હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
જલન માતરી
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ,
ઝેર સૌ પીવાને શંકર આવશે.
બાલુભાઈ પટેલ
શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
‘શૂન્ય’ પાલનપુરી
શંકરની જેમ નાગને મફલર કરી શકો;
પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો?
ખલીલ ધનતેજવી
ભોળપણ બે આંખમાં, ત્રીજીમાં નહીં!
જે છે શંકર, એ જ દુર્વાસા ય છે
રઈશ મનીઆર
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.
શેખાદમ આબુવાલા
જરા(ક) ડોકિયું કરતા જઈએ મંદિરમાં,
નજર મિલાવીયે શંકર ફરી મળે ન મળે.
નાઝિર દેખૈયા
શંકર તો ગટગટાવી શકે, એ તો દેવ છે!
અમને તો ‘ચા’ ની સાથે તમારીય ટેવ છે!
સંદીપ પૂજારા
નથી એવું કે, પુરાવો એ સદાય પીને આપે,
જે બીજાને વિષ ન આપે, છે હવે તો એય શંકર!
સંદીપ પૂજારા
જીવી રહ્યા છે જગતમાં હજી ઘણા શંકર,
હસીને ઝેર રિવાજોનું ગટગટાવે છે!
સંદીપ પૂજારા
સદા મારું છું ઠોકર એને જે ના હો મને ફળતું!
નથી શંકર, મને ધરશો ન કોઈ ઝેર હળહળતું!
સંદીપ પૂજારા
જે હળાહળ પીને હસતા હોય છે,
આપણામાંથી હશે શંકર ઘણા.
બાબુલાલ ચાવડા ‘આતુર’
ક્યાં સુધી દુઃખદર્દની વાતો તમે કીધા કરો,
ઝેર જીવનના બધા શંકર બની પીધા કરો.
દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
કંકર ને શંકર છે એક જ,
ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે.
પ્રશાંત સોમાણી
પુરાવો કોઈ પણ સધ્ધર નથી મળતો,
મળે છે નાગ પણ શંકર નથી મળતો.
પ્રશાંત સોમાણી
ગોળી સામે બખ્તર જેવો માણસ છે આ!
ઝેર મળે તો શંકર જેવો માણસ છે આ!
‘દર્દ’ ટંકારવી
હું શંકર સ્વરૂપે પડ્યો છું કિનારે,
પગે ખૂંચતા કાંકરાથી અલગ છું.
રાકેશ સગર ‘સાગર’