મને એક દિવસ કોલેજ સમય દરમ્યાન એક ભૂતપૂર્વ વિદ્યાર્થી મળવા આવ્યો. જેની સાથે વર્ષોથી મારે ઘણા જુદા-જુદા વિષયો પર ગોષ્ઠી થતી રહી છે. એ વિદ્યાર્થીને જીવનમાં ક્ષણે ક્ષણે અનેક પ્રશ્નો અવિરત થતા રહે છે અને હંમેશા મારી સાથેની ચર્ચા બાદ પ્રશ્નોરૂપી સમસ્યાનું સમાધાન મળતા સંતોષ અનુભવે છે. મને પણ આવા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા દ્વારા આનંદ આવે છે કેમ કે દસ ટકા વિદ્યાર્થી પણ જો આવા મળતા રહે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે એ વાત નક્કી સમજવી. સામાન્ય રીતે જેને પ્રશ્ન સતાવે એ જ તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરે અને એ જ જીવનને સાર્થક કરી શકે.
એણે મને પૂછ્યું મેડમ હું કોઈક જરૂરીયાતમંદને એની આર્થિક તકલીફમાં મદદ કરૂ અથવા ધારો કે હજાર રૂપિયા ખૂબ સારા ભાવ કે ઉમદા ઈરાદાથી તેને આપુ પરંતુ કમનસીબે જો એ વ્યક્તિ મારા આપેલા હજાર રૂપિયાનો દુરોપયોગ કરે તો એનું પાપ મારે શિરે ગણાય ખરું? કેમ કે મને એક ધર્મગુરુએ કહ્યું કે દાન કરતા પહેલા દાન મેળવનારની પાત્રતાનો વિચાર અનિવાર્ય છે. દાન હંમેશા સુપાત્રને કરાય અન્યથા તમારા પૈસા વડે થનાર અનિષ્ટ કર્મ માટે તમે પણ ભાગીદાર બનો અને એના કર્મ તમારે પણ ભોગવવા પડે. કોઈ સમજણ વગર કે વ્યક્તિની સાચી પરિસ્થિ જાણ્યા વગર જો તમે તમારા રૂપિયાના માલિક બીજાને બનાવી દો તો તે કર્મના ફળ અવશ્ય ભોગવવા પડે. પરંતુ મેડમ હું આ વાત સાથે સંમત નથી, મેં તો નેક ઈરાદા સાથે જરૂરિયાતમંદને દ્રવ્ય આપી મદદ કરી એમાં મારો વાંક કઈ રીતે ગણાય? એના પાપમાં મારી ભાગીદારી કેવી રીતે ગણાય? તમારું આ અંગે શું મંતવ્ય છે?
એના જવાબમાં મેં કહ્યું હિન્દુશાસ્ત્રોમાં દાન અંગે ઉંડી સમજણ અને તત્વજ્ઞાન પીરસાયું છે કે દાન કોને કહેવાય, ક્યારે કરાય, કેવી રીતે કરાય, કઈ કઈ વસ્તુનું દાન કરાય અને કોને કરાય એટલે કે પાત્રતા જોવી દાન કરતા પહેલા કેટલી જરૂરી વગેરે. સૌ પ્રથમ તો એ સમજવું પડે કે દાન તમે શું કરો છો અને કયા ઇરાદાથી કરો છો. દાનમાં આ બે