દર વર્ષની ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન ઉજવવામાં આવે છે. 1999માં સૌપ્રથમ યુનેસ્કો દ્વારા માતૃભાષા દિન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિને સન્માન આપવાનો અને માતૃભાષાના મહત્વને જાળવી રાખવાનો હતો. વિદેશી ભાષાના ગાંડપણમાં આવનાર પેઢી પોતાની માતૃભાષાને ભૂલી ન જાય, તેનાથી વંચિત ન રહી જાય કે તેના તિરસ્કાર દ્વારા માતૃભાષાના ગૌરવ ગરિમા જાળવવામાં નિષ્ફળ ન જાય તેની ચિંતા આવા દિન ઉજવવા પાછળ કાર્યરત છે. ભાષાનો પણ આવનાર પેઢીને વારસો મળતો હોય છે પરંતુ કદાચ અજ્ઞાનવશ વિદેશી બાબતોની ઘેલછામાં માતૃભાષાનું જતન અને સંરક્ષણ કરવાનું આપણે ભૂલી ગયા હોય એવું લાગે છે. જે વાસ્તવમાં આપણું પ્રથમ નૈતિક કર્તવ્ય છે. આવા મૂળભૂત કર્તવ્યને યાદ કરાવવા માટે માતૃભાષા દિનની ઉજવણી અનિવાર્ય લાગે છે. શરત માત્ર એટલી છે કે ઉજવણી શાબ્દિક કે ઔપચારિક ન રહેતા ઊંડી અને ગહન બનવી જોઈએ, આચરણમાં આવવી જોઈએ તો જ ઉજવણીનો ઉમદા ઉદેશ્ય સિધ્ધ થયો કહેવાય.
માતૃભાષા એટલે એવી ભાષા જેના પર માતા જેવો ભાવ જન્મે. જે ભાષા માતા સમાન પોતાની લાગે, આત્મીય લાગે, જેને સમજવામાં વિશેષ મુશ્કેલી ન પડે તેને માતૃભાષા કહેવાય. એ તો સર્વવિદિત છે કે બાળક પોતાની માતાને સરળતાથી સહજતાથી વિના મુશ્કેલીએ ઓળખી લેતો હોય છે. માતા શબ્દો દ્વારા કઈ બોલે નહીં તોપણ તેના ચહેરા પરથી બાળકને ખબર પડી જાય કે માતા ગુસ્સે છે, ખુશ છે, નારાજ છે, દુઃખી છે, શાંત છે કે અશાંત છે. એ જ રીતે માતૃભાષાને સમજવામાં બાળકને બિલકુલ મુશ્કેલી પડતી નથી કેમ કે બાળક માતાના ગર્ભમાંથી જ રોજ માતા દ્વારા બોલાતી ભાષા શીખતો થઈ જાય છે એથી જ તેને માતાની ભાષા એટલે કે માતૃભાષા તરીકે ઓળખવામાં આવે છે. બાળકનો પ્રથમ સંબંધ માતા અને માતૃભાષા સાથે જ બંધાય છે જેથી તેના પર તેની આત્મીયતા વિશેષ રહે છે. માતા અને માતૃભાષા બંને બાળકને ખૂબ પોતાના આત્મીય સરળ અને સહજ લાગે છે.
અન્યની માતા ગમે તેટલી સુંદર હોય, આકર્ષક હોય, પ્રભાવી હોય તેને માન ચોક્કસ આપી શકાય, પસંદ પણ કરી શકાય, એનાથી પ્રભાવિત પણ થઈ શકાય પરંતુ સાચો નિસ્વાર્થ પ્રેમ લાગણી અને સ્નેહ તો પોતાની માતા પાસેથી મળે અને માતાને જ આપી શકાય. વળી અન્યની માતાને પ્રેમ કે આદર આપો અને પોતાની માતાનો તિરસ્કાર કરો એ તો કોઈ રીતે યોગ્ય ન જ ગણાય. આજના આધુનિક યુગમાં કમનસીબે એ જ થઈ રહ્યું છે. વિદેશી ભાષાના પાગલપનમાં આપણે આપણી માતા સમાન માતૃભાષાને ભૂલતા જઈએ છીએ, જાણે-અજાણે આપણા દ્વારા તેનો તિરસ્કાર થાય છે, માતૃભાષાનું સન્માન જળવાતું નથી કેમકે વિદેશી ભાષા (અંગ્રેજી)ને આપણે પ્રતિષ્ઠાનું માધ્યમ બનાવી દીધું છે. જે કોઈ રીતે યોગ્ય નથી. આપણે અંગ્રેજીને એક ભાષા તરીકે નહીં પરંતુ વિશિષ્ટ બુદ્ધિમત્તા કે પ્રતિષ્ઠા તરીકે જોઈએ છીએ. લોકોને પ્રભાવિત કરવા, પોતે બીજાથી અલગ ઉત્તમ અને અંગ્રેજીનો જાણકાર છે તે બતાવવા લોકો બિનજરૂરી અંગ્રેજીનો ઉપયોગ કરે છે. ભાષા સંવાદનું માધ્યમ છે તેને સ્ટેટસ સાથે કોઇ સંબંધ ન જ હોઈ શકે. મેં ઘણા ગુજરાતી પરિવારના સભ્યોને એમ કહેતા સાંભળ્યા છે કે મને અને મારા બાળકોને ગુજરાતી નથી આવડતું અને એવું તેઓ સંપૂર્ણ ગર્વ સાથે કહે છે. મને થાય કે ગુજરાતી તરીકે ગુજરાતી ન આવડવું એ ગર્વની વાત છે કે શરમની વાત છે?
