રેડિયોની શોધ કઈ રીતે થઈ તેની રોચક વાત જણાવું તો, 1880માં ઈટલીના એક વૈજ્ઞાનિક ગીએર્મો મારકોનીએ ઈલેટ્રોમેગ્નેટિક તરંગોની શોધ કરી, 1890માં વાયરલેસ ટેલિગ્રાફની શોધ થઈ, આ બંનેની મદદથી પહેલો રેડિયો સંદેશ 1900માં ઈંગ્લેંડથી અમેરિકા મોકલવામાં આવ્યો હતો પરંતુ આ વ્યક્તિગત સંદેશ હતો. એક સાથે એકથી વધુ વ્યક્તિઓને સંદેશા મોકલવા અથવા પ્રસારણની શરૂઆત 1906માં શરૂ થઈ હતી. કેનેડાના વૈજ્ઞાનિક રેગિનાલ્ડ ફેસેન્ડને 24 ડિસેમ્બર 1906ના રોજ પ્રથમ રેડિયો પ્રસારણ દ્વારા સંદેશા મોકલીને રેડિયો શરૂ કર્યો હતો. એક સાંજે ફેસેન્ડેને જ્યારે પોતાનું વાયોલિન વગાડ્યું ત્યારે એટલાન્ટિક મહાસાગરમાં તરતાં તમામ જહાજોના રેડિયો ઓપરેટરોએ વાયોલિનના સૂર પોતાના રેડિયો સેટ પર સાંભળ્યા હતા. મારકોની અને રેગિનાલ્ડના આ સફળ પ્રયોગ પછી રેડિયો પ્રસારણના ક્રાંતિકારી પ્રયોગો શરૂ થયા. સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે નૌસેનામાં રેડિયોનો ઉપયોગ થવાનો શરૂ થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બિન-લશ્કરી દળો દ્વારા રેડિયોનો ઉપયોગ થતો હતો, જેની પર પાછળથી પ્રતિબંધ મૂકાઈ ગયો હતો. વિશ્વનું પ્રથમ રેડિયોસ્ટેશન 1918માં લી ધ ફોરેસ્ટ દ્વારા ન્યૂયોર્કના હાઈબ્રિજ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું હતું, પણ બાદમાં પોલીસે તેને પણ ગેરકાયદે જાહેર કરીને બંધ કરાવી દીધું હતું. નવેમ્બર 1920માં નૌસેનાના રેડિયો વિભાગમાં કામ કરી ચૂકેલા ફ્રેન્ક કોનાર્ડને વિશ્વમાં પ્રથમ વખત રેડિયો સ્ટેશન શરૂ કરવાની કાયદેસર મંજૂરી આપવામાં આવી હતી અને આ રીતે રેડિયો પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી હોય તેવો દુનિયાનો પહેલો વ્યક્તિ ફ્રેક કોનાર્ડ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં. તેની કાનૂની શરૂઆત પછી 1923માં વિશ્વમાં પ્રથમવાર રેડિયો પર જાહેરાત શરૂ થઈ. બ્રિટેનમાં બીબીસી અને એમરિકામાં સીબીએસ અને એનબીસી જેવા સરકારી રેડિયોસ્ટેશનની શરૂઆત થઈ. એ સમયમાં રેડિયો રાખવા માટે 10 રૂપિયામાં લાઈસન્સ ખરીદવું પડતું હતું, પછીથી રેડિયો રાખવા માટેના લાઈસન્સ રદ કરવામાં આવ્યા હતા. જોતજોતામાં રેડિયો સંદેશાવ્યવહારનું ખૂબ વિશાળ અને શક્તિશાળી માધ્યમ બની ગયું હતું. યુનાઈટેડ નેશન ઓર્ગેનાઈઝેશન – સંયુક્ત રાષ્ટ્રમાં 13 ફેબ્રુઆરી 1946થી રેડિયો પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું, 2012થી આ દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.
