આજે આ વડિલ દિન. વડિલોને અનેક રીતે સંબોધાય છે. દાદા – બાપા-બાપુ -અદા -grandpa – કાકા – વડિલ વગેરે વગેરે થી તે “ ડોહા” લગી ! જેવો તમારો સંબંધ , જેવો તમારો મૂડ.
કોઇને થાય કે આવા કોઇ સંબોધનની શરુઆત ક્યારથી થાય ? એનો “ દેખીતો જવાબ “ છે ધોળા વાળ સાથે. આ પહેલી કુદરતી નિશાની છે.
કથા કહે છે કે દશરથરાજાને પોતાના માથે પહેલો સફેદ વાળ દેખાયો કે એમણે રાજગાદી રામને આપી દેવાનું નક્કી કર્યું. જોકે આ નિર્ણય કપરો છે. આજે તો એ શક્ય નથી. છોકરાંઓને ગાદી કે વહુવારુને ચાવી સોંપવાનો નિર્ણય કરવો મુશ્કેલ છે.એટલે ધોળા વાળને કાળા રંગવાની સગવડ આવી ગઇ. અને હવે તો જાતભાતના રંગ કરીને ઉંમર છૂપાવી શકાય છે.
હાથમાં લાકડી એ પણ એક ઓળખ હતી. પણ એ રાખવાનું ન ગમતું હોય એવા વડિલોય ખૂબ છે, પડે આખડે તોય ! કેટલાકને તો મદદરુપ થવા જાવ તો ગુસ્સોય થાય. તો કોઇ વળે સમય સંજોગ સ્વીકારીને આત્મનિર્ભર રહેતા હોય છે કે જે આવી મદદની સવિનય ના પાડે. જેમને માટે એ રોજીંદા જીવનનો ભાગ હોય એ ક્યારેક લાચારી અને કડવાશનું મિશ્રણ વ્યક્ત કરે, તો કોઇક આનંદથી કે પરાણે સ્વીકારનું.
ધોળા વાળ વહેતા સમયનું અને લાકડી વધતી વયનું પ્રતીક છે.અને એનો અસ્વીકાર કરનારા વડિલો “ દિલસે જવાન “ હોવાનો દાવો કરતા રહે છે.
ક્યાંક પરાણે ઘરડાઘરમાં રહેતા , ક્યાંક વળી સગવડપૂર્ણ old age homeમાં રહેતા વડિલ જીવનની ઢળતી સાંજે એકલતા ને ઉદાસી અનુભવતા હોય કે આનંદ ઉમંગ માણવાના આયોજન પણ કરતા હોય. એક સત્ય સ્વીકારો કે ન સ્વીકારો વડિલને મોટી વયે એકલતા પીડે છે.સંતાનોને એમના સંજોગ હોય – સાચા કે ખોટા – અને વડિલને પણ સંતાનો સાથે ફાવતું હોય કે ન ફાવતું હોય, વડિલો પ્રગટ કે અપ્રગટ એકલતાનું દુઃખ અનુભવતા હોય છે.
વડિલને પીડતી વ્યથામાં સ્વાસ્થ્યની મર્યાદા તો હોય જ, પણ એથીય મોટી પીડા સંગાથની છે. ક્યારેક સંતાનો પાસે ન હોય પણ જીવનસાથી હોય , ક્યારેક સંતાનો પાસે હોય પણ જીવનસાથી સાથે નહોય. ક્યારેક વળી કોઇ ન હોય. આ બધા જ કિસ્સામાં એકલતા જ સૌથી વધુ પીડે છે.
વધતી વય અને વહેતા સમય સાથે “ સ્વીકાર સાથે સમાધાન” જ ઉત્તમ.
– તુષાર શુક્લ