સામાન્યમાં સામાન્ય માણસ એ જાણે છે કે શરીરને જરૂરી આહાર ન મળવાની પરિસ્થિતિમાં તેની કાર્યક્ષમતા અને અસ્તિત્વનું ટકવું અસંભવ છે. પ્રાણી માત્ર એ જાણે છે કે ખોરાક જીવન માટે કેટલો આવશ્યક છે એટલે જ તો જીવનપર્યંત તે મેળવવા કઠિન પરિશ્રમ કરે છે. પ્રકૃતિના મોટાભાગના સજીવો પાસે મન કે બુદ્ધિની હયાતિ ન હોવાથી તેઓને મન અને બુદ્ધિને સ્વસ્થ કેવી રીતે રાખવી તે અંગે વિચારવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ મનુષ્ય પાસે અતિ વિકસિત મન અને બુદ્ધિ છે જેના ઉપયોગ દ્વારા તે પોતાના જીવનની દરેક ક્ષણને પ્રસન્ન શાંત સ્વસ્થ અને ઉત્સાહસભર બનાવી શકે છે, જો તે મન અને બુદ્ધિની સ્વસ્થતા અંગે જાગૃત અને સક્રિય હોય. આપણે સૌ શરીરને સક્રિય અને તંદુરસ્ત રાખવા દિવસ દરમિયાન ઓછામાં ઓછું બે થી ત્રણ વાર યોગ્ય આહાર લઇએ છીએ અને તે પણ અવિરત નિયમિત જીવનપર્યંત. પરંતુ કમનસીબે મન અને બુદ્ધિને જરૂરી આવશ્યક અને અનિવાર્ય માત્રામાં નિયમિત ખોરાક આપવા તરફ દુર્લક્ષ સેવીએ છીએ. કદાચ આપણને ખબર જ નથી કે મન અને બુદ્ધિને પણ આહારની જરૂરિયાત રહે છે. જો આહાર પૌષ્ટિક અને સાત્વિક હોય તો શરીર જેમ વર્ષોવર્ષ નિરોગી સ્વસ્થ અને ઊર્જાસભર સ્ફૂર્તિવાન રહે છે અને મનુષ્ય ધારી સફળતા દરેક ક્ષેત્રે પ્રાપ્ત કરી શકે છે એવી જ જીવનની ઉચ્ચતમ સ્થિતિ મનુષ્ય મન અને બુદ્ધિને આવશ્યક પૌષ્ટિક આહાર આપી પ્રાપ્ત કરી શકે છે.
આપણે સૌ જાણીએ છીએ કે જીવનના દરેક તબક્કે સફળતાનો આધાર આપણા દ્વારા લેવાતા યોગ્ય સમયના યોગ્ય નિર્ણય પર હોય છે અને નિર્ણય લેવાનું કામ બુદ્ધિનું છે. જેથી બુદ્ધિને સમયસર નિયમિત યોગ્ય આહાર અપાવો જોઈએ તો જ નિર્ણય ઉત્તમ લઈ શકાય અને જીવન સુખી શાંત સ્વસ્થ અને સંપૂર્ણ સુરક્ષિત બની શકે. તમને થશે કે બુદ્ધિનો પણ કોઈ ખોરાક હોઈ શકે? હા બુદ્ધિનો ખોરાક છે સત્સંગ. વ્યક્તિને સતત અવિરત જે પ્રકારનો સંગ મળે તે પ્રમાણે જ તે કાર્યરત રહે છે અને નિર્ણયો લે છે. વળી લીધેલા નિર્ણયો તેના જીવનની દિશા અને સુખ-શાંતિની માત્રા નક્કી કરે છે જેથી નિર્ણય ઉત્તમ લેવાય એ આવશ્યક છે. જેના માટે બુદ્ધિ સતેજ અને સાત્વિક હોવી જરૂરી છે. બુદ્ધિને સતેજ અને સાત્વિક રાખવા દરરોજ નિયમિત તેને થોડો સત્સંગરૂપી આહાર પ્રાપ્ત થવો જોઈએ. જેમ શરીરને તંદુરસ્ત રાખવા આપણે તેને દિવસમાં બે વાર ભોજન આપીએ છીએ તેમ બુદ્ધિને પણ કમ-સે-કમ દિવસમાં એકવાર વધુ નહીં તો અડધો કલાક સત્સંગરૂપી સાત્વિક અને પૌષ્ટિક ખોરાક અપાવવો જોઇએ. સત્સંગ અનેકરૂપે થઈ શકે જેમ કે ધર્મગ્રંથોનો અભ્યાસ, ગુરુ સાનિધ્ય, સજ્જનનો સાથ વગેરે સત્સંગના ઉદાહરણ છે જે દ્વારા બુદ્ધિ હંમેશા સતેજ અને વિધાયક રહે છે અને ઉત્તમ નિર્ણયને સમજી શકે છે. શું યોગ્ય અને અયોગ્ય, શું સાચું અને શું ખોટું બરાબર ઓળખી લે છે.
