શાસ્ત્રો અનુસાર વ્યક્તિને પરમ અને દિવ્ય બનાવતા ત્રણ પરિબળો છે, પવિત્રતા પ્રમાણિકતા અને પ્રસન્નતા. એટલા માટે જ કહેવાય છે કે પવિત્રતા + પ્રમાણિકતા + પ્રસન્નતા = પરમાત્મા. અતિ ઉર્જાવાન દિવ્ય કે પરમ બનવા માટે પ્રમાણિકતા પ્રથમ શરત છે. પરંતુ આંતરિક અને બાહ્ય રીતે પવિત્ર બન્યા વગર પ્રમાણિક બનવું સંભવ નથી. પ્રમાણિક એટલે કપટરહિત, દંભરહિત, સરળ, સહજ અને સત્યનિષ્ઠ વ્યક્તિત્વ. જેના કર્મોમાં એટલે કે વિચાર વાણી વર્તનમાં ક્યાંય અપ્રમાણિકતાનો છાંટો સુદ્ધાં ન હોય તેને પ્રમાણિક કહેવાય. જેના માટે બાહ્ય તેમ જ આંતરિક રીતે અતિ પવિત્ર બનવું પડે. પ્રમાણિક તેમજ પવિત્ર વ્યક્તિ કુદરતી રીતે હંમેશા પ્રસન્નચિત્ત જ રહે. આમ વ્યક્તિને અતિ ઉર્જાવાન પરમાત્મા સમાન બનાવતું અતિ મહત્વનું તત્વ એટલે પવિત્રતા કેમ કે તેના દ્વારા સહજ રીતે મનુષ્ય પ્રમાણિક અને પ્રસન્ન બનતો હોય છે. આજના આપણાં આર્ટીકલના શીર્ષકને સમજવા માટે બે વિભાવનાઓને સમજવી અનિવાર્ય છે, એક પવિત્રતાની વિભાવના અને બીજી શૂન્યની વિભાવના. તો આવો એક પછી એક આ બંને વિભાવનાઓને સમજીએ.
પવિત્રતા એટલે શૌચ મતલબ શુધ્ધિ. તન મન અને આત્માની શુદ્ધિ. તન, મન અને આત્માની પવિત્રતા એકબીજા પર આધારિત છે. જેનો આત્મા પવિત્ર હશે તેનું મન હંમેશા હકારાત્મક રહેશે અને જેનું મન પવિત્ર હશે તેનું શરીર હંમેશા શુધ્ધ અને સ્વસ્થ જોવા મળશે. વાસ્તવમાં આત્મા અને મનની પવિત્રતાની શરૂઆત તો તનની શુધ્ધતા દ્વારા જ થાય છે કેમ કે અશુદ્ધ તનમાં શુદ્ધ મન કદી રહી શકતું નથી. જેથી પવિત્રતાની શરૂઆત તનશુદ્ધિ દ્વારા જ કરવી પડે. મનની શુદ્ધિ વૈજ્ઞાનિક પ્રાર્થના, સ્વયંસૂચન, ધ્યાન, ઊંડા શ્વાસોશ્વાસ, પ્રકૃતિ નિરીક્ષણ વગેરે દ્વારા પણ શક્ય બને છે. જયારે આત્માની શુદ્ધિ મનુષ્યજીવનના મુખ્ય કષાયો જેવા કે કામ, ક્રોધ, લોભ, કપટ, મોહ, અહંકાર અને ઈર્ષ્યામાંથી મુક્તિ મેળવી શક્ય બને છે. પવિત્રતા પાંચ પ્રકારની હોય છે. ૧) મનની પવિત્રતા (રાગ-દ્વેષની ગેરહાજરી) ૨) કર્મની પવિત્રતા (નિષ્કામકર્મ) ૩) શીલશૌચ (સદાચારનું પાલન કોઈપણ પરિસ્થિતિમાં કરવું, સત્યનો માર્ગ ન છોડવો. મૂલ્યો સાથે સમાધાન ન કરવું) ૪) વાકશૌચ (સત્ય, પ્રિય અને હિતકર વાણી બોલવી) ૫) શરીરશૌચ (સ્નાન અને આહારની શુદ્ધિ). નિસ્વાર્થભાવથી કે પરોપકારવૃત્તિથી કરેલું આચરણ, મનમાં સદવિચારોનું સાતત્ય, અંત:કરણમાં વિવેક વગેરે પવિત્રતા દર્શાવે છે. જેનું મન નિર્મળ હોય છે તેનામાં સારા અને ખરાબ કર્મોને ઓળખવાનો વિવેક હોય છે. તે ઇન્દ્રોયોના વિકારોનું પ્રાબલ્ય પોતાના મન પર જામવા દેતો નથી અને સ્વાભાવિક રીતે જ પરમ ઉર્જાવાન બને છે.
ભગવાન બુદ્ધના મતે આવી વિશિષ્ટ પવિત્રતાની સ્થિતિ શૂન્ય સિવાય શક્ય જ નથી. જેને તેઓ “world of zero” કહે છે એ જ નિર્વાણની સ્થિતિ છે અને એ જ હિંદુધર્મ અનુસાર મુક્તિ કે મોક્ષની અવસ્થા છે. આમ પણ જ્યાં શૂન્ય હોય એટલે કે કશું જ ન હોય ત્યાં પવિત્રતાનું હોવું તો સ્વાભાવિક છે. જ્યાં ન તો સુખ છે ન દુઃખ, ન ગમો ન અણગમો, ન રાગ ન દ્વેષ, ન હર્ષ ન શોક, ન સફળતા ન અસફળતા, ન કાંઈ મારું ન કાંઈ પારકું, ન ઠંડી ન ગરમી, ન જીવન ન મૃત્યુ, એનાથી વધુ ઉત્તમ અને પવિત્ર સ્થાન બીજું કયું હોઈ શકે? એટલા માટે જ ભગવાન બુદ્ધ મોક્ષ કે નિર્વાણને “world of zero” એટલે શૂન્યની દુનિયા તરીકે ઓળખે છે. કંઈ જ ન હોવાને કારણે ત્યાં અસીમ શાંતિ અને પવિત્રતા અનુભવાય છે. જ્યાં શૂન્ય નથી એટલે કે કશુંક છે ત્યાં બીજું કઈક સારું અથવા ખરાબ એવું તત્વ અવશ્ય હોવાનું. જ્યાં કંઈક મારું છે ત્યાં અવશ્ય કંઈક બીજાનું એટલે કે પારકુ હોવાની અનુભૂતિ રહેવાની. એ જ અપવિત્રતાના દર્શન કરાવે છે. જ્યાં હર્ષ છે ત્યાં શોક હોવાનો, જ્યાં સુખ છે ત્યાં દુઃખ પણ હોવાનું અને જ્યાં જીવન છે ત્યાં મૃત્યુ અવશ્ય હોવાનું. આમ દ્વેષ, દુઃખ, અણગમો, પારકાની ભાવના અને મૃત્યુ વગેરે સ્વાભાવિક રીતે જ આપણને પસંદ નથી અથવા એમાં આપણને અપવિત્રતાના દર્શન થાય છે. છતાં જીવનની ઇચ્છા, સુખ-હર્ષ-સ્નેહ પ્રાપ્તિની અપેક્ષા વ્યક્તિને આવી અપવિત્રતા તરફ લઈ જતાં હોય છે. જ્યારે આપણે જીવનને પસંદ કરીએ છીએ, સુખને પસંદ કરીએ છીએ, હર્ષને પસંદ કરીએ છે, પોતાના કે અંગતને પસંદ કરીએ છીએ ત્યારે એક સિક્કાની બે બાજુની જેમ ગમતાની સાથે અણગમતું આપોઆપ પ્રાપ્ત થતું હોય છે. પરંતુ જ્યાં કશાનું અસ્તિત્વ જ નથી તે અવશ્ય અતિ પવિત્ર સ્થાન હોવાનું, જે “world of zero” સર્વશ્રેષ્ઠ દુનિયા છે.
