આપણી પ્રવર્તમાન લાઈફનો જીવનવિકાસક્રમ કે ઉત્ક્રાંતિક્રમ શું છે? શું વાસ્તવમાં મનુષ્ય પશુતાના લક્ષણો ધરાવે છે? વર્તમાન મનુષ્યજીવનના મૂળ ક્યાં છે? આવા અનેક પ્રશ્નના જવાબ માટે ઉત્ક્રાંતિ અંગેના વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રવર્તમાન મનુષ્યજીવનને સમજવું પડે. શાસ્ત્રો અને ધર્મો જણાવે છે કે મનુષ્યની યુગોની મહેનત, સંઘર્ષ અને પુણ્યપ્રતાપે માનવયોની પ્રાપ્ત થઇ છે એટલે તો તેને અમૂલ્ય ગણવામાં આવી છે.
વિજ્ઞાને પણ અનેક સંશોધનો દ્વારા સ્વીકાર્યું છે કે સૌપ્રથમ અમીબા નામનો એક કોષીય સજીવ અને ત્યારબાદ અનેક સંઘર્ષોનો વિકાસક્રમ પસાર કરતા કરતા આજનો માનવ બન્યો. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આ જ અંગેની સાબિતી આપે છે જે આપણે સૌ જાણીએ છીએ. વિકાસક્રમ વનસ્પતિજગતથી શરૂ થઈ પશુજગત સુધી પહોંચ્યો અને ત્યારબાદ માનવ સુધી વિસ્તર્યો. આ વિકાસક્રમ એટલે નિમ્નકક્ષાના માનવ સુધીની યાત્રા. વાસ્તવમાં આ નિમ્નકક્ષાથી ઉપર ઉઠી હજુ આપણામાં રહેલા થોડા પશુતાના લક્ષણોમાંથી બહાર નીકળી માનવે મહામાનવ બનવાનું છે. મહર્ષિ અરવિંદ અને માતાજી જણાવે છે કે પ્રાણીમાંથી માનવનો વિકાસ થતા લગભગ ૧૦ લાખ વર્ષો લાગ્યા. પરંતુ માનવમાંથી મહામાનવ એટલે કે ઉચ્ચકક્ષાનો મનુષ્ય માત્ર થોડી શતાબ્દીઓમાં થઇ તૈયાર શકે જો તે વિકાસની પ્રમાણિક ઈચ્છા રાખે અને સજાગ બને. ઘણીવાર આપણને ધર્મશાસ્ત્રો અને વિજ્ઞાનના સંશોધનો જાણ્યા બાદ થાય કે ખરેખર આપણી ઉત્ક્રાંતિ વનસ્પતિ કે પશુમાંથી થઇ હશે? પરંતુ વાસ્તવમાં આપણે જો આપણા દૈનિકજીવનને તપાસીએ તો સમજાશે કે આપણામાં ખરેખર વનસ્પતિજગત તેમ જ પશુતાજગતના લક્ષણો રહેલા છે પરંતુ આપણે તેને કદાચ સમજી શકયા નથી.આવો એ તરફ એક નજર નાંખીએ.
૧) અનેક પ્રકારની જડતા તરફનો આપણો લગાવ અને એકધારું જીવન જીવ્યા કરવાની ટેવ જે વનસ્પતિજગતમાંથી આપણે મેળવી છે. જો આપણે આપણી દૈનિક દિનચર્યાનું નિરીક્ષણ કરીએ તો સમજાશે કે સતત અવિરત આપણે સવારથી રાત સુધી જીવનપર્યંત એકધારું મશીનની જેમ જીવ્યા કરીએ છીએ. કશું જ ભિન્ન, ખાસ કે નવું કરતા નથી અથવા કરી શકતા નથી જેમ વનસ્પતિજગત જીવે છે બિલકુલ તેવી જ રીતે આપણે પણ જીવીએ છીએ. વળી જડતા તરફ આપણો અનુરાગ ખૂબ છે, પરિવર્તન આપણને પસંદ નથી. કોઈ આપણામાં પરિવર્તન લાવવા ઈચ્છે કે પ્રયન્ત કરે તે પણ આપણને પસંદ નથી. આવા લક્ષણો આપણે વનસ્પતિજગતમાંથી મેળવ્યા છે જ્યાંથી ઉત્ક્રાંતિ પામી આજે આપણે આપણું વર્તમાન મનુષ્યસ્વરૂપ પામ્યા છીએ.
