શું ખુશ રહેવા માટે કોઈ હેપ્પી હોર્મોન્સની જરુર છે? તેનું સર્જન કોણ કરે છે?
શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ
ધર્મશાસ્ત્રની કોઈ પણ વાત આપણને ભણેલાગણેલા નાસ્તિક બુદ્ધિશાળી આધુનિક લોકોને સામાન્ય રીતે ક્યારેય સ્વીકાર્ય હોતી નથી કે સાચી લાગતી નથી અથવા કદાચ સ્વપ્ના જેવી કે કાલ્પનિક લાગે છે. જેમ કે ધર્મશાસ્ત્રો યુગોથી કહે છે ખુશી આપણી અંદર છે પણ આપણે તેને સમજી કે સ્વીકારી શક્યા નથી પણ હવે હેપી હોર્મોન્સની વૈજ્ઞાનિક વાત તો સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. હેપ્પી હોર્મોન્સ એટલે ખુશીનો અંતસ્ત્રાવ. હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવ શરીરમાં સ્વાભાવિકપણે ઉદ્ભવતું રાસાયણિક તત્વ કે જે એક મેસેન્જર તરીકે શરીરમાં કાર્ય કરે છે અને અનેક શારીરિક ક્રિયાઓને માર્ગદર્શન આપે છે એટલે કે શરીરના દરેક અવયવ અને કોષોએ શું કાર્ય કરવું અને કેવી રીતે કાર્ય કરવું તેનું માર્ગદર્શન હોર્મોન્સ દ્વારા પ્રાપ્ત થાય છે. આવા હોર્મોન્સ ખુશીના પણ હોઈ શકે, જેના દ્વારા વ્યક્તિ ખુશીનો અનુભવ કરે. ટૂંકમાં ખુશી કે આનંદનો અનુભવ કરાવે એવા હોર્મોન્સને હેપ્પી હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જીવનમાં આપણું ધાર્યું થાય, કશુંક ગમતું શક્ય બને, ઈચ્છાઓની પૂર્તિ થાય ત્યારે સ્વાભાવિક રીતે શરીરમાં આવા હેપી હોર્મોન્સ ઉત્સર્જિત થતા હોય છે, જે વ્યક્તિની ખુશી નક્કી કરતું અતિ મહત્વનું પરિબળ છે. આ ખુશી કે આનંદ કેટલા સમય સુધી ટકશે તેનો આધાર પણ શરીરમાં રહેલા આ હોર્મોન્સના સ્તર ઉપર આધારિત છે. આ સ્તર જેટલું સક્ષમ એટલી જીવનમાં ખુશીની હયાતિ લાંબી.
વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર મનુષ્ય જીવનની ખુશી તણાવ ચિંતા હતાશા નિરાશા વગેરે તમામ લાગણીઓ પાછળ શરીરમાં આપોઆપ ઉદ્ભવતા વિશેષ પ્રકારના કેમિકલ જવાબદાર છે. વ્યક્તિને ખુશ રાખતા મુખ્ય ચાર રસાયણો છે જે ચિંતા હતાશા નિરાશાને બહાર ફેંકી જીવનમાં ખુશી અને આનંદનું વાતાવરણ તૈયાર કરે છે. આવા ચાર કેમિકલ (હોર્મોન્સ)ના નામ છે ડોપામાઇન, ઓક્સિટોસિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન. ડોપામાઈનનું યોગ્ય પ્રમાણ વ્યક્તિની સારી-ખોટી આદતોનું ઘડતર કરે છે. વ્યક્તિને સારા કાર્યો કરવા પ્રેરે છે. શરીરમાં ડોપામાઇનનું પ્રમાણ જાળવી રાખવા માટે પર્યાપ્ત માત્રામાં ઊંઘ, સંગીત, ધ્યાન, કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવા જેવા કાર્યો ઉપયોગી સાબિત થાય છે. ઓક્સીટોસિન મનુષ્યને વધુ સામાજિક બનાવે છે જેથી તેને “લવ હોર્મોન” તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યક્તિમાં પ્રેમનું તત્વ આ રસાયન દ્વારા વધે છે. જે દ્વારા વ્યક્તિ સામાજિક સંબંધોને પસંદ કરતો થાય છે. પરિવાર, મિત્રો સાથે સમય પસાર કરવો, પ્રેમની આપ-લે કરવી, પ્રેમ-પાત્રની સાથે વધુ સમય પસાર કરવો વગેરે દ્વારા શરીરમાં ઓક્સીટોસિન હોર્મોનનુ સ્તર વધે છે. સંબંધી કે પ્રેમીને ભેટવાથી તેમ જ તેના માટે સારું ભોજન તૈયાર કરવાથી પણ આ હોર્મોનનું સ્તર શરીરમાં વધે છે. સેરોટોનિન નામનું કેમિકલ મનુષ્યમાં ગર્વની ભાવના જગાડે છે જેને “લીડર હોર્મોન” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હોર્મોન વફાદારીની ભાવના પણ જન્માવે છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કથી આ કેમિકલનું સ્તર શરીરમાં વધે છે. યોગ્ય આહાર, કસરત સેરોટોનિન માટે ઉપયોગી છે. દૂધની બનાવટો, નટ્સ, સોયા ઉત્પાદનો સેરોટોનિન પ્રાપ્તિના ઉમદા સ્ત્રોત છે. એન્ડોર્ફિન દુઃખનો અનુભવ ઘટાડે છે. painkiller ટેબલેટમાં આ જ કેમિકલનો ઉપયોગ થાય છે. આ હોર્મોન શરીરમાં ઉત્પન થતું કુદરતી દર્દશામક છે. સક્રિય જીવન, સકારાત્મકતા, કસરત દ્વારા એન્ડોર્ફિન શરીરમાં સ્વાભાવિક રીતે વધારી શકાય છે. વ્યક્તિ ડાન્સ કરે, ગાર્ડનિંગ કરે, ગમતા કાર્યમાં સક્રિય રહે, સાયકલ ચલાવે, રમત રમે તો શરીરમાં આપોઆપ આ હોર્મોન રિલીઝ થાય છે.
શરીરમાં અનેક પ્રકારના હોર્મોન્સ નિયમિત રીતે અને સહજ પણે ઉદ્ભવતા હોય છે જે શરીરની અનેક જૈવિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે જેવી કે ભૂખ-તરસ, લોહીનું દબાણ, જાતીય ઇચ્છાઓ વગેરે. સામાન્ય રીતે શરીરમાં અસ્તિત્વ ધરાવતી મુખ્ય છ પ્રકારની ગ્રંથિઓમાંથી જરતા અંતઃસ્ત્રાવને હોર્મોન્સ કહેવામાં આવે છે. શરીરમાં મુખ્યત્વે પિચ્યુટરી ગ્રંથિ, પીનિયલ ગ્રંથિ, થાયમસ ગ્રંથી, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રીનલ ગ્રંથિ, પેનક્રિયાસ ગ્રંથિ અને પેપટાઈટ ગ્રંથિ મુખ્ય છે. લગભગ મોટાભાગના હોર્મોન્સ સાથે પિચ્યુટરી ગ્રંથિને સંબંધ છે, જેના પર વ્યક્તિના આહાર અને મનની વિધાયકતાનો પ્રભાવ વિશેષ છે. જે વ્યક્તિ પૌષ્ટિક સાત્વિક આહાર ગ્રહણ કરે અને અવિરત પોઝિટિવ રહે તેના શરીરમાં હેપ્પી હોર્મોન્સ ખૂબ સહજતાથી અને પૂરતા પ્રમાણમાં ઉત્સર્જિત થતા રહે છે, તેમજ તેનું સ્તર જળવાઈ રહે છે અને એવી વ્યક્તિ જિંદગીની કોઈપણ મુશ્કેલીઓ સામે હારી-થાકી જતો નથી કે નિરાશ થતો નથી. શરીરમાં હોર્મોન્સનું અસમતુલન કરતા મુખ્ય 6 આહાર છે જેવા કે લાલ માંસ, સોયા ઉત્પાદનો, કેફીન, ડેરી ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફૂડ અને અમુક ચોક્કસ શાકભાજી.