વૈજ્ઞાનિક કે વ્યવહારિક દ્રષ્ટિએ પણ શૂન્ય સિવાયની કોઈ પવિત્રતા હોઈ જ ન શકે એટલા માટે શૂન્ય બની રહેવું તે જ સાચી પવિત્રતા છે. શૂન્ય બની રહેવાનો અર્થ છે no-one બની રહેવું. અહંકારમુક્ત બની રહેવું. માનમોભો, પ્રતિષ્ઠા, સત્તા, પદ, પૈસો સર્વની આસક્તિથી મુક્ત રહેવું એ જ સાચી પવિત્રતા. જે શૂન્યની સ્થિતિ સિવાય અસંભવ છે. શૂન્યની દુનિયા એટલે “હુંપણા”થી મુક્તિ. શૂન્યની દુનિયા એટલે અહંકારશૂન્યતા (egolessness) અને સમયવિહીનતા (timelessness) ની સ્થિતિ. જ્યાં ભૂતકાળની કડવાહટ હોય કે ભવિષ્યની ચિંતા હોય ત્યાં શાંતિ કે પવિત્રતા કેવી રીતે હોઈ શકે? જ્યાં “હું” અને “તું” જેવા દ્વંદ ન હોય, જ્યાં ભૂતકાળની કડવાહટ કે ભવિષ્યની ચિંતા ન હોય તેનાથી વિશેષ પવિત્ર બીજું શું હોઈ શકે? શૂન્યની પ્રાપ્તિ માટે સર્વસ્વનો અંત કે વિનાશ અનિવાર્ય છે. આમ પણ શાસ્ત્રો અનુસાર આપણી ઉત્પત્તિ શૂન્યમાંથી થઈ છે અને અંતે સર્વ કંઈ શૂન્યમાં જ મળી જવાનું છે એટલે અંતે આપણે શૂન્યમાં જ સમાઈ જવાનું છે કેમકે તે જ અંતિમ સત્ય છે. સાંસારિક જગત કે જેને આપણે material world કહીએ છીએ તેમાંથી ભિન્ન-ભિન્ન મટીરીયલ્સની બાદબાકી થતા જે બચે તેને શૂન્યની દુનિયા કહેવાય. સાંસારિક જગતના મટીરીયલ્સ એટલે સંપત્તિ, શરીર, સંબંધો વગેરે જે તમામ ખતમ થતાં છેલ્લે જે બચે તે વર્લ્ડ ઓફ ઝીરો કહેવાય. જ્યાં સુધી સાંસારિક જીવન એટલે કે મટીરીયલ્સની ઈચ્છા અને આસક્તિ છે ત્યાં સુધી વર્લ્ડ ઓફ ઝીરોની પ્રાપ્તિ અશક્ય છે. જીવનપર્યંત આપણા દ્વારા થતી મટીરીયલ એક્ટિવિટી આપણને અતિ પવિત્ર શૂન્યની દુનિયામાં પ્રવેશવા દેતી નથી. મટીરીયલ એક્ટિવિટીનો અંત એટલે શૂન્યની દુનિયામાં પ્રવેશ. જીવનમાં જેટલા દુઃખ-દર્દ, મુશ્કેલીઓ સમસ્યાઓ, રોગો-બીમારીઓ છે તે તમામ મટીરીયલ વર્લ્ડ અને વિભિન્ન મટીરીયલ જેવા કે સંપત્તિ શરીર, સંબંધો સાથેના આપણાં તાદાત્મયને આભારી છે. જ્યારે મટીરીયલથી એટલે કે સંપત્તિ, શરીર, સંબંધોથી મુક્તિ મળે ત્યારે આપોઆપ અતિ પવિત્ર શૂન્યની દુનિયાની પ્રાપ્તિ થઈ જાય.
સાચું પૂછો તો શૂન્યમાંથી આવેલા આપણે પાછા શૂન્યમાં વિલીન થઈ જઈએ એ જ એક માત્ર આપણો અંતિમ ધ્યેય છે. જેની આપણને ખબર ન હોવા છતાં વાસ્તવિકતા બદલાતી નથી. The absolute truth can not be person so impersonal means zero. (નિરપેક્ષ સત્ય વ્યક્તિગત ન હોઈ શકે તેથી અવ્યક્ત એટલે શૂન્ય) જો nobody કે impersonal બની રહી શકાય તો પીડા અને પ્રસન્નતાની ભ્રમિત માયાજાળમાંથી બચી શકાય. પરંતુ જો આનંદ કે પ્રસન્નતા જોઈતી જ હોય તો પીડાને સ્વીકારવી પડે અને શૂન્યની દુનિયામાં પ્રવેશ કદાપિ ન મળી શકે. એ દૃષ્ટિએ અવ્યક્ત (impersonal) બનવું આવશ્યક છે એટલે કે વ્યક્તિગત સંબંધ વિનાનું કે વસ્તુલક્ષી ન હોય એવું બનવું પડે. કશું જ અંગત ન હોય તેવું આપણું વ્યક્તિત્વ બનાવવું પડે. થોડી જુદી રીતે કહીએ તો આ મટીરીયલ વર્લ્ડને null and void કરવું પડે જેને theory of voidism કહે છે. જ્યાં મટીરીયલ એન્જોયમેન્ટ શૂન્ય થાય ત્યાં વર્લ્ડ ઓફ ઝીરોની પ્રાપ્તિ શક્ય બને. જેના માટે તન મન અને આત્માથી પવિત્ર બનવું પડે. આમ શૂન્ય સિવાયની કોઈ પવિત્રતા હોઈ જ ન શકે એ તો સ્વીકારવું જ રહ્યું.