બાબત સૌથી વધુ અગત્યતા ધરાવે છે. સામાન્ય રીતે દાન અનેક પ્રકારના હોય છે જેમકે અન્નદાન, વસ્ત્રદાન, દ્રવ્યદાન એટલે પૈસાનું દાન, ઔષધદાન, શક્તિદાન, આનંદદાન, વિદ્યાદાન, અંગદાન, જ્ઞાનદાન વગેરે, જે અન્વયે ભૂખ્યાને જમાડવા માટે પાત્રતા જોવાની જરૂર નથી. કુપાત્રને પણ અન્નદાન કરી શકાય. એવી જ રીતે કોઈ અશક્ત કે રોગીને મદદ કરવી તે શક્તિદાન છે. ઈશ્વરે તમને આપેલી શક્તિનો એટલે કે આ શરીરનો તમે કોઈની અશક્તિ દૂર કરવા ઉપયોગ કરો કે એને સહાય કરી તમારી શક્તિ દ્વારા એને મદદ કરો ત્યારે તેમાં પણ પાત્રતા જોવાની જરૂર નથી. વ્યક્તિ સુપાત્ર ન હોય પરંતુ અશક્ત અને રોગી હોય તો દયાના ભાવ સાથે ભલે ગમે તેટલો પાપી હોય મદદ કરી શકાય. એ જ રીતે કોઈ દુઃખી કે ઉદાસ ચહેરા પર હાસ્ય લાવવું એ આનંદદાનનો એક પ્રકાર છે, જેમાં પણ પાત્રતા જોવાની જરૂર નથી. ઉદાસ કે દુખી માણસ પાપી હોવા છતાં તેને આનંદદાનની સહાય કરી શકાય. પરંતુ જ્ઞાનદાન કે વિદ્યાદાન લાયક ન હોય તેવા અશુદ્ધ કે પાપી જીવને ન કરી શકાય એ બાબતની કાળજી અવશ્ય રાખવી જોઈએ કેમ કે શક્ય છે તેને મળેલી જ્ઞાન કે વિદ્યાનો તે દુરોપયોગ કરી જનજીવનને ખલેલ પહોંચાડે અથવા લોકોની પીડામાં વધારો કરે, તો તે કિસ્સામાં અયોગ્ય વ્યક્તિને જ્ઞાન કે વિદ્યાદાન કરવાનું કર્મ કે પાપ દાન કરનારને શિરે આવી શકે કેમકે ગુરુ તરીકે જરૂરી તકેદારી રાખવામાં તે નિષ્ફળ ગયા કહેવાય. એવી જ રીતે દ્રવ્યદાન એટલે કે કોઈ તમારી પાસે આર્થિક સહાય માંગે કે ભીખ માગે ત્યારે પૈસા આપતા પહેલાં તમારે એ વ્યક્તિની પાત્રતાનો વિચાર અવશ્ય કરવો જોઈએ કેમકે પૈસાનો ઉપયોગ ચોક્કસ પરિણામ સર્જે છે અને પૈસાનો દુરોપયોગ ઘણા લોકોના જીવનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. જેના ભાગીદાર જાણે કે અજાણે દાન આપનાર પણ બની જતા હોય છે કારણ કે તેવો પૈસા આપીને અનિષ્ઠ કર્મના નિમિત્ત બન્યા છે. એટલા માટે શાસ્ત્રોમાં દ્રવ્યદાન, જ્ઞાનદાન કે વિદ્યાદાન અંગે લાલબત્તી બતાવવામાં આવી છે. એ પ્રકારના દાન કરતા પહેલા ખૂબ જ ચોકસાઇની જરૂર છે.