શરીરમાં નિયમિત રીતે અને સહજપણે ઉદભવતા હોર્મોન્સ (ગ્રંથિમાંથી જરતા અંતઃસ્ત્રાવ) કે જે અનેક જૈવિક પ્રક્રિયાને નિયંત્રિત કરી, શરીરને માર્ગદર્શન આપે છે જેમ કે શ્વાસ કેવી રીતે લેવો, શરીરની ઉર્જાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો વગેરે. વિભિન્ન પ્રકારના હોર્મોન્સ શરીરની વૃદ્ધિ, ચયાપચયનો દર અને પ્રજનનક્ષમતા પર અસર કરે છે. ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે અને સૌથી અગત્યનું વ્યક્તિના વર્તનને નિર્ધારિત કરે છે, સમયે-સમયે વ્યક્તિના વર્તનને બદલે છે, સુધારે છે. મુખ્ય ત્રણ પ્રકારના હોર્મોન્સ હોય છે lipid derived hormons, amino acid derived hormons અને peptide હોર્મોન્સ. એમાં બીજા અંતર્ગત જુદાજુદા છ પ્રકારના હોર્મોન્સ હોય છે જે ઉપયોગી હોવાની સાથે દર્દી માટે બીજી ઘણી સમસ્યા પણ સર્જે છે. પિચ્યુટરી ગ્રંથિ દ્વારા હોર્મોન્સ પૂરતા પ્રમાણમાં ઉત્પાદિત થતા નથી ત્યારે શરીરમાં અનેક પ્રકારના રોગો અને બીમારીઓ સર્જાય છે કેમ કે શરીરના લગભગ દરેક અવયવ અને કોષોને શું કાર્ય કરવું અને કેવી રીતે કાર્ય કરવું તેનું માર્ગદર્શન હોર્મોન્સ દ્વારા જ પ્રાપ્ત થાય છે. શરીરમાં તણાવ વધારતાં ત્રણ પ્રકારના હોર્મોન હોય છે જેને “બેડ હોર્મોન્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પરોક્ષ રીતે હેપ્પી હોર્મોન્સને ખતમ કરે છે.
હિન્દુશાસ્ત્રોનું એક સનાતન વિધાન છે કે ખુશી અંદરથી જન્મે છે, બહારની દુનિયામાં શોધી શકાતી નથી. ખુશી તો કુદરતનું વરદાન છે જે વ્યક્તિની અંતરતમ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે અને સહજ રીતે આત્માના મૂળભૂત શુદ્ધ સ્વરૂપમાં રહેવાથી તેનો આંતરિક સ્ત્રાવ વહ્યા જ કરે છે. પરંતુ આપણે કહેવાતા શિક્ષિત અને બુદ્ધિશાળી આધુનિક લોકો એ માની કે સ્વીકારી શકતા નથી. સતત અવિરત ખુશીને બહારની દુનિયામાં સંબંધોમાં, પૈસામાં, પદ-પ્રતિષ્ઠામાં શોધ્યા કરીએ છીએ. પરંતુ હવે તો વિજ્ઞાને અનેક સંશોધનો દ્વારા સાબિત કરી દીધું છે કે આપણી અંદર ચાર પ્રકારના હેપી હોર્મોન્સ એટલે કે ખુશીના અંતઃસ્ત્રાવ આપોઆપ સમયે સમયે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં ઉદભવ્યા જ કરે છે. વિજ્ઞાન જણાવે છે કે જો શરીરમાં હેપી હોર્મોન્સ તરીકે ઓળખાતા હોર્મોન્સનો અંતઃસ્ત્રાવ થતો હોય તો જ વ્યક્તિ સતત ખુશ રહી શકે અન્યથા નહિ. ખુશ રહેવાની ઈચ્છા માત્રથી ખુશ રહી શકાતું નથી. દુનિયામાં બધા ખુશ રહેવા ઇચ્છે છે પરંતુ રહી શકતા નથી કેમ કે મેડિકલ સાયન્સે જણાવેલ ચાર પ્રકારના હેપી હોર્મોન્સ (સેરોટોનિન, એન્ડોર્ફિન, ઓક્સીટોસિન અને ડોપામાઇન) મનુષ્યશરીરમાં ઉત્સર્જીત થતા નથી જેની પાછળ જવાબદાર આપણી અયોગ્ય આધુનિક લાઈફ છે.