આજે વિશ્વમાં અનેક એવા દેશો છે કે જ્યાં ૯૦ ટકાથી વધુ લોકો અંગ્રેજી ભાષાના જાણકાર નથી જેમ કે જાપાન, ચાઇના, જર્મની વગેરે તેમ છતાં આજે વિકાસની હરણફાળમાં તેમને કોઈ પછાડી શકે તેમ નથી. એ જ દર્શાવે છે કે સફળતા, વિકાસ, પ્રગતિ કે પ્રતિષ્ઠા માટે ભાષાની મહત્તા નથી. જાપાન અને ચીન જેવા દેશો ટેકનોલોજી અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ છે જ્યાં માત્ર માતૃભાષાનું મહત્વ છે. માતૃત્વની કદર ન કરનાર વ્યક્તિ કે સમાજની પ્રગતિ કે કલ્યાણ અશક્ય છે. અનેક ખ્યાતનામ વ્યક્તિ વિશેષ કે જેવો નોબલ પ્રાઇઝ જેવા અમૂલ્ય એવોર્ડ જીત્યા છે જેમકે અર્થશાસ્ત્રમાં અમર્ત્ય સેન ઉપરાંત અનેક મહાનુભાવો જેવા કે ગાંધીજી, અબ્દુલ કલામ, રવીન્દ્રનાથ ટાગોર વગેરે બધા માતૃભાષામાં ભણેલા. આમ સફળતાનો સંબંધ ભાષા સાથે નહીં જ્ઞાન અને બુદ્ધિ સાથે છે.
મેં ક્યારેય કોઈ કુટુંબને પોતાના ખૂબ અંગત લોકો કે જેની સાથે આત્મીય સંબંધ હોય તેને અન્ય કોઈ વિદેશી ભાષામાં વાત કરતા જોયા નથી. બંગાળી વ્યક્તિ ઘરમાં બંગાળી જ બોલે છે, પંજાબી વ્યક્તિ ઘરમાં પંજાબી બોલવાનું પસંદ કરે છે, ગુજરાતી પોતાના સંબંધીઓ સાથે ગુજરાતીમાં વાત કરે છે કેમ કે આત્મીયતાના દર્શન માતૃભાષા દ્વારા જ થાય છે. એટલે તો આપણે ઘરમાં અંગ્રેજી બોલવાને બદલે માતૃભાષાનો ઉપયોગ કરીએ છીએ.
અનેક અભ્યાસ જણાવે છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ વિષય જેટલી સરળતાથી માતૃભાષામાં સમજાય છે એટલો અન્ય કોઈ ભાષામાં સમજાતો નથી. મારી 25 વર્ષની પ્રોફેસર તરીકેની કારકિર્દીમાં મેં સતત અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યુ છે. પરંતુ મારો અવિરત એ અનુભવ રહ્યો છે કે વિદ્યાર્થીને દરેક વિષય અંગ્રેજી કરતાં વધુ ઝડપથી પોતાની માતૃભાષામાં સમજાય છે. અમે ૫૫ મિનિટના લેકચરમાં 45 મિનિટ અંગ્રેજીમાં ભણાવ્યા બાદ છેલ્લે દસ મિનિટ વિદ્યાર્થીઓના હિતમાં જ્યારે સમગ્ર લેક્ચરની ગુજરાતી કે હિન્દીમાં સમરી કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ એટેંટિવ બની જાય છે, તેમનો રસ વધે છે અને વિષય તેમને સરળતાથી સમજાય છે. જે પરિણામ લેક્ચરની 45 મિનિટ નથી આપી શકતી તે છેલ્લી દસ મિનિટમાં માતૃભાષાને કારણે સરળ બની જાય છે.