2) પૃથ્વીતત્વ સાથેની આપણી આસક્તિ એટલે કે પોતાના મૂળને ચોંટી રહેવાની વૃત્તિ પણ આ તરફ જ અંગુલિનિર્દેશ કરે છે. જેમ કોઈ છોડ કે ઝાડને તેમાં મૂળથી દૂર કરવામાં આવે તો તે સુકાઈ જાય છે તે જ રીતે આપણને પણ આપનું ઘર, આપણા લોકો, આપણો એરિયા, આપણું ગામ વગેરેનો મોહ રહેતો હોય છે, અ બીજું કંઈ નહિ પરંતુ પૃથ્વીતત્વ સાથેની આસક્તિ છે. ઘણા લોકોને તો વર્ષો સુધી જે અરિયામાં રહ્યા હોય ત્યાંથી ઘર બદલવામાં પણ તકલીફ પડતી હોય છે. આ તમામ બાબત દર્શાવે છે કે આપણામાં વનસ્પતિજગતના જ લક્ષણો છે. સંસારિક સંબંધો, પોતાની વસ્તુ, હું અને મારું વગેરે તમામ સાથેની વધુ પડતી તન્મયતા એ બીજું કંઈ નહિ પોતાના મૂળને ચોંટી રહેવાની વૃત્તિ દર્શાવે છે. જે આપણને ઉત્ક્રાંતિ દ્વારા વારસામાં મળેલી છે.
૩) સલામતીમાં લાંગરીને રહેવાની વૃત્તિ એ પણ આપણે જાણીએ છીએ કે પશુજગતનું લક્ષણ છે. સામાન્ય રીતે લગભગ પશુઓમાં ટોળામાં રહેવાની વૃત્તિ ધરાવે છે કેમ કે ટોળામાં રહેવાથી તેવો સલામતી અનુભવે છે બરાબર એ જ રીતે આપણે પણ કોઈ અજાણી જગ્યાએ પોતાના લોકોની વચ્છે રહેવાનું વધુ પસંદ કરીએ છીએ. એ તો સર્વવિદિત છે કે માનવસમાજમાં ચોક્કસ ધર્મ, નાતજાતના લોકોના ચોક્કસ એરિયા હોય છે. જે આપણને ઉત્ક્રાંતિ દ્વારા પશુલક્ષણ વારસામાં મળેલ છે.
૪) પ્રાણી કે પશુની જેમ બહારની બાજુ ભટકવાના અને લૂંટ કરવાના એટલે કે અન્યનું છીનવી લેવાના મૂળભૂત આવેગો આપણામાં પણ છે. જેમ પશુજગતમાં જંગલરાજ ચાલે છે અને શક્તિશાળી જીતે છે વળી દરેક અન્યનો હક્ક મારી પોતાનું વધારવાનો પ્રયન્ત કરે છે તે જ રીતે મનુષ્યજગતમાં પણ અન્યનું છીનવી લઇ પોતાની સંપત્તિ વધારવાની સ્વાભાવિક વૃત્તિ જોવા મળે છે. જેમ પશુ સતત બહાર ભટક્યા કરે છે બિલકુલ તે જ રીતે મનુષ્ય પણ ઇન્દ્રિય સુખ પાછળ ભટક્યા કરે છે અને કદી અંદર તરફ સ્વ તરફ જોવાની ઈચ્છા રાખતો નથી કે સાચું જ્ઞાન મેળવી આત્મકલ્યાણ કરવાની વૃત્તિથી અજાણ રહે છે.
૫) રીતરિવાજોનું આંધળું અનુકરણ કરવાનું ગુલામી માનસ અને તેના પર ચાલતી ટોળાઓની સત્તા પણ પશુજગતની દેન છે જે આપણને વારસામાં મળી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ એક કુતરાને ખાતા જોઈ બધા ખાવા ભેગા થઇ જાય છે. એ જ રીતે આપણે વર્ષોથી સામાજિક કાર્યોમાં સમજણ વગરનું અનુકરણ કરીએ છીએ. એક વ્યક્તિ લગ્નમાં ખર્ચો કરે એટલે દેખાદેખી પોસાય કે ન પોસાય,બધા અનુકરણ કરે છે. સમાજમાં બધા લગ્ન કરે છે એટલે આપણે પણ કરીએ છીએ. બધાને સંતાન હોય છે એટલે આપણે પણ હોવું જોઈએ. બધા પૈસા ભેગા કરે છે એટલે આપણે પણ કરીએ છીએ. આવું તો ઘણું યુગોથી રીતરિવાજના નામે આપણે કરતા આવ્યા છીએ. જે આપણને વારસામાં પશુજગતમાંથી મળેલ છે.
