શું આજથી વર્ષો પહેલાં પ્રેમનું અસ્તિત્વ ન હતું? કારણ વેલેન્ટાઈન ડે ભારતમાં ન હતો. લૈલા-મજનું, હિર- રાંજા, શું આ અમર થઈ ગયેલા પ્રેમીઓ વેલેન્ટાઈન ડે ઉજવતાં? બિલકુલ નહીં, કારણ પ્રેમ કંઈ એક દિવસ ઉજવાય તેવો તહેવાર નથી પણ એક રોજ મહેસુસ કરાતી લાગણી છે.
લાગણી માટે કોઈ એક દિવસની વાટ જોવી જરૂરી નથી, જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો તમારે તમારી લાગણી પ્રકટ કરવી પડે તો તે પ્રેમ સાચો કહી જ ના શકાય કારણ પ્રેમનાં પારખાં ના હોય. આપણે વિદેશી સઁસ્કૃતિને અપનાવવાની ઘેલછામાં આપણી સઁસ્કૃતિ ભૂલતાં ગયાં છીએ અને એટલે જ આપણાં સંબધો વિદેશીઓ જેવા તકલાદી થતાં જાય છે.
ગયાં વર્ષે મારી દીકરીની સ્કૂલમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી જે ખરેખર મને ખુબજ ગમ્યું હતું. સ્કૂલમાં અમુક વિદ્યાર્થીઓનાં માતા-પિતાને બોલાવી માતા-પિતાનું સન્માન પોતાના જ બાળકોના હાથે કરાવ્યું. આ એક ખુબજ સુંદર ઉદાહરણ સ્કૂલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું. આ રીત દરેક જગ્યાએ થવી જોઈએ જેથી વેલેન્ટાઈન ડે ને નવું સ્વરૂપ આપી શકાય અને આપણી આવનારી પેઢીને આપણી સઁસ્કૃતિ શીખડાવી શકાય.
મનિષા સેજપાલ