તેમ છતાં જ્યારે દાન આપવાનો ઇરાદો નેક હોય, તેમાં સ્વાર્થનું તત્વ ગેરહાજર હોય તો એ દાનમાં જોખમ ઓછું રહેલું છે એવું મારું અંગત મંતવ્ય છે. જીવનમાં ઘણીવાર નિર્ણય લેવામાં મુશ્કેલી પડતી હોય છે એવો આપણો રોજબરોજનો અનુભવ છે, દા.ત. દાન આપું કે ના આપું? આ વ્યક્તિ યોગ્ય હશે કે નહીં હોય? દાનથી મને શું લાભ થશે? મારા આપેલા પૈસાનો સામેવાળો વ્યક્તિ સદુપયોગ કરશે કે દુરુપયોગ? તેનું પાપ મારે શિરે તો નહીં આવે ને? વગેરે ઘણી મૂંઝવણ થતી હોય છે. આવી મૂંઝવણ વખતે મનોમન ઈશ્વરને યાદ કરી નિર્ણય લેવામાં મદદ માગવી જોઇએ, એવું હું દૃઢપણે માનું છું અને હું એવું કરુ પણ છું. કઠિન સમયે કે જ્યારે નિર્ણય લેવામાં મુશ્કેલી પડે ત્યારે કહો કે “હે પ્રભુ હું નિસ્વાર્થભાવે આ વ્યક્તિને માત્ર નિમિત્ત બની મદદ કરું છું, તું એને સદબુદ્ધિ આપજે કે તે મારા આપેલા દ્રવ્યોનો દુરુપયોગ કરી અયોગ્ય કામમાં મને નિમિત્ત ન બનાવે અને છતાં જો તેના દ્વારા મારા પૈસાનો અયોગ્ય ઉપયોગ થાય તો મને જવાબદાર ન ગણતા માફ કરજે તેમ જ બીજીવાર દાન આપતા પહેલા મને સદબુદ્ધિ આપી યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરજે જેથી અજાણતા પણ મારા દ્વારા કોઇ અયોગ્ય કાર્ય ન થઈ જાય.
સામાન્ય રીતે કોઈ પણ કાર્ય ઈશ્વરને સોંપી દેવામાં આવે ત્યારે જવાબદારી ઈશ્વરની રહેતી હોય છે. વ્યક્તિ જ્યારે કાર્યનો કર્તા બને ત્યારે જ તે સુખ કે દુઃખ જેવા ફળ ઉત્પન્ન કરે છે, જે તેને ભોગવવા જ પડે છે. એટલા માટે સમગ્ર ભગવદગીતાના પાનેપાને નિષ્કામકર્મના ગુણગાન ગવાયા છે. કર્મ જ્યારે સ્વાર્થવિહીન, ફળની અપેક્ષા વગર, નિર્દોષભાવે, માત્ર ઈશ્વરના દૂત બની નિમિત્ત રૂપે કરવામાં આવે ત્યારે તેનું બંધન થતું નથી. દાન, મદદ કે સહાયની બાબતમાં સ્થૂળ ક્રિયા કરતા વ્યક્તિની માનસિકતા, તેનો ઉદ્દેશ કે કારણ વિશેષ મહત્વનું રહે છે. એ દૃષ્ટિએ જીવનમાં જ્યારે ધનદાન, વિદ્યાદાન અને જ્ઞાનદાન કરવાનો પ્રસંગ આવે ત્યારે શક્ય હોય ત્યાં સુધી દાન લેનારની પાત્રતા અવશ્ય ધ્યાને લેવી અને જો તે બાબતે આપ અસમર્થ હોવ તો ઉદ્દેશને નિષ્કામ અને કલ્યાણકારી બનાવવો જેથી અયોગ્ય પરિણામોથી બચી શકાય. પરંતુ અન્નદાન, વસ્ત્રદાન, આનંદદાન, શક્તિદાન, અંગદાન કરતી વખતે બિલ્કુલ નિશ્ચિંત થઈ દાન કરવું. સુપાત્ર કે કુપાત્રના દ્વંદમાં પડવાની બિલકુલ જરૂર નથી. આવા પ્રકારના દાન નિશ્ચિતપણે કોઈપણને કરી શકાય એવી મારી સમજ છે, જે હું આપ સૌ સાથે શેર કરું છું કારણકે કદાચ મારા આ વિદ્યાર્થી જેવી મૂંઝવણ અનેક લોકોને હોય તો દાન ન કરવાનો અયોગ્ય નિર્ણય અણસમજણવશ લેવાઈ જાય એના કરતાં સમજણપૂર્વકનો નિર્ણય લઇ જીવન મૂંઝવણમુક્ત બને તે વધુ સલાહભરેલું છે.
શિલ્પા શાહ