શબ્દોનું સૌંદર્ય, વાણીના નિયમો, જીભની લાક્ષણિકતા ઉપર જરૂરી વિચારમંથન કર્યા બાદ મને થાય છે મૌનની જીવનમાં ઉપયોગીતા અને આવશ્યકતા ઉપર થોડું મંથન કરી લેવું જોઈએ કેમ કે ઈશ્વર તરફથી મનુષ્યને મળેલી એક વિશિષ્ટ ભેટ તરીકે વાણી, શબ્દો (જીભ) નું અનેરૂ મહત્વ છે. મનુષ્ય સિવાય લગભગ કોઈ પ્રજાતિમાં આટલી વિકસિત વિશિષ્ટ અને સમર્થ વાણી જોવા મળતી નથી જેથી શબ્દોની સાર્થકતા પર વિચાર અવશ્ય થવો જોઈએ. આપણા બોલાયેલા શબ્દોની સાર્થકતા કેટલી એ અંગે કદાચ આપણે બોલતા પહેલા ક્યારેય વિચારી શકતા નથી. વળી શબ્દો કે વાણીમાં સર્જન અને વિનાશની પ્રચંડશક્તિ હોવાને કારણે એ જાણવું જરૂરી છે કે તે કોનો વિનાશ કરે છે તેમ જ ક્યારે, કેવી રીતે કોનું સર્જન કરે છે.
શબ્દો કે વાણીની વાત આવે ત્યારે પહેલો પ્રશ્ન થાય કે તેની આવશ્યકતા કેટલી? એટલે કે આપણે બોલીએ છીએ શા માટે? વાણીનો હેતુ કે ઉદ્દેશ શું? જો બોલવાનું સદંતર બંધ થઈ જાય તો ન ચાલે? જો ન ચાલે તો કેમ ન ચાલે? થોડું સૂક્ષ્મ અવલોકન આપણે પોતે આપણા દૈનિક જીવનનું કરીએ તો સમજાશે કે સામાન્ય રીતે નીચેના કારણોસર આપણે બોલતા હોઈએ છીએ.
૧) દૈનિક વ્યવહાર ચલાવવા – ભાષા વિચાર વિનિમયનું માધ્યમ છે. દૈનિક વ્યવહાર બે પ્રકારના હોઈ શકે :
અ) કૌટુંબિક વ્યવહાર અને બ) વ્યવસાયિક વ્યવહાર.
દૈનિક વ્યવહારમા જો બે શબ્દોથી કામ પતી શકતું હોય તો ચાર શબ્દની જરૂર નહીં. પરંતુ આપણે જ્યાં ચાર શબ્દોથી ચાલે એવું હોય ત્યાં બિનજરૂરી ચાલીસ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ, વળી જયારે ભાષાનું અસ્તિત્વ નોહતું ત્યારે પણ દૈનિક કૌટુંબિક અને વ્યસાયિક વ્યવહારો ચાલતા જ હતા એ તો સર્વવિદિત છે.
૨) સમય પસાર કરવા વ્યર્થ વાતો કરવાનો હેતુ – time pass talking મોટા ભાગના લોકોનો શોખ હોય છે. અતિશય બોલવા પાછળનું બીજું કારણ એ સમય પસાર કરવો તે છે. આપણા ત્યાં ખાલી કહેવા માટે જ લોકો પાસે સમય નથી બાકી નવરા લોકોની વસ્તી ખૂબ ઊંચી છે કે જે સતત વ્યર્થ ઘોંઘાટ કર્યા કરે છે. અને એ સ્વાભાવિક પણ છે કારણ કે નવરા માણસ માટે જેની પાસે કોઇ કામ નથી વાતો એકમાત્ર કામ છે અને વાતો સમય પસાર કરવાનો સૌથી સરળ રસ્તો છે. લોકોને ભેગા કરી ગપ્પા મારવા એ આમ તો શક્તિનો માત્ર વ્યય છે. દેશ કે દુનિયાને તેનાથી કોઇ ખાસ લાભ થતો નથી પણ તેમ છતાં બોલવા પાછળનું સૌથી મોટું કારણ આ જ છે.
