વેલેન્ટાઈન ડે ને હજી વાર છે, પણ હમણાં મોકલીશ તો જ એને સમય પર મળશે. ગિફ્ટ તો પહેલા જ લાવી રાખ્યું હતું. બસ આ કાર્ડઝ લખી લઉં તો કાલે એક સાથે કુરિયર થઈ જાય. આ પહેલું વેલેન્ટાઈન ડે છે, કે હું અમિતથી દૂર છું. ડિલિવરી કરવા પિયરે બેંગ્લોર આવી છું અને અમિત મુંબઈમાં છે.
વેલેન્ટાઈન ડે અમારા માટે અતિશય ખાસ છે. અમે આ જ દિવસે પહેલી વાર મળ્યા હતા અને અમારા લગ્નની તારીખ પણ ૧૪ ફેબ્રુઆરી છે. હું અમિતના પ્રેમાળ શબ્દો ક્યારેય નહીં ભૂલું. એણે મને બાથમાં લઈને કહ્યું હતું,
“અમિતને એની મીઠી અમૃતા પ્રેમના દિવસે મળી. લગ્ન પણ વેલેન્ટાઈન ડે ના જ કરીશું, જેથી આ ખાસ દિવસ જીવન ભર અમૂલ્ય રહે.”
“દીકરી, હજી સૂતી નથી? આ અવસ્થામા વધારે આરામ કરવો જોઈએ.”
દાદી દૂધનો ગ્લાસ લઈને મારા રૂમમાં આવ્યા, ટેબલ પર ગ્લાસ મુક્યો અને મારા માથે હાથ ફેરવતા પૂછ્યું,
“આટલી મોડી રાતે શુ કરી રહી છે?”
“અમિત માટે કાર્ડઝ લખી રહી છું.”
દાદી હસી પડ્યા અને બેડ પર બેસતા બોલ્યા,
“આજના ડિજિટલ જમાનામાં હજી કાર્ડની પ્રથા ચાલુ છે?”
હું દાદી તરફ ફરી અને જવાબ આપ્યો.
“ઘણાય નહીં લખતા હોય, પણ મે અને અમિતે અમારી આ ટેવ જાળવી રાખી છે. લગ્ન થયા એ પહેલાં બે વર્ષ સુધી અમે એક બીજાને પત્ર અને કાર્ડઝ મોકલતા. એની મજા કઈંક જુદી જ છે. વારંવાર વાંચી શકાય અને પ્રેમનો એહસાસ થાય.”
હું મલકાય ગઈ અને દાદી એ સ્મિત કર્યું.
“ખૂબ સરસ. આ સાંભળીને હું ખુશ થઈ અમૃતા.”
દાદી ઉભા થઈને જવા લાવ્યા. મને એક વાત સુજી અને મે એમનો હાથ પકડી લીધો.
“મમ્મી-પપ્પા તો હજુ એ વેલેન્ટાઈન ડે મનાવે છે. તમે અને દાદાજી કેમ નથી મનાવતા?”
દાદી ઠંડો શ્વાસ લેતા ફરી બેસી ગયા.
“અમૃતા, લોકો વેલેન્ટાઈન ડેના શું કરે?”
“અ…. કાર્ડઝ આપે, ફૂલ આપે અને બેસીકલી પોતાના પ્રેમનો ઇઝહાર કરે.”
“દીકરી તારા માટે વેલેન્ટાઈન ડે એટલે ખાસ છે કે તું અમિતને એ દિવસે મળી અને તમારી એનિવર્સરી પણ છે.”
દાદીએ માથામાં પોતાના મોગરાના ગજરાને હાથ લગાડતા આગળ બોલ્યા,
“મારા માટે તો રોજ વેલેન્ટાઈન ડે છે. મારા લગ્નને પચાસ વર્ષ થઈ ગયા, અને એકેય દિવસ એવો નથી ગયો જ્યારે તારા દાદાજી મારા માટે મોગરાનો ગજરો ન લાવ્યા હોય. જૂનો પોતાના હાથેથી ઉતારીને મને નવો પહેરાવે.”
દાદાજી દાદી માટે રોજ ગજરો લાવે છે, એ મને ખબર હતી, પણ આ વાત આટલી નિયમિત અને એટલા વર્ષો જૂની હતી, એ સાંભળીને મને આશ્ચર્ય થયું.
“દાદી ખરેખર!! શું દાદાજી પચાસ વર્ષમાં ક્યારે નથી ભૂલ્યા?”
હવે મલકાવાનો વારો દાદીનો હતો.
“ના દીકરા. એક વાર ખૂબ વરસાદ હતો, એમને આવતા મોડું થયું અને મને ફિકર થવા લાગી. પછી ખબર પડી કે રોજ જ્યાંથી ગજરો લેતા હતા એ નહોતો, તો બીજે ક્યાંક આઘે લેવા ગયા.”
“So sweet દાદી! તમે કેટલા લકી છો. પણ દાદાજી જ્યારે બહારગામ જતા ત્યારે?”
“એક ફુલવાળો બંધાવ્યો હતો, તારા દાદાજી ન હોય ત્યારે એ ઘરે આવીને આપી જતો.”
“Oh My God!! પ્રેમ કરવાની ટિપ્સ તો દાદાજીથી લેવી પડશે.”
દાદી ઉભા થયા અને મારી પીઠ થાબડી.
“તું પણ તારા દાદાજી જેવી છો. તે આજના જમાનામાં પણ કાર્ડઝ મોકલવાનો સિલસિલો બનાવી રાખ્યો છે! અમુક જૂની ટેવ સારી હોય છે અને પરંપરાને જાળવી રાખવી, કદાચ આપણા ખાનદાનમાં વારસાગત છે.”
દાદી એ મારો ચહેરો પોતાના હાથમાં લીધો અને મને કપાળે ચુંબન કર્યું.
“સદા સુહાગન રહે અને ખુશ રહે. અને હવે સુઇજા, વધુ ન જાગતી.”
એટલું કહીને દાદી જતા રહ્યા.
મે ઊંડો શ્વાસ ભર્યો અને દરવાજા સામે જોતી રહી
“Good night dadi. God bless you and dadaji.”
શમીમ મર્ચન્ટ