▶️ આપણા દેશમાં રેડિયો પ્રસારણનો ઈતિહાસ 100 વર્ષ જૂનો છે. આજથી સો વર્ષ અગાઉ ભારતની અંદર જૂન 1923માં બોમ્બે રેડિયો ક્લબ દ્વારા રેડિયો ક્લબ ઓફ બોમ્બે નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસારણ કેન્દ્ર શરૂ થયું હતું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં કલકત્તા રેડિયો ક્લબની સ્થાપના થઈ હતી. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. 1926માં ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની (આઈબીસી)ને બે રેડિયો સ્ટેશન ખોલવાની મંજૂરી મળી હતી. એ સમયે રેડિયો શ્રોતાઓની સંખ્યા માત્ર 3000 હતી. 23 જુલાઈ 1927ના રોજ ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની વિધિવત શરૂઆત થઈ હતી જે ત્રણ વર્ષ બાદ ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવામાં રૂપાંતરિત થઈ હતી. આ કંપની ફડચામાં જતા 1 એપ્રિલ 1930માં પ્રસારણ સેવાની જવાબદારી સરકારે પોતાના હાથમાં લીધી અને ઈન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસની શરૂઆત કરી હતી. 1936માં તેનું નામ બદલીને ઓલ ઈન્ડિયા રેડિયો કરી દેવાયું હતું. 1947માં ભારત આઝાદ થયું ત્યારે ઓલ ઈન્ડિયા રેડિયોના છ સ્ટેશન – દિલ્હી, બોમ્બે, કલકત્તા, મદ્રાસ, લખનઉ અને ત્રિચીમાં કાર્યરત હતાં. પેશાવર, લાહોર અને ઢાંકા રેડિયો સ્ટેશન પાકિસ્તાનને મળ્યા હતા. 1956માં ઓલ ઈન્ડિયા રેડિયોને આકાશવાણી નામ અપાયું હતું. ઓક્ટોબર 1957માં રેડિયો સિલોનને ટક્કર આપવા વિવિધભારતી પ્રસારણ સેવાની શરૂઆત કરાઈ હતી. એફએમ રેડિયોનું પ્રથમ પ્રસારણ 1977માં મદ્રાસમાંથી કરવામાં આવ્યું હતું. 1990માં પ્રસારભારતી બીલ પસાર થયું હતું, તેનો અમલ 1997માં શરૂ થયો હતો. 1995માં પ્રાઈવેટ એફ.એમ. સ્ટેશનને મંજૂરી મળી હતી. આકાશવાણી એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે, આકાશીય અવાજ, આકાશમાંથી આવતો અવાજ અથવા આકાશમાંથી થતી વાણી. ભારતમાં 1935માં આકાશવાણીનું આગમન થયું હતું. સપ્ટેમ્બર 1935માં મૈસૂર કેન્દ્ર પરથી ડો. એમ.બી. ગોપાલાસ્વામીએ આકાશવાણી નામનું ખાનગી રેડિયોસ્ટેશન શરૂ કર્યું હતું. જોકે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી હતી. એક નોંધ અનુસાર ભારતમાં રેડિયો પ્રસારણની શરૂઆત તો ઈન્ડિયન સ્ટેટ્સ એન્ડ ઈસ્ટર્ન એજન્સી લિ. દ્વારા 1922માં તત્કાલીન હિંદ સરકારને પ્રસારણ સેવા શરૂ કરવા જણાવાયું ત્યારથી થઈ હતી.
