જય અંબે મિત્રો,
હિંદુ ધર્મ અને પંચાંગ મુજબ વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે – મહા, ચૈત્રી, અષાઢી અને આસો મહિનાની એટલે કે શારદીય. મહા અને અષાઢી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. ચારે નવરાત્રિ પૈકી શારદીય નવરાત્રિ એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. દેવી શક્તિની ઉપાસનાનો આ તહેવાર આ વર્ષે 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. હાલની કોરોનાની પરિસ્થિતિને જોતા સરકારે માતાજીના ગરબા કરવાની મંજૂરી આપી નથી પણ એક રીતે જોતા એમ લાગે છે કે આ જ વર્ષે ખરી રીતે માતાજીની ભક્તિ થશે. હિન્દુ પંચાંગ મુજબ, નવરાત્રિ પર્વની શરૂઆત આસો મહિનાના શુક્લ પક્ષની એકમથી થાય છે જે નોમ સુધી ચાલુ રહે છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. નવરાત્રિના પહેલા દિવસે જ્યાં શુભ મુહૂર્તમાં ઘટસ્થાન કરવાનો નિયમ છે, ત્યાં અંતિમ દિવસે કુંવારિકાઓની પૂજા-અર્ચના કરીને વ્રત ખોલવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે ઘરે શુભ મુહૂર્ત સમયે ઘટસ્થાપન કેવી રીતે કરીશું…
શારદીય નવરાત્રિમાં કળશ સ્થાપિત કરવા માટેના શુભ મુહૂર્ત
એકમ તિથિ પ્રારંભ – 17 ઓક્ટોબર 2020, 01:00 AM
એકમ તિથિ સમાપ્ત – 17 ઓક્ટોબર, 2020, 09:08 PM
ઘટ સ્થાપના મુહૂર્તનો સમય – સવારે 06: 27 AM થી 10: 13 AM
અભિજિત મુહૂર્ત – સવારે 11:44 AM થી 12: 12 PM સુધી
ઉત્થાપન મુહૂર્ત – 25 ઓક્ટોબર, 2020, સવારે 07.45 થી મધ્યરાત્રિ સુધી
ઘટસ્થાપન વિધિ
- સૌ પ્રથમ એક બાજોઠ કે પાટલા પર લાલ વસ્ત્ર પાથરીને તેના પર અંબે મા કે ભગવતી શક્તિના કોઈ પણ સ્વરૂપની મૂર્તિ કે છબીની સ્થાપના કરવી.
- ત્યારબાદ એ છબીની સામેના ભાગે એક પાત્ર મૂકો.
- હવે તે પાત્રમાં માટી નાખો. ત્યારબાદ વાસણમાં જવના દાણા પાથરવા અને ફરી તેના ઉપર માટી નાખો.
- હવે તેમાં થોડું પાણી છાંટો. હવે એક તાંબાનો લોટો કે માટીનો કુંભ લો. તેના પર સ્વસ્તિક બનાવો.
- ત્યારબાદ તેના પર નાડાછડી બાંધો. આ પછી કળશમાં ગંગાજળ અને શુદ્ધ પાણી ભરો.
- કળશમાં આખી સોપારી, ફૂલો અને દુર્વા અને રોકડા સિક્કા કે રૂપાનાણું પણ પધરાવવું.
- ત્યારબાદ કળશમાં પાંચ નાગરવેલના પાન મૂકવા.
- હવે એક શ્રીફળ લો અને તેના પર નાડાછડી બાંધો.
- શ્રીફળ પર કુમકુમ વડે તિલક લગાવીને અને સાથિયો દોરીને તેને કળશ પર સ્થાપિત કરવું.
- કળશની સ્થાપના એ રીતે કરવી કે જેથી પૂજા કે જાપ દરમિયાન આપનું મો ઉત્તર કે પૂર્વ દિશા તરફ રહે.
ઘટસ્થાપન માટે જરૂરી સામગ્રી
લાલ વસ્ત્ર, માટીનું પાત્ર, જવ, માટી, પાણી ભરેલો કળશ, નાડાછડી, ઇલાયચી, લવિંગ, કપૂર, આખા ચોખા, આખી સોપારી, સિક્કા, આસોપાલવ કે નાગરવેલના પાંચ પાન, શ્રીફળ, ચૂંદડી, કંકુ, ફૂલો, પુષ્પમાળા અને માતાજીનો શણગાર.
જો આ પૈકી કોઈ વસ્તુ ઉપલબ્ધ ન હોય તો મનમાં શંકા રાખવાની જરૂર નથી કારણ કે માતાજી તો ભાવના ભૂખ્યા છે. જો કઈં જ વસ્તુ લાવવા શક્ય નથી તો પણ નિરાશ ન થવું. આ જ વિધિથી માનસી પૂજા કરીને પણ મા ને પ્રસન્ન કરી શકાય છે.
જય અંબે…જય માતાજી