નિર્ણય લેતી વખતે બે પ્રકારના ધ્યેય પ્રવર્તમાન હોય છે ૧) સ્વલક્ષી ધ્યેય અને ૨) પરમલક્ષી ધ્યેય. જ્યારે નિર્ણય સ્વલક્ષી ધ્યેયની તરફેણમાં લેવાય ત્યારે ક્યારેક દુઃખ ઉદભવવાની સંભાવના રહે છે પરંતુ પરમલક્ષી ધ્યેયની તરફેણમાં બુદ્ધિ જયારે કોઈ નિર્ણય કરે ત્યારે સ્વની સાથે સમગ્રનું કલ્યાણ નિશ્ચિત બને છે. પરમલક્ષી ધ્યેયની તરફેણમાં નિર્ણય લેવામાં વ્યક્તિને સત્સંગરૂપી આહાર ખૂબ સહાયક નીવડે છે. વળી બુદ્ધિ દ્વારા લેવાતા નિર્ણય પાછળ એક બીજું શક્તિશાળી પરિબળ હંમેશા જવાબદાર હોય છે અને તે છે મન. મનુષ્ય બુદ્ધિ દ્વારા શું નિર્ણય લેશે તેનો વિશેષ આધાર તેના મનની વૃત્તિ, વાંસના કામના તેમ જ મનમાં અનેક જન્મોની ધરબાયેલી સ્મૃતિ અને સંસ્કાર પર રહેલો છે. મનુષ્યના મનની અવસ્થા કે જે તેના કર્મો, વાસના, વૃત્તિને આધીન છે તે અનુસાર જ મન બુદ્ધિને નિર્ણય લેવાનો આદેશ આપે છે અથવા સહાય કરે છે. મનોવસ્થા ઊંચી હોય એટલે કે મન શુદ્ધ સાત્વિક પુણ્યશાળી વૃત્તિ અને કર્મો સંસ્કારોથી ઠસોઠસ હોય તો મન દ્વારા દોરવાયેલ બુદ્ધિ હરહંમેશ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ઉત્તમ અને કલ્યાણકારી નિર્ણય ગેરેન્ટેડ લેશે. આમ જીવનના સુખ-શાંતિનો આધાર મનુષ્ય દ્વારા લેવાયેલ નિર્ણય ઉપર છે. નિર્ણયનો આધાર બુદ્ધિ પર છે અને બુદ્ધિની કાર્યક્ષમતાનો આધાર મન પર છે જેથી મનને પણ શરીર અને બુદ્ધિની જેમ અવિરત નિયમિત યોગ્ય ઉત્તમ પૌષ્ટિક અને સાત્વિક આહાર પ્રાપ્ત થવો જોઈએ.