૩) સમાજમાં અને અન્ય લોકોના જીવનમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી પ્રાપ્તિનો હેતુ – પંચાતમાં આપણો ખૂબ ઊંડો રસ છે, જેના લીધે લોકો સાથે વાતચીત કરવી જરૂરી બને છે. મેજોરીટી લોકોને પંચાતમાં ખૂબ રસ પડે છે. બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે? કોની છોકરી ભાગી ગઈ? કઈ સાસુ-વહુનો ઝઘડો થયો? પડોશીઓ અને સંબંધીઓના છોકરાઓનું શું પરિણામ આવ્યું? કેમ કે જો નીચું પરિણામ આવ્યું હોય તો ખુશ થવાનું એક કારણ મળે છે કે મારો છોકરો અન્ય કરતા હોશિયાર છે. સામાન્ય રીતે સમાજમાં આપણા સુખની માત્રા અન્યના દુઃખથી જ નક્કી થતી હોય છે.
૪) જે વ્યક્તિ સાથે આપણે જોડાયેલા છીએ તેને જીવનની ઘણી આવશ્યક સલાહ આપવાનો હેતુ – સંબંધોની આસક્તિ અને મોહને કારણે લાગણીસભર સલાહ આપવા એટલે કે આપણા અનુભવોના નીચોડ દ્વારા તેમને તકલીફો અને જીવનની ઠોકરોમાંથી બચાવવાના હેતુને કારણે બોલવાની આવશ્યકતા રહે છે જેમ કે માતા-પિતા, વડીલો, ગુરુ દ્વારા અવિરત ભાષણરૂપી શબ્દો, બોધપાઠ કે વાણીનો સ્ત્રોત વહેતો રહે છે. પોતાના અંગત લોકો હેરાન કે દુઃખી ન થાય તેવી તેમની દિલી તમન્ના હોય છે. પરંતુ આવા ભાષણો દ્વારા ધાર્યું પરિણામ જવલ્લે જ મળે છે. ઉલટાનું કુટુંબમાં સંઘર્ષ ઉદભવે છે, સંબંધોમાં કડવાશ આવે છે અને સુધરતું કશું જ નથી કેમ કે દરેકને ઝેરના પારખા ખુદ કરવાની ઈચ્છા હોય છે.
5) વિશેષ ચર્ચાઓ દ્વારા પોતાની જાતને ખૂબ હોશિયાર અને જ્ઞાની સાબિત કરવાનો હેતુ પણ બોલવાનું એક મોટું કારણ છે. સતત દલીલો દ્વારા પોતાની જાતને અન્ય કરતાં સુપિરિયર સાબિત કરવા માટે પણ વાણીનો વિશેષ ઉપયોગ થાય છે. એનાથી પ્રાપ્ત કશું થતું નથી માત્ર સમય, સાધન અને શક્તિનો વ્યય થાય છે જે સમાજ માટે નેટ લોસની પરિસ્થિતિ છે.
૬) પોતાની અનેક વ્યક્તિગત સિદ્ધિની જાણકારી લોકો સુધી પહોંચાડવા બોલવાની આવશ્યકતા રહે છે. આમ તો આના દ્વારા પણ માત્ર અહંકારની જ પૂર્તિ થાય છે. કહેવાતા બૌદ્ધિક સમાજમાં પોતાની જાતને કુશળ અને બુદ્ધિશાળી સાબિત કરવાની અને established કરવાની હોડ લાગે છે. જેમાં વાણી કે શબ્દોનો એક્સસેસીવ ઉપયોગ થતો રહે છે અને હેતુ માત્ર અહંકારપૂર્તિનો હોય છે. કોઈપણ સિદ્ધિની સફળતા લોકપ્રશંસા દ્વારા જ સામાન્ય રીતે પૂર્ણ મનાતી હોય છે. પ્રશંસા ન મળે ત્યાં સુધી સિદ્ધિ કે સફળતા અપૂર્ણ લાગતી હોય છે, બોલ્યા વગર કે જણાવ્યા વગર લોકોને ખબર પડે કેવી રીતે? જેથી બોલવું આવશ્યક બને છે જેનો પણ વ્યક્તિને પોતાને કે સમાજને કેટલો લાભ થાય છે તે તો એક મોટો પ્રશ્ન છે.
