લગ્નનાં 10 વર્ષ પછી પણ, મારી પત્ની ખાસ દિવસો ઉત્સાહથી ઉજવે અને એના કારણે મને પણ એ દિવસોનું ધ્યાન રાખવું પડે, નહીતર મારૂ આવી બને. આ વર્ષે હું વેલેન્ટાઈન ડે લગભગ ભૂલી જ ગયો હતો.
મારો આખા ગરમ મસાલાનો બિઝનેસ છે. એક મહિલા ગ્રાહકે એનો ઉલ્લેખ કર્યો તો મને યાદ આવ્યું. સાંજે ઘરે જતા પહેલા શેફાલી માટે કંઈક લેતો જઈશ, એ વિચારીને બેઠો. પણ ગ્રાહકોની અવરજવર એવી રહી, કે પત્નીની વેલેન્ટાઈન ગિફ્ટ ભુલાઈ ગઈ. દુકાન વધાવતી વખતે યાદ આવ્યું. હવે શું કરું, ઘણું મોડું થઈ ગયું હતું, બધી ગિફ્ટ શોપ્સ પણ બંધ થઈ ગઈ હતી.
જહાં ચાહ.. વહાં રાહ! એક અનોખો તુક્કો દિમાગમાં જન્મ્યો. મસાલાની બોટલ પર જે લેબલ લગાડવા પેપર વાપરું છું, એ લીધું. એને કાર્ડની જેમ વ્યવસ્થિત ફોલ્ડ કર્યું. અંદર મોટા અક્ષરોમાં મારો મેસેજ લખ્યો. મેસેજના આજુબાજુ ફેવિકોલ લગાડતો ગયો અને એના ઉપર, જાવંતરી, ઈલાયચી, તજના પત્તા, બાદીયા અને લવિંગથી સજાવટ કરી. એટલું સુગંધિત કાર્ડ બન્યું કે હું પોતે મોહી પડ્યો. બસ શેફાલીને કાર્ડ ગમવું જોઇયે.
પત્ની લાબું મૌન ધારણ કરે તો બીક લાગે. શેફાલી જ્યારે અમુક સેકેન્ડ્સ સુધી કાર્ડને જોતી રહી, તો મારું દિલ ફફડયું. ગમ્યું, કે મહેનત વ્યર્થ ગઈ? પણ પછી એક મુસ્કુરાહટની સાથે એ જે બોલી, મારુ દિલ બાગ બાગ થઈ ગયું.
“હેમંત, હું આ કાર્ડને ટ્રાન્સપેરેન્ટ પ્લાસ્ટિકમાં નાખી ને પાછળ એક મેગ્નેટ ચોંટાડી દઈશ, અને આપણા ફ્રીજ ઉપર મુકીશ, જેથી વારેઘડીએ જોઈ શકું.”
શમીમ મર્ચન્ટ