ઓક્સીટોસિન હોર્મોન પ્રેમ ઉત્પન્ન કરવાનું મહાન કાર્ય કરે છે. જેના શરીરમાં આ હોર્મોન્સ બનતો નથી તે કોઈને પ્રેમ કરી શકતો નથી. જ્યારે આપણે કોઈના પ્રેમમાં પડીએ કે કોઈને ખૂબ પ્રેમ કરીએ અથવા પ્રેમ વ્યક્ત કરીએ ત્યારે આ હોર્મોન્સ ઉત્સર્જિત થાય છે. પ્રેમ સૃષ્ટિનો શ્વાસ છે, પ્રેમનો આનંદ જ અસ્તિત્વનો સૌથી ઉચ્ચ આનંદ છે. આપણે જેમ શ્વાસમાં ઓક્ષિજન લઈએ છીએ તેમ સૃષ્ટિને ચલાવનારો ઈશ્વર શ્વાસમાં પ્રેમને ગ્રહણ કરે છે. આપણા ઋષિ-મુનિઓ યુગોથી કદાચ આ વાત જાણતા હશે એટલે વેદો પુરાણો અને ઉપનિષદોના માધ્યમ દ્વારા પ્રકૃતિના દરેક તત્વને પ્રેમ કરવાની સલાહ અપાઈ છે જે ખૂબ વૈજ્ઞાનિક છે. જેના દ્વારા મળતો ફાયદો કોઈ બીજા કરતાં વધુ વ્યક્તિને પોતાને મળે છે. જેની સાથે દિલને ગમે, આનંદ આવે તેવી વસ્તુ કે વ્યક્તિ સાથે સમય પસાર કરવાથી હેપી હોર્મોન્સ આપોઆપ જનરેટ થાય છે. જીવનમાં ક્વોલિટી ટાઇમ પસાર કરવાથી ઓક્સીટોસિન હોર્મોન વધે છે. જીવનમાં કોઈ ગમતા શોખ, ઈચ્છાપૂર્તિના પ્રયત્નો દ્વારા પણ હેપી હોર્મોન્સનું સર્જન કરી શકાય અને જીવનને અવિરત ઉત્સાહિત અને ખુશખુશાલ બનાવી શકાય. મગજને જ્યારે કોઈ ખુશીના સમાચાર મળે ત્યારે મગજ ડોપામાઇન નામનો હોર્મોન્સ રિલીઝ કરે છે એટલા માટે ડોપામાઈનને “રિવોર્ડ કેમિકલ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે જ્યારે મગજને કોઈ સારા સમાચાર આપીએ ત્યારે એની સામે રિવોર્ડ તરીકે તે પણ આપણને રિટર્ન ગિફ્ટ રૂપે ડોપામાઇન આપે છે જે આપણી ખુશીમાં વધારો કરે છે. આમ પ્રકૃતિમાં સતત અવિરત “take and give”નું સામ્રાજ્ય ચાલે છે. એટલા માટે દરેકને કઇંક ને કઇંક આપતા રહો રિટર્નમાં ચોક્કસ કઇંક મળતું જ રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. શરીરમાં ડોપામાઇનનું સ્તર સુધારવા પોતાની જાતનું ધ્યાન રાખવું જરૂરી છે, સ્વઇચ્છાને મહત્વ આપવું અનિવાર્ય છે. વ્યક્તિને પોતાને જે ગમતું હોય તે કરવાથી, તેને જે ભાવતું હોય તે ખાવાથી, ગમતી રમત રમવાથી અથવા જે કાર્યમાં આનંદ આવે તે કરવાથી ડોપામાઇનનું સ્તર સુધરે છે અથવા વધુ ડોપામાઇન ઉત્સર્જિત થાય છે. એકવાર ડોપામાઇન કે ઓક્સિટોસિન ઉત્સર્જિત થયા બાદ મૂડને સ્થિર કે સતત હેપી રાખવા સેરોટોનિન નામનો હોર્મોન ખૂબ ઉપયોગી છે. કસરત કરવાથી, ખુલ્લી હવામાં ચાલવાથી, યોગા અને મેડિટેશન કરવાથી સેરોટોનિનના ઉત્સર્જનમાં અને તેના સ્તરને જાળવી રાખવામાં ખૂબ મદદ મળે છે. આ ઉપરાંત એક અન્ય હોર્મોન્સ જેનું નામ છે એન્ડોર્ફિન, જે વ્યક્તિની માનસિક પરેશાનીઓને દૂર કરવામાં ખૂબ શક્તિશાળી સાબિત થાય છે. જેનામાં આ હોર્મોન્સ વધારે હોય તે વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ નાસીપાસ થતો નથી નિરાશ કે હતાશ થતો નથી. એલોપેથીની લગભગ બધી જ પેઇનકિલર દવાઓમાં એન્ડોર્ફિન જ હોય છે જે દર્દને ભૂલવાનો ગુણધર્મ ધરાવે છે. વિજ્ઞાનના અનેક સંશોધનો જણાવે છે ડાર્ક ચોકલેટનું સેવન આ હોર્મોન્સને બૂસ્ટ કરે છે. હસવાથી પણ આ હોર્મોન્સ અનેકગણો વધે છે. કોમેડી શો જોવાથી કે કોમેડી સિનેમા જોવાથી તેમજ લાફિંગ ક્લબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા આ હોર્મોન્સને બૂસ્ટ કરી શકાય.
