શ્રાદ્ધ નિમિત્તે.
અવસાન પામેલા વડિલો પિતૃ કહેવાય.
શ્રાદ્ધ નિમિત્તે એમનું સ્મરણ થાય
એમની પાછળ શક્ય દાનધર્મ થાય.
પરિવારજન સાથે મળીને ભોજન કરે.
વડિલને ભાવતી વાનગી બને.
ખીર પૂરી બને ને એ પહેલી પીરસાય કાગડાને.
એને કાગવાસ કહેવાય.
ઘરનાં વડિલ કાગવાસ નાખે.
એ ખાવા કાગડા આવે .
એ દિવસ પૂરતા એ કાગડા કાગડા નહીં
આપણા પિતૃ.
આડા દિવસે જેમને ઉડાડતા હોઇએ
એમને સાદ દઇને બોલાવવાના ને જમાડવાના.
એ દિવસે કાગડા ખાય નહીં , જમે.
ન આવે તો મૂંઝાવો રહે.
પિતૃ નારાજ હશે એમ મનાય,
રાજી કરવા પિતૃદોષ નિવારણ થાય.
આ વિધિનો ઉપયોગી ભાગ
પરિવારનું સમૂહ ભોજન.
વિભક્ત કુટુંબમાં પણ
મોટાભાઇના ઘેર સહુ આવે,
વહુવારુ સાથે મળીને રસોઇ બનાવે
કાગવાસ નખાય પછી સહુ સાથે જમે.
જમવા ઉપરાંત એ નિમિત્તે વડિલની વાતો થાય.
મીઠી વાતો વધુ થાય ,
કોઇકના મનમાંથી તૂરો કડવો સ્વાદ ન ગયો હોય
એ કદાચ કૈંક બોલે
પણ વડિલો વારે.
વયચિરવિદાય પછી વડિલને હેતથી સંભારવા
એમના માટે આદર પ્રગટ કરવો
ઋણસ્વીકાર કરવો
એ નિમિત્તે નવીપેઢી સાથે એનું અનુસંધાન રચવું
આ એનો સાચો હેતુ.
આ સમયમાં એક કામ કરવા જેવું છે
ભારતીય પંચાંગ પ્રમાણે
વડિલની પુણ્યતિથિ જાણી લ્યો,
કારણકે શ્રાદ્ધપક્ષમાં તારીખ નહીં તિથિ જરુરી.
કાગડા, પિતૃ, ખીર, કાગવાસ વગેરે વિષે
નવી પેઢીને સવાલ થવાના.
એના ઉત્તર ભલે ને ન આપો ,
બસ , સાથે બેસો, રાંધો, જમો ,
વડિલને યાદ કરો.
એક વાત તો સાચી ને કે આપણે છીએ કારણકે
એ હતા !
– તુષાર શુક્લ