“જોયું? અગર રાહુલ કેતનની તકલીફ ઉપર હંસતો રહેતે, તો શું એ બન્ને ક્યારે પણ સારા મિત્ર બની શકતે? પરંતુ, જ્યારે રાહુલને કેતનની હાલત સમજમાં આવી, તો એના મનમાં કેતન માટે દયા અને સહાનુભુતિ જાગી. એણે કેતનની મદદ કરી, અને પછી બન્ને પાક્કા મિત્ર બની ગયા.”
સુપરવાઈઝર બિમલા ક્લાસની બહાર ઉભા ઉભા, ગણિતની ટીચર, મમતાની વાર્તા સાંભળી રહ્યા હતા. એને ગુસ્સો આવ્યો, કે ભણાવવાનું મૂકીને મમતા કેમ છોકરાઓ સાથે સમય નષ્ટ કરી રહી હતી. એણે મન હી મન વિચાર્યું, “મમતા સ્ટાફરૂમમાં આવે, એટલે એની ખબર લઈશ!”
અડધો કલાક પછી, મમતા સ્ટાફરૂમમાં આવી, બુક્સ ટેબલ પર મૂકીને પાણી પીધું. જયાં તે પોતાની ખુરશી પર બેઠી, કે તરત બિમલા એની પાસે આવીને ઉભી રહી. મમતા સામે આંખ કાઢતા, તેણે પૂછ્યું, “મમતા, ચોથા ધોરણમાં ગુણાકારનો અધ્યાય પૂરો થઈ ગયો?”
મમતા ઉભી થઇ અને માથું હલાવતા બોલી, “નહીં મિસ, થોડું બાકી છે. બીજા બે લેક્ચરમાં થઈ જશે.”
મોકાનો ફાયદો ઉપાડતા, બિમલાએ, મમતાને કટાક્ષ કરતા કહ્યું, “જે ગતિથી તું છોકરાઓને ભણાવે છે, એમ તો બીજા ચાર લેક્ચરમાં પણ તારું અધ્યાય પૂરું નહીં થાય.”
મમતા મૂંઝવણમાં પડી ગઈ અને ધીમેથી પૂછ્યું, “કેમ મિસ, એમ શા માટે બોલો છો? મારાથી કોઈ ભૂલ થઈ છે?”
“હું આજે તારી ક્લાસની બહાર ઉભી ઉભી બધું સાંભળી રહી હતી. જો તું ભણાવવાનું મૂકીને છોકરાઓને વાર્તા કહેવા બેસી જઈશ, તો સિલેબસ ક્યારે પૂરું કરીશ?”
મમતા સમજી ગઈ. એને એમ પણ બિમલાની બચ્ચાઓ સાથેની વર્તણુક સમજમાં નહોતી આવતી. ધીરજ રાખતા, મમતાએ હળવેથી કહ્યું,
“મિસ, આપણે શિક્ષક છીએ અને આપણી ફરજ છે, કે છોકરાઓને ભણતરની સાથે સાથે જીવનના મૂલ્યો પણ સમજાવીએ.”

બિમલાએ એની સામે આંખ કાઢી, “ગણિત ભણવામાં મૂલ્યો ક્યાંથી આવ્યા? મમતા, તને તો બસ ફક્ત ટાઈમ પાસ કરતા આવડે છે.”
સ્ટાફરૂમમાં બેઠેલી બધી શિક્ષિકાઓ આ વાતચીત સાંભળી રહી હતી. મમતાએ શાંતિથી ખુલાસો આપ્યો. “મારી ક્લાસનો મયંક, અતિશય શરમાળ બાળક છે. એને વસ્તુઓ સમજવામાં પણ સમય લાગે છે. જેના લીધે ક્લાસના બીજા છાત્રો તેને ચિળવે છે. આજે તો બિચારો રડી પડ્યો. મારે એને સંભાળવાનું વધારે જરૂરી હતું. તદઉપરાંત, ભવિષ્યમાં એની સાથે આવું ફરી ન થાય એનું પણ ધ્યાન રાખવાનું હતું.”
બિમલા ચૂપ થઈ ગઈ અને મમતાએ આગળ વાત કરી, “ગણિત ક્યાંય ભાગી નથી જતું. આજ નહીં તો કાલ અધ્યાય પૂરું કરી નાખીશ, પણ અમુક મૂલ્યો એના નિર્ધારિત સમય પર શીખવાડવા અત્યંત જરૂરી હોય છે. અને એ પણ એવી રીતે, કે બાળક સમજે.”
બિમલા એકદમ સુમ થઈ ગઈ. મમતાએ એને એક બહુ મોટી શિખામણ આપી હતી. અહમ ગળતા, બિમલાએ મમતાની પીઠ થાબડી અને સ્મિત કરતા, પોતાની ક્લાસમાં જતી રહી.
શમીમ મર્ચન્ટ,