હિન્દુધર્મશાસ્ત્રો અનુસાર મનુષ્યની ખુશીનો આધાર પંચકોષ પર છે અન્નમય કોષ કે જે સાત્વિક અને પૌષ્ટિક આહાર દ્વારા બને છે, મનમય કોષ કે જે મનની સ્થિતિ અને હકારાત્મકતા દ્વારા નક્કી થાય છે, પ્રાણમય કોષ કે જે વ્યક્તિનું ઉર્જાશરીર, શ્વાસની ગતિ અને સ્થિતિ પર આધાર રાખે છે, વિજ્ઞાનમય કોષ કે જે મનુષ્યનો વિવેક, મૈત્રી, પ્રેમ જેવા સદગુણો દ્વારા બને છે અને આનંદમય કોષ કે જે સત્કર્મો, નીતિમત્તા, પવિત્રતા અને કૃતજ્ઞતાની લાગણીથી તૈયાર થાય છે. આનંદ (ખુશી) એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે જેથી તેની પ્રાપ્તિ માટે આત્માને એટલે કે “સ્વ”ને ઓળખવો સમજવો અને સ્વીકારવો પડે. “સ્વ” સાથે સમય પસાર કરવો પડે, “સ્વ”ને ગમતી બાબતોનું ધ્યાન રાખવું પડે. તો ખુશી સહજ બને અને હેપ્પી હોર્મોન્સ સતત ઉત્સર્જિત થતાં રહે. હવે કહો ધર્મગ્રંથો શ્રેષ્ઠ મનુષ્ય જીવન માટે જે કોઈ ઉત્તમ સલાહ-સૂચનો આપે છે જેવી કે હંમેશા ખુશ રહો, “સ્વ” સાથે સમય વ્યતિત કરો, દરેકને પ્રેમ કરો, નકારાત્મકતાથી દૂર રહો, ગમતા કાર્યો કરો, કસરતી જીવન જીવો, ઉત્તમ સાત્વિક આહારનું સેવન કરો, નિયમિત લાઈફ જીવો, ગમતા કોઈ શોખનું સર્જન કરો અને સતત કંઈક સર્જનાત્મક કરતા રહો વગેરે વગેરે, હવે તમે જ કહો શું ધર્મશાસ્ત્રો કંઈ ખોટું કહે છે.
આમ જીવનમાં હેપી થવું કે હેપી હોર્મોન્સનું સર્જન કરવું અને તેનું સ્તર ટકાવી રાખવું આપણા હાથની વાત છે એટલું તો આ આર્ટીકલ દ્વારા તમે કદાચ સમજી ગયા હશો એટલો તો મને વિશ્વાસ છે. તો આવો આજથી જ આપણા જીવનને ખુશખુશાલ પ્રસન્ન અને ઉત્સાહસભર બનાવવા હેપી હોર્મોન્સને ઉત્સર્જિત કરીએ અને તેના સ્તરને અવિરત ટકાવી રાખી જીવનને સાર્થક કરીએ. સુખ પ્રાપ્તિની દોડ અભાવગ્રંથિથી શરૂ થાય છે. વ્યક્તિની પાસે જે કંઈ છે તેનાથી તેને સંતોષ નથી, તેને તેનાથી વધારે જોઈએ છે અને એનો કોઇ અંત નથી. અભાવગ્રંથિથી પીડાતો માણસ સતત ઈચ્છાપૂર્તિમાં રચ્યોપચ્યો રહે છે અને પોતાના અસલ સ્વરૂપને આત્માને એટલે કે સ્વને ભૂલી જાય છે જેના કારણે જીવનમાં તણાવ વધે છે અને શરીરમાં હેપ્પી હોર્મોન્સ બનતા અટકી જાય છે. હેપ્પી હોર્મોન્સ ઉત્સર્જિત કરવાની કળાને જો આજના આર્ટીકલ દ્વારા કોઈ પામી લેશે તો હું સમજીશ મારી મહેનત લેખે લાગી. ઈશ્વર કરે દરેકના જીવનમાં હેપ્પી હોર્મોન્સ સતત અવિરત ઉત્સર્જિત થતાં રહે બસ એ જ અભ્યર્થના.
~ શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