મનનો ઉત્તમ ખોરાક છે સત્કર્મ. મન એક અતિ ચંચળ અસ્તિત્વ છે જે એક સેકન્ડ સ્થિર રહી શકતું નથી અને સતત ભટકતા મનની કાર્યક્ષમતા ટકાવી રાખવી ખૂબ કઠિન છે. મનની કાર્યક્ષમતા કે શક્તિને ટકાવી રાખવા માટે તેને સ્થિર કરવું પડે. જેમ બાળકને એક જગ્યાએ બેસાડવા કે ધમાલ કરતા અટકાવવા આપણે કોઈ કામ તેને આપી દેતા હોઇએ છીએ અથવા તો રમકડાં આપી એક જગ્યાએ તેને બેસાડી તેની મસ્તી કે ધમાલ ઓછી કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તે જ રીતે મનને જો સતત કોઈ ઉત્તમ કાર્યોમાં વ્યસ્ત રાખવામાં આવે તો તેની સ્થિરતા અને કાર્યક્ષમતા વધારી શકાય અને નવરા મન દ્વારા સર્જાતા અનેક વિનાશથી બચી શકાય. આપણા ત્યાં કહેવત છે “નવરૂ મન નખ્ખોદ વાળે” એટલા માટે મનને ગમે ત્યાં ભટકવા ન દેતા તેને સતકર્મરૂપી ઉત્તમ આહાર આપી વ્યસ્ત રાખવું જોઈએ. મનને સ્થિર રાખવા ધ્યાન પણ એક ઉમદા સાધન છે પરંતુ આપણે હજુ એટલા સિદ્ધ નથી કે એકાંતમાં બેસી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી શકીએ જેથી મનને કોઈ સારા કાર્યમાં વ્યસ્ત રાખવાનો કીમિયો વધુ કારગત સાબિત થાય છે અને સરળ પણ રહે છે.
દરરોજ શરીરની જેમ મનને પણ બે વાર લંચ અને ડિનર આપવાની પ્રેક્ટિસ પાડવી જોઈએ એટલે કે દિવસમાં બે વાર મનને ખોરાક અપાવવો જોઈએ. દરરોજ ઓછામાં ઓછા બે સત્કર્મોનો નિયમ દરેકે લેવો જોઈએ. સત્કર્મ અનેક હોઈ શકે જેમ કે પક્ષીઓને ચણ નાખવું, ગાય-કૂતરાને રોટલી ખવડાવવી, કીડિયારું પૂરવું, કોઈ દુખી ચહેરા પર સ્મિત લાવવું, જરૂરિયાતમંદની મદદ કરવી, કોઈ રોગીની સેવા કરવી, જ્યારે મોકો મળે ત્યારે સગાસંબંધી પાડોશી મિત્રો સહકર્મચારીઓની મદદ કરવી, દાન કરવું, વડીલો સાથે થોડો સમય વિતાવી તેમની તકલીફો જાણવી, તેમને સાંત્વના આપવી, બાળકો સાથે રમવું, બાળકોને ઉત્તમ શિક્ષણ આપવું, પ્રેમપૂર્વક બાળકોને જરૂરી બોધપાઠ આપવા વગેરે. પરંતુ આ દરેક કાર્ય પ્રસંગોપાત ન કરતા તેની આદત પાડવી જોઈએ એટલે કે નિયમ લેવો જોઈએ અને તે કાર્ય દરરોજ કરવું જોઈએ કારણ કે શરીરને છ મહિને એકવાર ખોરાક આપવો પર્યાપ્ત નથી એ આપણે સૌ જાણીએ છીએ તેમ મન અને બુદ્ધિની ખોરાકની આવશ્યકતાને સમજી નિયમિત રીતે તેને પૂર્ણ કરવી પડે જેથી મન અને બુદ્ધિ અવિરત સતેજ અને સ્વસ્થ રહે અને હરઘડી આપણને સહાયક બની શકે. મન અને બુદ્ધિની સ્વસ્થતા શારીરિક તંદુરસ્તી પાછળનું પણ મૂળભૂત કારણ છે એ કદાપિ ન ભૂલવું. ટૂંકમાં શરીરને અપાતા દૈનિક ભોજનની જેમ મન અને બુદ્ધિને પણ નિયમિત સત્સંગ અને સત્કર્મરૂપી દૈનિક આહાર પૂરો પાડવો જોઇએ. જેથી તે આપણને અંતિમ સમય સુધી સંપૂર્ણ સ્વસ્થ અને પ્રસન્ન રહેવામાં સહાયક થઇ શકે.
શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