૭) ઘણી નેગેટિવ વ્યક્તિઓને લોકોને નીચા બતાવવા અને ટીકા ટિપ્પણી કરવામાં ખૂબ રસ હોય છે જેથી 24 કલાક સતત કંઈકને કંઈક ખરાબ શોધ્યા કરે છે અને પછી ચારેબાજુ તેનો પ્રચાર કરે છે. ખરાબી શોધક સ્વભાવ ધરાવતા લોકો માટે વધુ બોલવાનું આ એક મોટું કારણ છે. જેના દ્વારા માત્ર વિઘાતકતાનો પ્રચાર અને પ્રસાર વધે છે. જે કોઈ સમાજ માટે સલાહ્ભરેલું નથી.
૮) તત્વચિંતક કે લેખકની એવી માન્યતા હોય છે કે પોતાની કૃતિ સમાજ માટે ખુબ ઉપયોગી છે તેના દ્વારા સમાજપરિવર્તન કદાચ શક્ય બની શકે, જેના પ્રચાર કરવાના ઇરાદાથી બોલવાની અનિવાર્યતા રહે છે. એ જ હેતુ કદાચ સંત-મહાત્માઓના પ્રવચનો અને બોધવાણી પાછળ રહેલો છે. યુગો-યુગોથી અનેક સંતમહાત્માઓ, અવતારો, તત્વચિંતકો બોધપાઠ આપવાનો પ્રયત્ન કરે છે છે પરંતુ તેમ છતાં મનુષ્યજીવનની કોઈ પીડા કે સમસ્યાનું નિવારણ આજ દિન સુધી થઇ શક્યું નથી કેમ કે તેના માટે આચરણની અનિવાર્યતા રહેલી છે, એ વગર કોઈ વાણી લાભદાયક સાબિત થઇ શકે નહિ. તેમ છતાં વાણી કે ભાષણ પાછળ સત્સંગનો હેતુ ખૂબ ઉમદા છે. મારી દ્રષ્ટિએ વાણીનો આ એકમાત્ર ઉમદા હેતુ છે. બોધવાણી જેવો ઉત્તમ ઉપયોગ શબ્દો (જીભ) કે વાણીનો બીજો કોઇ હોઇ શકે જ નહીં. મને તો લાગે છે ઈશ્વરનો કદાચ અતિ વિકસિત અને સમર્થવાણી કે શબ્દોની ભેટ મનુષ્યમાત્રને આપવા પાછળનો આ જ એક હેતુ હશે. જો મૌનવ્રત તોડવું હોય તો માત્ર સત્સંગ માટે તોડવું જોઈએ.
