દોસ્તો, ચાલો, જ્યાં વાત અધૂરી મૂકી હતી એને આગળ વધારતા આજે સમાપ્ત કરીએ. મને મારા નાનપણની એક ઘટના યાદ આવી. અમે નાના હતા, તે વખતે દાદીમા કહેતા, “કોઈ સુતુ હોય, તો એના પરથી ટપીને ન જવાય. સૂતેલો વ્યક્તિ મરી જાય.” અને અમે છોકરાઓ એ વાત પર હસતા.
“દાદી, એવું થોડી થાય!” ત્યારે દાદીમા એ પાસે બેસાડીને સમજાવ્યું,
“બેટા, આ તો ફક્ત એક અંધશ્રદ્ધા છે. પણ જો એવું કંઈક ન કહીયે તો લોકો સારી રીતભાત વગર કીધે ન અનુસરે.”
દાદીમાની આ શિખામણ જીવનભર યાદ રહી અને ધીરે ધીરે સમજણ પણ પડી કે ઘણી બધી અંધશ્રદ્ધાની શરૂઆત કંઈક જુદા ઉદેશ્ય થી કરવામાં આવી હતી પણ દુઃખની સાથે કહેવું પડે છે કે ઘણા લાલચી લોકોએ, ઇન્સાનના ડરનો લાભ ઉપાડીને બિઝનેસ બનાવી નાખ્યો છે. જેના લીધે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે છે. આજે લગભગ બધી જ અંધશ્રદ્ધાનો વાસ્તવિક ઉદેશ્ય ભુલાઈ ગયો છે.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક ખૂબ જ પાતળી રેખા હોય છે અને અજ્ઞાની લોકો, આવા ચતુર અને કપટી
વ્યક્તિઓની વાતમાં ભોળવાઈ જાય છે.
જો ખરી રીતે જોવા જઇયે, તો અંધશ્રદ્ધા આપણને પ્રભુની શ્રદ્ધા થી દૂર લઈ જાય છે. જ્યારે તમે અંધશ્રદ્ધામાં કરેલા કાર્યને પ્રભુની ખુશી અથવા પ્રભુનો કોપ માનવા લાગો, તો શું તમે ખરેખર પ્રભુને માનો છો, કે પછી તમોએ એક નવા કાલ્પનિક પ્રભુને જન્મ આપી દીધો??
સતત, દરેક સમય અને પ્રત્યેક હાલમાં, ફકત પ્રભુ પર અટલ વિશ્વાસ હોવો જોઈએ. જેણે આપણને જન્મ આપ્યો અને આ દુનિયામાં લાવ્યો, એને આપણી ચિંતા આપણા કરતા વધુ છે. શુ એને દુઃખ નહીં થતું હોય, એ જોઈને કે આપણે એને મૂકીને બીજી અર્થહીન વસ્તુઓમાં ગુંચવાઈ ગયા છીએ?
આજના આધુનિક યુગ અને ડિજિટલ દુનિયામાં અંધશ્રદ્ધાની કોઈ જગ્યા કે મહત્વ નથી. જ્ઞાની બનો, પોતાને અપગ્રેડ કરો. પ્રભુ પર વિશ્વાસ રાખવાની સાથે, મેહનત કરો. અને પછી જુઓ, સારો સમયને આવતા કોઈ નહીં અટકાવી શકે.
– શમીમ મર્ચન્ટ