અને..સદાય શબ્દો વડે જીતતો/જીવતો આગંતુક શબ્દોને અર્થ આપવા મથે છે
સલાહ : આપે રાખો. ધારણ કરવાની કોઈ જરૂર નથી.
ધર્મ : જે આપણને સમજાય તે.
ભજન : ભલે અવાજ સારો ન હોય, પણ ગાજો જ, ફળ જરૂર મળશે.
કર્મ : ઓછું ભલે કરો પણ દાનતથી કરો દિલથી કરો.
કર્મ : ઊંઘવાનું કર્મ વધુ ન કરવું પડે એટલું કામ પોતાના માટે અવશ્ય શોધો.
જીવન : ઈશ્વરે આપેલી આ ગીતને ખૂબસૂરત અને આનંદથી જીવો, ઈશ્વરને આથી સારી રિટર્ન ગિફ્ટ નથી જોઈતી.
રામાયણ : રાવણનું અસ્તિત્વ હતું જ, ભરોસો ન હોય તો હાલના નેતાઓના ચરિત્ર જોઈ લેવા.
પ્રેમ : શું ? કેમ ? ક્યારે? કોના માટે ?કેવી રીતે ? પ્રેમ એટલે પ્રેમ બાકી કોઈ જવાબ નથી. પ્રેમ એટલે કૈક થઈ જવાની ઘટના, બસ.
પ્રેમ : આંખમાં આવતા આંસુ અને હૃદયની વેદનાને સહેવાની અને રોકવાની આવડત હોય તો જરૂર કરજો.
પ્રેમ : વારંવાર થઈ જતો હોય તો મનોચિકિત્સકની જરૂર મળો
પ્રેમ : અચાનક થઇ જવાની ઘટના.
પ્રેમ : છોકરીને જ નહીં તેના પપ્પાને પણ કન્વિસ કરતા શીખો.
આદર્શ જીવન : તમે બોલો તે શ્લોક, તમે ગાવ તે ભજન અને તમે આચરણ કરો તે જ ધર્મ બની રહે તેવું જીવન.
પરિવાર : જ્યાં ત્રણ પેઢી ભેગી એક છત નીચે સાથે રહેતી હોય તે જગ્યા.
ઘર : એવી જગ્યા જ્યાં તમારા બાળકો માટે જ નહીં, તમારા માબાપ માટે પણ જગ્યા હોય.
મન : વેદના મેળવવા જેવી હરકતો કરવાની સ્ક્રિપ્ટ જાતે જ પેદા કરતું નિરાકારી અસ્તિત્વ.
મન : મનમાં નહીં, મનથી જીવો
મહાભારત : અર્જુન અને કર્ણ જ નહીં એમાં એકલવ્ય અને અશ્વત્થામા જેવા વિદ્યાર્થીઓ પણ છે
અરીસો : હૃદયની ખૂબસૂરતી ન બતાવી શકતું સ્ત્રીઓને ખૂબ જ પ્રિય સાધન
ટીવી : આવડી મોટી વસ્તુ પર એક નાનકડા રિમોટ કંટ્રોલ તો જુઓ
ભક્તિ : જ્યાં છો જેમ છો, ત્યાંથી થઈ શકે.
ભગવાન : કણ-કણમાં કદાચ ના દેખાય પણ જણ જણમાં દેખાશે દ્રષ્ટિ કેળવજો.
ભગવાન : ભક્તના એકઝામીનર.
ભગવાન : જેને રહેવા માટે માણસના હૃદય ઉપરાંત મંદિર મસ્જિદ ગુરુદ્વારા અને ચર્ચ પણ જોઈએ.
અનિરુદ્ધ ઠકકર “આગંતુક”