ટૂંકમાં ઉપર મુજબના જુદા જુદા આઠ કારણોને લીધે સંસારમાં શબ્દો અને વાણીનો એક ધોધ વહેતો જણાય છે. આ તમામ પર થોડો વિચાર કરવામાં આવે તો સમજાશે કે આપણી અપેક્ષા કરતા ખૂબ ઓછી જરૂરિયાત બોલવાની જીવનમાં છે. સાચું પૂછો તો મૌનની સાધના જેવું ઉત્તમ જગતમાં બીજું કાંઈ છે જ નહી કેમ કે જીવમાત્રને મળેલી શક્તિનો સંચય મૌન દ્વારા જ શક્ય બને છે. વાણીનો ખૂબ ઉમદા ઉપયોગ કરી જીવનના તમામ ઉદ્દેશો હાંસલ કરી શકાય છે. તમામ પ્રકારની સફળતા મેળવી શકાય છે. આધિ-વ્યાધિ-ઉપાધિરૂપી અનેક સમસ્યાઓ જીવનમાંથી દૂર કરવા તેમજ પરમાત્માપ્રાપ્તિ માટે પણ શક્તિની ખૂબ આવશ્યકતા છે. સંશોધનો અનુસાર સૌથી વધુ શક્તિ વિચાર અને વાણીમાં વપરાય છે. એટલે જ ખૂબ વિચારતો અને વધુ બોલતો માણસ ઝડપથી થાકી જાય છે. એક સંશોધન અનુસાર વિશ્વના અતિ સ્ટ્રેસફુલ બિઝનેસમાં સૌથી ઉંચુ સ્થાન શિપિંગ અને ટીચીંગ બિઝનેસ ધરાવે છે. બોલવાનું મહત્વ ધરાવતા ક્ષેત્રો જેવા કે વકીલાત, માર્કેટિંગ, પબ્લિક રિલેશનના અનેક ક્ષેત્રોમાં વ્યક્તિઓ સતત કંટાળેલા, થાકેલા, ઈરીટેડ અને તણાવયુક્ત જોવા મળે છે. એનું એકમાત્ર કારણ નાહકનું અતિશય બોલવું તે જ છે. રાત્રીની નિંદ્રા કે આરામ બાદ જે તાજગી, શક્તિ અને પ્રફૂલીત્તતા અનુભવાય છે તે વિચાર અને વાણીના મૌનને કારણે જ છે. વાણી પાછળ મૂળભૂત કારણ વિચાર છે, પ્રથમ મનમાં કંઇક વિચાર આવે છે જે વાણીરૂપે પ્રદર્શિત થાય છે. દિવસ દરમ્યાન એક સંશોધન અનુસાર લગભગ ૬૦ હજાર વિચારો આવે છે જે મનુષ્યની કુલ શક્તિના એંસી ટકાથી વધારે શક્તિને ખર્ચી નાંખે છે, અનેક સંશોધનો જણાવે છે કે દિવસ દરમ્યાનની શારીરિક ક્રિયાઓથી આપણી કુલ શક્તિના માત્ર પાંચથી દસ ટકા શક્તિ ખર્ચાય છે જયારે માનસિક કાર્યોથી પુષ્કળ શક્તિનો વ્યય થાય છે. જેથી વિચારોને શાંત અને માર્યાદિત કરીને (સંકલ્પ વિકલ્પને ઓછા કરીને)પણ મૌનની સાધના શક્ય બને છે.
આમ વાણી પાછળનું મુખ્ય કારણ છે વિચાર, જો વિચારને શાંત અને સ્થિર કરવામાં આવે તો વાણી આપોઆપ શાંત અને ઓછી થઈ જાય. શક્તિપ્રાપ્તિ માટે તે આવશ્યક છે કેમ કે શક્તિ બે રીતે મેળવી શકાય : ૧) વધારીને અને ૨) બચાવીને. બોલવાનું ઓછું કરવાની સાથે શક્તિની કલ્પના બહારની બચત થાય છે. જેના દ્વારા જીવનમાં ધારી સફળતા મેળવી શકાય છે કેમ કે શક્તિ સફળતાની પૂર્વશરત છે. વળી ઘણીવાર બોલવા કરતા ધારદાર પરિણામ મૌનથી આવતું હોય છે એ આપણા સૌનો અનુભવ છે. આગળ ચર્ચેલા બોલવા પાછળના મુખ્ય આઠ કારણોમાં એકપણ એટલું જરૂરી (સત્સંગ સિવાય) લાગતું નથી. વળી ના બોલવાથી કંઈ જ અટકી પડતું નથી એ દૃષ્ટિએ મૌનની સાધના જેવું (જીવનને શાંત અને ઉત્તમ બનાવવા) શ્રેષ્ઠ બીજું કંઈ નથી.
