ ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ, કોની સાથે લગ્ન ?? આ શું બોલો છો તમે..?? તમે ડિવોર્સ નું કારણ ન જણાવો તો કંઈ નહીં. પણ આમ ખોટો આક્ષેપ નહીં.. હા….,
આનંદે કહ્યું કે, રહેવા દે મે જ આપણી મેરેજ એનિવર્સરી ના દિવસે તારા મેસેજમાં વાંચ્યું હતું ” તું ચિંતા શા માટે કરે છે? આ લગ્ન તો ફક્ત જ્યોતિષના કહેવા મુજબ મે કર્યા છે, તને પણ ખ્યાલ છે કે સવા વર્ષ થતાં જ હું મારા પતિદેવ ને છોડી તારી સાથે જ લગ્ન કરીશ. મનથી તો હું હજુ તારી જ છું.. અને તારી જ રહીશ ” અને એટલું જ નહીં સામે રિપ્લાઈ પણ જોરદાર હતો. ” વાહ, મને ખબર જ હતી કે તું કરી શકીશ, ખૂબ સરસ, તારો ખૂબ ખૂબ આભાર યાર, તે આજ ના દિવસે પણ મને યાદ કર્યો. થેંક યૂ.. પછી મળ્યાં… બાય.. ”
આ સાંભળીને ખૂશી આશ્ચર્ય અને દુઃખ મિશ્રીત લાગણી થી જોઈ રહી અને પુછ્યું કે આ મેસેજ ને કારણે તમે મને… અરે એક વાર પૂછવુ જરૂરી પણ ન લાગ્યું, તરત આનંદ બોલ્યો કે રાત્રે હું ગુસ્સામાં હતો, અને તારે ઉતાવળ હતી એટલે તું સવારે નિકળી ગઈ , અને આનંદ કટાક્ષમાં હસ્યો, હવે ખુશીથી ન રહેવાયું અરે એ મેસેજ ના શબ્દો પર વિશ્વાસ કર્યો પરંતુ મારા પ્રેમ અને ચારિત્ર્ય પર નહીં.,વાહ..!!
પ્રેમ તો હર એક ભાષા જાણે છે
મૌન ની હર એક વાત જાણે છે
સ્પર્શ ની અસર પણ પીછાણે છે ” તો તમે..
આનંદ વચ્ચે બોલ્યો તું કહેવા શું માગે છે.?? ખૂશી તરત બોલી આ મેસેજ મારો હતો પણ એ ભાવના મારી ન હતી, આ મેસેજ જ્યોતિષના જે આંધળા વિશ્વાસુ છે એને સમજણ માટે મારા મિત્રો નાટક કરવાના હતા, તેના એક ડાયલોગ માં મે કરેકશન કરી આપ્યું. આટલું સાંભળતા આનંદ શૂન્યમનસ્ક બની ગયો, પોતાની ભૂલ કેવી રીતે સુધારવી એ જ વિચારી રહ્યો, એને તરત ખૂશીનો હાથ પકડી કહ્યુ ” સોરી ખૂશી તું મને માફ કરી દે.. ચાલ આપણે નવી શરૂઆત કરી એ”.
ખૂશી એ તરત પોતાનો હાથ પાછો ખેંચી લીધો, અને કહ્યું માફ કરજો પણ જ્યા વિશ્વાસ ન હોય ત્યાં શુધ્ધ શ્વાસ પણ ન હોય. સોરી.. આટલું કહી ખુશી ત્યાં થી ઊભી થઈ ગઈ, આનંદ એકદમ ભગ્ન હ્રદય સાથે ત્યાં જ બેસી રહ્યો, થોડી વારે એક મૃદુ સ્પર્શ અનુભવાયો ,પાછા ફરી ને જોયું તો ખૂશી પોતાની સાથે ડિવોર્સ કેસ કેન્સલ કર્યાના કાગળ સાથે ઊભી હતી, ફરી આજે એ જ તારીખ ખુશી લાવી હતી. ફરી બે પંખીડા પોતાના આશિયાના તરફ ઊડી ગયા.
” આનંદ અને ખૂશી એક મેક માટે જ સર્જાયા હતા.
પછી તે પર્યાય નહીં પણ એકમેકના પૂરક બન્યા હતા “