મૃત્યુ પછી આપણા શાસ્ત્રોમાં ઉપરના સાત લોકની ચર્ચા કરવામાં આવી છે. જેમાં પૃથ્વીથી શરૂ થતા પ્રથમ ચાર લોક ઉપર ચંદ્ર નો અમલ છે જ્યારે પાંચથી સાત લોક સૂર્યના અમલમાં છે.
જ્યાં સુધી વિચારો છે, જ્યાં સુધી ઈચ્છાઓ છે, જ્યાં સુધી વાસનાઓ છે ત્યાં સુધી ફરી જન્મ લેવો જ પડે છે. અને એટલે એવા આત્માની ગતિ ચોથા લોકથી ઉપર થઈ શકતી નથી.
એક થી ચાર લોક સોળ ભાગમાં વહેંચાયેલા છે. આ દરેક ભાગને કલા કહેવામાં આવે છે. કલા એટલે વિભાગ અથવા ઝોન ! આ સોળ કળા આપણી સોળ તિથિઓ સાથે જોડાયેલી છે. એટલે જ ચંદ્રની સોળ કળાઓ કહેવાય છે.
એક થી ચાર લોકમાં કર્મ પ્રમાણે ગમે તે લોકમાં ગતિ થાય પણ એ ગતિ મૃત્યુની તિથિ મુજબ થતી હોય છે. માનો કે શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની સાતમના દિવસે મૃત્યુ થાય તો બીજો જનમ ના થાય ત્યાં સુધી જીવને સાતમી કલામાં રહેવાનું થાય છે.
આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધ પક્ષનું ખૂબ જ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષ એ પિતૃલોક માટે એટલે કે ચંદ્રલોક માટે એક વેકેશન જેવો સમય છે. તમામ આત્માઓને આ સોળ દિવસ દરમિયાન મૃત્યુ ની તિથિ પ્રમાણે પૃથ્વી ઉપર જઈને પોતાના સ્વજનોને જોવાની સ્વતંત્રતા મળે છે. કોઈપણ જાતના ભોગ તે આ સમયમાં આરોગી શકે છે.
જે તિથિમાં મૃત્યુ થયું હોય એ તિથિ શ્રાદ્ધ પક્ષમાં જ્યારે પણ આવે ત્યારે જે તે કલાના દરવાજા ખુલે છે અને જે તે જીવને શ્રધ્ધા નામના માર્ગે પૃથ્વી ઉપર જવા માટે રજા આપવામાં આવે છે.
મૃત્યુ પામેલા દરેક જીવને જે તિથિ માં મૃત્યુ થાય તે જ તિથિની કલામા મોકલવામાં આવે છે પરંતુ જે લોકોનું ગોળીબાર જેવા શસ્ત્રોથી મૃત્યુ થાય કે અગ્નિમાં સળગી જવાથી, પાણીમાં ડૂબી જવાથી કે અકસ્માત થી અચાનક મૃત્યુ થાય એ તમામ જીવોને ભલે ગમે તે તિથિમાં મૃત્યુ પામ્યા હોય તોપણ તેમને ચૌદમી કલામાં જ મોકલવામાં આવે છે. આત્મહત્યા કરી લેનારા પણ ચૌદમી કલામાં જ જાય છે.
એટલે આ રીતે જેમનું પણ કુદરતી મૃત્યુ ના થયું હોય એ તમામ જીવાત્માઓને ચૌદમી કલામાં મોકલવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું કુદરતી મૃત્યુ ચૌદશના દિવસે થયું હોય તો એને ચૌદમી કલાના બદલે અમાવસ્યાની સોળમી કલામાં મોકલવામાં આવે છે. કારણ કે પંદરમી કલા પૂનમના દિવસે જે લોકોનું મૃત્યુ થયું હોય એમના માટે છે. ચૌદમી કલા માત્ર અને માત્ર અપમૃત્યુ થનારા પીડિત આત્માઓ માટે રિઝર્વ છે એમ સમજવું. જે લોકોએ સંસાર છોડી સંન્યાસ લીધો હોય એમને બારમી કલામાં મોકલવામાં આવે છે.