વાણી અંગેની અનેક કહેવતો પણ ખૂબ ઊંડું તત્વજ્ઞાન પીરસે છે. જેમ કે “ના બોલવામાં નવ ગુણ” એટલે કે મૌન જેવો ઉત્તમ ગુણ બીજો કોઈ જ નથી જે અનેકગુણો કે ગુણવત્તાના સરવાળા બરાબર છે, જે મનુષ્યને ઘણી નાહકની પીડા અને ઉધામામાંથી બચાવે છે. બીજી એક કહેવત છે “પાણી અને વાણી ગાળીને વાપરવી” એટલે કે ઇશ્વરની આપેલી વાણી જેવી અમૂલ્ય ભેટનો ખૂબ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને દરેક શબ્દના ઉપયોગ પહેલા અનેકવાર વિચારવું કે શું આ શબ્દોની જીવનમાં આવશ્યકતા ખરી? ત્રીજી એક કહેવત છે “બોલે તેના બોર વેચાય” જે કહેવત બોલવાની મહત્તાને સમજાવે છે પરંતુ તેના પાછળનો હેતુ પણ જણાવે છે કે જેને બોર વેચવા છે તેને માટે બોલવાની જરૂરિયાત રહે છે. આમ વાણીની જરૂર માત્ર એ જ વ્યક્તિને છે જેનો જીવનમાં કોઈ સ્વાર્થ છે. એ દૃષ્ટિએ પણ નિસ્વાર્થ અને ઈચ્છારહિત આસક્તિવિહીન માણસ માટે વાણીની કોઈ આવશ્યકતા છે જ નહીં. વળી આપણને જો એમ લાગતું હોય કે આપણા બોલવાથી જીવન, કુટુંબ કે સમાજમાં કોઈ ક્રાંતિકારી પરિવર્તન આવશે તો એ આપણો ભ્રમ છે, બ્લનડર મિસ્ટેક છે, મોટો વહેમ છે. બોલવાથી કદી કશું બદલાતું નથી કેમ કે કહેવાતા હોશિયાર માણસોનો અહંકાર એટલી ઊંચાઈએ હોય છે કે કદાચ તેમને તમારું સત્ય સમજાય તો પણ તેઓ સ્વીકારી શકતા નથી. એમ પણ સમજાવી એને શકાય જે સમજવા માંગતો હોય, જે સમજવા માંગતો જ નથી એની આગળ ભાષણ વ્યર્થ છે અને જે સમજવા માંગે છે એ તો એમ પણ સમજી જવાનો વગર સમજાવે તો પછી બોલવાનું કોના માટે?
ટોકિંગ સ્માર્ટનેસના ગુણગાન ગાતા આધુનિકયુગમાં કોઇ મૌનની સાધનાની વાત કરે તે કદાચ સરળતાથી પચે તેવી વાત નથી પરંતુ મારી દ્રષ્ટિએ ટોકિંગ સ્માર્ટનેસનો અર્થ જ છે મૌનનું મહત્વ અને અગત્યતતા સમજવી એટલે કે ક્યારે બોલવું? કેટલું બોલવું? શા માટે બોલવું? કેવું બોલવું અને ક્યારે ન બોલવું તેની યથાર્થ સમજણ, જો સનાતન સત્ય સમજાઈ જાય કે બોલવાથી વાસ્તવમાં કોઈ યથાર્થ લાભ છે જ નહિ ફક્ત શક્તિનો ક્ષય છે તો કદાચ નાહકનું શબ્દયુદ્ધ જીવનમાં અવશ્ય અટકે.
કોસ્ટ બેનિફિટ્ એનાલિસિસના નિષ્ણાંત સમજી શકશે કે ઓછું મેળવવા (વાણીના ભૌતિક ફાયદા લેવા) વધુ કિંમત ચૂકવવી (શક્તિનો ક્ષય કરવો) કોઈ રીતે યોગ્ય હોઈ ન શકે. દસ રૂપિયાના નફા માટે વીસ રુપિયાનો ખર્ચ કરવો કોઈ બિઝનેસ માટે યોગ્ય કહેવાય ખરું?
શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