૬) ગુસ્સા અને બીકને ઝૂંસરીને તેની અધીનતા – આ એક બીજી મહત્વની સામ્યતા પશુ અને મનુષ્યમાં અસ્તિત્વ ધરાવે છે. અનેક પ્રકારના ભય જેમ પશુ જગતને પીડે છે એનાથી અનેકગણા ડર મનુષ્યને તડપાવે છે. નાની એવી વાતમાં જેમ પશુ ભસવા માંડે છે એ જ રીતે દરેક નાનીનાની પ્રતિકૂળતામાં માણસ ગુસ્સે થઇ જાય છે. ભય અને ક્રોધ પર પશુ કે મનુષ્ય કોઈનો કાબુ નથી.
૭) સુધારા માટે પશુંજગતની જેમ સજાની જરૂરિયાત મનુષ્યજગતમાં પણ છે. વળી સજા ઉપર બંનેનો વિશ્વાસ છે. બંનેમાં આ અંગે સમાનતા જોવા મળે છે. દરેક પશુને ટ્રેઈન કરવા માટે સજાની આવશ્યકતા રહેલી છે તેવી જ રીતે મનુષ્યને સુધારવા, સમજાવવા કે શીખવાડવા સજા અનિવાર્ય છે. સજા દ્વારા ધાર્યું પરિણામ બંનેમાં પ્રાપ્ત થાય છે.
8) ‘સ્વ’ કે આત્મા માટે વિચારવાની કે ક્રિયાશીલ થવાની અશક્તિ બંનેમાં નથી. આજનો કહેવતો વિકસિત અને મોર્ડન માનસ વાસ્તવમાં સ્વ કે આત્મ અંગે વિચારવા કે આત્મશુદ્ધિકરણ કરવા સક્ષમ નથી. એટલા માટે રમણ મહર્ષિ આજના કહેવાતા વિકસિત માણસને નિમ્નકક્ષાનો મનુષ્ય ગણે છે જેણે અતિમનસ અને અધિમનસના સ્ટેજે પહોચાવાનું હજુ બાકી છે.
૯) સાચી સ્વતંત્રતા પણ પ્રાણીઓની જેમ આજના મનુષ્યને પ્રાપ્ય નથી. એટલે કે આત્માને કામ, ક્રોધ, લોભ, અહંકાર વગેરે ગુણોથી મુક્ત કરવાની લાયકાતનો અભાવ જે પ્રાણીપ્રકૃતિ છે તે આજના મનુષ્યમાં જોવા મળે છે. મનુષ્યને પરમાત્માએ એ સામર્થ્ય આપ્યું છે કે તે અનેક દુર્ગુણોને દૂર કરી પરમાત્મા જેવું સામર્થ્ય મેળવી શકે જે પ્રાણીઓને પ્રાપ્ત નથી. પરંતુ આજનો મનુષ્ય પ્રાણીસહજ હોવાને કારણે પોતાની અમર્યાદિત શક્તિનો અજ્ઞાનવશ ઉપયોગ કરી શક્યો નથી. પ્રાણીની જેમ જ તે પરાધીન જીવન જીવે છે અને સાચી સ્વતંત્રતાથી વંચિત રહી ગયો છે.
1૦) કોઈ પણ પ્રકારની નવીનતા કે પરિવર્તન ઉપર પ્રાણીની જેમ જ મનુષ્યને પણ અવિશ્વાસ રહે છે. પશુની જેમ જ સહજ રીતે તે પરિવર્તન કે નવસંશોધનને સ્વીકારી શકતો નથી. હંમેશા નવીનતા કે નાવીન્યનો તે પ્રથમ અસ્વીકાર જ કરતો હોય છે અને શરુવાતમાં તીવ્રતા સાથે વિરોધ પણ કરે છે જે વાસ્તવમાં પ્રાણીની પ્રકૃત્તિ છે જે આપણે વારસામાં પશુજગતમાંથી મેળવી છે.
11) વંશાનુગતિકતા એટલે કે પેઢી દર પેઢીના શારીરિક-માનસિક ગુણદોષને વશ થવાની વિવશતા મનુષ્યમાં પશુ જેવી જ છે. આપણું સ્વાસ્થ્ય, રૂપરંગ,આદતો, ટેવો, રોગો વગેરે વંશપરંપરાગત ચાલ્યા આવે છે જેને આપણે પણ પ્રાણીઓની જેમ સ્વીકારી લઇ સહન જ કરતા હોઈએ છીએ. જે તમામથી બચી યથાર્થ પ્રયાન્તો દ્વારા તપશ્ચર્યાના માર્ગે જો ઈચ્છા હોય તો ઘણું બદલી શકાય પરંતુ આપણે પ્રાણીગત જીવન જીવી બધું ઇગ્નોર કરીએ છીએ.