શ્રાદ્ધ નો છેલ્લો અમાવસ્યાનો દિવસ તમામ આત્માઓ માટે મુક્તિનો દિવસ ગણાય છે. એમને પૃથ્વી ઉપર ગમે ત્યાં ફરવાની અને સ્વજનોને મળવાની આઝાદી આપવામાં આવે છે. એટલે જ એને સર્વપિતૃ અમાવાસ્યા કહેવામાં આવે છે.
સનાતન હિંદુ ધર્મને માનનારાઓ એ તમામ સોળ શ્રાદ્ધ કરવાં જોઈએ. બ્રાહ્મણને જમાડવો જોઈએ અથવા ગાય કુતરાનો ભાગ કાઢવો જોઈએ. કારણ કે આપણે જાણતા નથી કે આપણી પેઢીના તમામ સ્વજનો કઈ તિથિએ મૃત્યુ પામ્યા !! પરંતુ એમને તો એમના કુટુંબ તરફથી હંમેશા અપેક્ષા હોય જ છે કે મારો પૌત્ર કે પ્રપૌત્ર મને યાદ કરી ભોજન આપે !!
આપણને એ પણ ખબર નથી હોતી કે ક્યારેક સૂક્ષ્મ રીતે આપણાં એ મૃત સ્વજનો આપણને ક્યારેક મદદ પણ કરતાં હોય છે. અકસ્માતમાં બચાવતાં પણ હોય છે. બસ આપણે એમને જોઈ શકતા નથી.
મૃત સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને જો આવડે તો વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અને પિતૃઓને અર્પણ કરવો જોઈએ.
બ્રાહ્મણને જમાડતી વખતે અથવા ગાય કુતરાનો ભાગ કાઢતી વખતે મનોમન પ્રાર્થના પણ કરવી જોઈએ કે —
“હે પિતૃઓ, હે સ્વજનો..તમે આજે અમારા ઘરે પધાર્યા છો. પરંતુ અમે તમને જોઈ શકતા નથી. અમે જે આ બ્રાહ્મણને જમાડીએ છીએ અથવા તો ગાય કુતરા માટે જે આ ભાગ કાઢ્યો છે એનાથી તમે તૃપ્ત થાવ અને અમને બધાંને આશીર્વાદ આપો. ”
આવી પ્રાર્થનામાં ઘણી તાકાત છે. શબ્દ એ બ્રહ્મ છે. સાચા હૃદય પૂર્વક ખૂબ જ ભાવથી જો તમે આ રીતે જમાડશો તો પિતૃઓ સુધી પહોંચશે જ !!
જો તમને આવડે તો પિતૃઓનું તર્પણ પણ કરવું જોઈએ. તર્પણ ના આવડે તો છેવટે પીપળે પાણી ચઢાવવું.
તમે આ રીતે ભાવથી જો સોળ શ્રાદ્ધ કરશો તો તમને એક જ વર્ષમાં એનો પ્રભાવ દેખાશે. તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. ઘરમાં પણ શાંતિ તમે અનુભવી શકશો. મૃત વડીલોના આશીર્વાદમાં બહુ જ તાકાત છે.
એક વાત હંમેશા યાદ રાખવી કે એ જરૂરી નથી કે તમારા તમામ પિતૃઓ અત્યારે સૂક્ષ્મ જગતમાં રહેતા હોય. ઘણા આત્માઓ જન્મ લઈ ચૂક્યા પણ હોય. એવા સમયે તમે જે ભોજન કોઈ પિતૃને અર્પણ કરો છો એ તે જ દિવસે પૃથ્વી ઉપર એને નવા જન્મમાં જમવા મળે છે.
શ્રાદ્ધમાં તમને કોઈક દિવસે સારું સારું જમવાનું મળે તો એનો મતલબ એ જ થયો કે તમારા પૂર્વ જન્મનું શ્રાદ્ધ કોઈએ કર્યું છે અને તેનો રસાસ્વાદ તમે આજે માણી રહ્યા છો !!
અશ્વિન રાવલ
( સ્વામી અભેદાનંદજી સાથેની વાતોમાંથી )