▶️ રેડિયો ગુજરાતમાં અને ગુજરાતી રેડિયોમાં ક્યારે આવ્યું તો, મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતી ભાષાના કાર્યક્રમો 1933થી રજૂ થવા માંડ્યા હતા. વડોદરા બ્રોડકાસ્ટિંગ કંપનીની શરૂઆત 1939થી થઈ હતી. એટલે કે ભારતમાં રેડિયોના આગમન સાથે જ તેમાં ગુજરાત અને ગુજરાતી ભાષાને સ્થાન મળવાનું તરત જ શરૂ થઈ ચૂક્યું હતું. જેમ ગુજરાતી પત્રકારત્વમાં પ્રથમ અખબારની શરૂઆત મુંબઈથી થઈ હતી તેમ ગુજરાતી પત્રકારત્વમાં પ્રથમ રેડિયો કાર્યક્રમની શરૂઆત પણ મુંબઈથી થઈ હતી. આજથી સો વર્ષ અગાઉ રેડિયોની શોધ અને આગમનથી સંચાર ક્ષેત્રમાં ક્રાંતિ સર્જાઈ ગઈ હતી. ટૂંક સમયમાં જ ખેડૂતો, સૈનિકો, કામદારો, ગ્રામજનો, મહિલાઓ, બાળકો અને યુવાનો માટેના વિશેષ કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થવા લાગ્યા હતા. ગુજરાતમાં રેડિયો સ્ટેશનની સ્થાપના બાદ રેડિયો પર ગુજરાતીમાં સમાચાર, લોકગીત અને સંગીતના કાર્યક્રમો, મુલાકાત અને ચર્ચાઓ આવતી હતી. રેડિયો પર તાજા સમાચાર સાંભળી પત્રકારો એ સમાચાર અખબારમાં લખાતા હતા. રેડિયો સરળતાથી સર્વત્ર સમાચાર આપવાનું અને મેળવવાનું અગત્યનું માધ્યમ બન્યો. આઝાદી બાદના અમુક વર્ષોમાં જ એન્ટરટેઈનમેન્ટ, એજ્યુકેશન અને ઈન્ફોર્મેશન આપવાના મામલામાં અખબાર કરતા રેડિયો આગળ નીકળી ગયો હતો. રેડિયો કામ કરતા કરતા પણ સમૂહમાં સાંભળી શકાતો હતો, અખબાર વાંચવાના મામલામાં એ શક્ય નહતું. વળી અખબાર કરતા તેમાં મનોરંજનની માત્રા અનેકગણી વધુ હતી. ગુજરાતી પત્રકારત્વમાં સમય અને સ્થળની મર્યાદા સાથે બહાર પડતા અખબારોની વચ્ચે રેડિયોએ પોતાની ઓળખ વિશ્વસનીય મનોરંજક માહિતીઓના ખજાના તરીકે બનાવી લીધી હતી. 1960ના દસક બાદ રેડિયોનો વિકાસ અને આકાશવાણી સાથે વિવિધભારતીની લોકપ્રિયતા વધતી ગઈ હતી. અંગ્રેજોના શાસન દરમ્યાન રેડિયો સાંભળવા લાયસન્સ પ્રથા શરૂ કરાઈ ત્યારે ગોંડલ એકમાત્ર સ્ટેટ હતું જ્યાં રેડિયો સાંભળવા માટેના લાયસન્સ પર કોઇપણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવતો નહોંતો. આ ઘટના અંગે ગોંડલના રાજવી પરિવારના સેક્રેટરી ભાવેશ રાધનપુરા VTV સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે, ગોંડલના રાજવી સર ભગવતસિંહજીએ અંગ્રેજો સમક્ષ દરખાસ્ત મૂકી હતી કે મારું રાજ્ય સંપૂર્ણ ટેક્સ ફ્રી રાજ છે તો રેડિયો સાંભળવા માટે પણ પ્રજા ટેક્સ ન ચૂકવે અને તેમ છતાં જો આપ આ દરખાસ્ત સાથે સહમત ન હોય તો મારા રાજ પરથી રેડિયોના તરંગો પસાર કરવાનું અટકાવી દો.
અંતે રાજવીની આ રજૂઆત સામે અંગ્રેજ સરકાર ઝૂકી હતી અને ગોંડલ સ્ટેટની જનતાને આ ટેક્સમાંથી મુક્તી આપી હતી. અખબારો, સામયિકો, ટી.વી. મોબાઈલ, કોમ્પ્યુટરની સાથે રેડિયોનો ઉપયોગ કરતો હોય તેવો પણ એક વર્ગ આજે જીવંત છે, આ વર્ગ દિવાળીબેન ભીલ, હેમુભાઈ ગઢવી બચુભાઈ ગઢવીના પ્રભાતિયા અને જસદેવસિંહ અને સુશીલ દોશીની ક્રિકેટ કોમેન્ટરીને ભૂલ્યો નથી. હજુ પણ યાદ છે દેવકી નંદન પાંડેના મુખ્ય સમાચાર, અમીન સયાનીનો બિનાકા ગીતમાલા કાર્યક્રમ અને એ ઝુમરીતલૈયા, રાજનંદ, ભાટાપાર, ધમતરી, રાયબરેલી, ભોપાલ, જબલપુરના શ્રોતાગણની ફરમાઈશ.. જાને કહાં ગયે વો દિન.. ચાહેંગે તુમકો ઉમ્રભર.. તુમકો ના ભૂલ પાયેંગે.
~ દેસાઈ માનસી