12) સત્યને પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા સમજી આત્મસાત કરવામાં વિલંબ તેમજ નિમ્નગતિ તરફની વિશેષ અભિરુચિ એ વાસ્તવમાં પ્રાણીસહજ વૃત્તિ છે જે આપણામાંથી હજુ જતી નથી.
આ તમામ બાબતો દર્શાવે છે કે આપણી ઉત્પત્તિનો ઇતિહાસ કે મૂળ ખરેખર વનસ્પતિજગત કે પ્રાણીજગતમાંથી જ આવેલ છે. એટલા માટે તો આપણામાં આવા પ્રાણીજ લક્ષણો અને નિમ્નગતિ તરફથી અભિરુચિ કે રસ વિશેષ જોવા મળે છે. કારણ કે આપણા મૂળ મનસમાં આ બધા પ્રાણીજ સંસ્કારો યુગોથી ઘર કરી બેઠા છે અને કદાચ આવા પ્રાણીજ વારસાને લીધે આપણને ઊર્ધ્વગતિ તરફનું પ્રયાણ કે મહામાનવ બનવાની યાત્રા કઠીન લાગે છે. આધ્યાત્મિક રૂપાંતરણ માટે એટલે કે ચેતનાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચવા માટે અથવા સત-ચિત્ત અને આનંદની પ્રાપ્તિ માટે અધિમનસની કક્ષાથી એટલે કે મન, પ્રાણ અને પદાર્થની સ્થિતિથી ઉપર ઊઠવું પડે. અત્યારે આપણે જે કંઈ કરીએ છીએ તે માત્ર મન અને પ્રાણના આવેગોને વશ થઇ કરીએ છીએ. મન નચાવે એમ નાચીએ છીએ. જેનાથી છૂટવાનો પ્રમાણિક પ્રયત્ન માનવ તરીકે આવશ્યક છે.. જેના માટે નીચેના ત્રણ પરિવર્તન અનિવાર્ય છે.:
૧) સર્વપ્રકારની કામના નષ્ટ કરવી પડે. હાલમાં આપણું પ્રવર્તમાન જીવન કામનાઓની કેદમાં છે. આવી કામનાઓ જીવનની દરેક ગતિવિધિઓમાં દખલગીરી કર્યા જ કરે છે, જે પોતાના અજ્ઞાની અને અસ્થિર પ્રયાસોથી જીવનમાં દુઃખો ભેળવ્યા જ કરે છે. આવી પીડાકારક કામનાઓ વિખેરી આપણી અંદર બેઠેલ શાંત, પવિત્ર અને સામર્થ્યથી ભરપૂર સાચા પ્રાણમય પુરુષને જગાડવો જોઈએ.
ર) બીજુ મન અને પ્રાણના આવેગો પર સંયમ પ્રાપ્ત કરવો પડે. હાલમાં આપણે જે જીવન જીવીએ છીએ તે મહદઅંશે પ્રાણબળના આવેગ કે મનથી દોરવાયેલ હોય છે અને મન અજ્ઞાની પ્રાણઆવેગનો નોકર છે. આવા મનને નિયંત્રિત કરી પવિત્ર, હકારાત્મક બનાવી પ્રભુના માર્ગદર્શક તરીકે સ્થાન ગ્રહણ કરાવડાવવું જોઈએ.
૩) આપણામાં રહેલો અલગતાવાદી અહંકાર ખતમ કરવો જોઈએ. અત્યારનું મનુષ્યજીવન જે માત્ર અલગતાવાદી અહંકારના સંતોષ ખાતર જ કાર્ય કરે છે તેથી અનેક પીડાઓ ઉભી કરે છે. દાખલા તરીકે સમુદ્રમાંનુ એક ટીપુ પોતાને ખૂબ શક્તિશાળી સમજી અલગતાવાદી અહંકાર દ્વારા પોતાને સમુદ્રથી અલગ કરે તો તેનું પતન તો નક્કી જ છે. કેમ કે તેનું સાચું સુખ અને શક્તિ તો સમુદ્રના એક ભાગ બનીને રહેવામાં જ છે. એ જ પ્રમાણે મનુષ્યે પણ સર્વશક્તિમાન પરમાત્માના પાર્થિવ અસ્તિત્વનો એક ભાગ બની તેમની આજ્ઞામાં રહીને જ પરમાત્માની શક્તિ મેળવી શકે. ટૂંકમાં ઉર્ધ્વગતિની પ્રાપ્તિ માટે કે માનવમાંથી મહામાનવ બનવાની ઈચ્છા ધરાવનારે આ ત્રણ શરતોનું પાલન કરવું જરૂરી છે.
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