આપણા ત્યાં ત્રણ ભાષાઓનું ચલણ છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. ઘર અને સ્કૂલની ભાષા જ્યારે જુદી પડે છે ત્યારે બાળક મુંઝાય છે, તેનામાં લઘુતાગ્રંથિ અને હતાશા આવે છે, તેનો બૌદ્ધિક વિકાસ રૂંધાય છે. મારી બહેન છેલ્લા 15 વર્ષથી U.S.માં રહે છે, તેના બંને બાળકોને જ્યારે કે.જી.માં ભણવા મૂકવામાં આવ્યા ત્યારે ઘરમાં ગુજરાતી વાતાવરણને કારણે બાળકોને શરૂઆતમાં અંગ્રેજી સ્કૂલમાં મુશ્કેલી અનુભવાતી. જેના કારણે બાળકોને સ્કૂલ જવા તરફ પણ અણગમો વધતો. તેઓ સ્કૂલના શિક્ષક સાથે ગુજરાતીમાં બોલતા જે ત્યાંના અંગ્રેજી માતૃભાષા ધરાવતા શિક્ષકોને સમજાતું નહીં. જેના કારણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવાદ મુશ્કેલ બનતો અને શિક્ષણ ધાર્યું પરિણામ આપી શકતું નહીં. વિષયની ઊંડી સમજણ, ગ્રહણશક્તિની સક્રિયતા, સંશોધન અને વિકાસ માતૃભાષા પર આધારિત છે. કોઈ વિષયની ઊંડી સમજણ ખૂબ સરળ અને સહજતાથી માતૃભાષા દ્વારા પ્રાપ્ત થાય છે જે દ્વારા વિદ્યાર્થીઓનું નોલેજ વધે છે અને એ નોલેજનો તેઓ સંશોધન અર્થે ઉમદા ઉપયોગ કરી શકે છે એ દૃષ્ટિએ માતૃભાષા અને સંશોધન વચ્ચે ગહન સંબંધ રહેલો છે એમ અવશ્ય કહી શકાય. આપણાં ત્યાં સંશોધન ક્ષેત્રે નિષ્ક્રિયતા પાછળ કદાચ માતૃભાષાનો તિરસ્કાર જવાબદાર હોય શકે.
અંગ્રેજી ભાષા આધુનિક સમાજની જરૂરિયાત બની ગઈ છે કેમ કે તે એક બિઝનેસ લેંગ્વેજ છે. એટલે અંગ્રેજી આવડવી જરૂરી છે પરંતુ તેનો વિવેક અનિવાર્ય છે. મોરારીબાપુની એક વાત મને યાદ આવે છે તેઓના મતે અંગ્રેજી કામની ભાષા છે જેથી તેની પાસે કામવાળીની જેમ કામ લેવાય પરંતુ ગૃહિણીનું સ્થાન કે માનપાન ન અપાય. અંગ્રેજીનો બિઝનેસ લેંગ્વેજ તરીકે વેપાર પૂરતો મર્યાદિત ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી પરંતુ અંગ્રેજી ભાષા પાછળની ઘેલછા જો માતૃભાષાનું ગૌરવ ન જાળવી શકતી હોય તો તે ચોક્કસ ધૃણાજન્ય કહેવાય. આજકાલ ગુજરાતી ન આવડવાનું ગૌરવ અને અંગ્રેજી ન આવડવાની શરમ મને તો અસહ્ય લાગે છે. અંગ્રેજી એક ગેસ્ટ લેંગ્વેજ છે જ્યારે માતૃભાષા એક બેસ્ટ લેંગ્વેજ છે એ તો સમજવું જ રહ્યું. ચંદ્રકાંત બક્ષી જણાવે છે કે જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકોને પ્રથમ કક્કો બારાખડી માતૃભાષા સિવાયની ભાષામાં શીખવતી નથી કેમ કે સફળતાનો સંબંધ ભાષા સાથે નહીં જ્ઞાન અને બુદ્ધિ સાથે છે. વિદેશી ભાષા બારી સમાન છે જ્યારે માતૃભાષા દરવાજા સમાન છે. બહાર ડોકિયું કરવા પૂરતો બારીનો ઉપયોગ અવશ્ય થઈ શકે પરંતુ આવન-જાવન માટે તો દરવાજો જ ઉપયોગી છે એ ન ભૂલવું જોઈએ.
સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીના કેરોલ બેન્સંનનો એક અભ્યાસ “the importance of mother tongue – based schooling for educational quality” ના તારણો ખૂબ રસપ્રદ અને સમજવા જેવા છે જે નીચે મુજબ છે.
૧) માતૃભાષામાં ભણનાર અન્ય ભાષા ઝડપથી શીખી શકે છે.
૨) માતૃભાષામાં અભ્યાસ કરનાર દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લે છે.
૩) વાલીઓ માતૃભાષાની શાળામાં સંવાદમાં સગવડતા અનુભવે છે.
૪) dropout કેસની સંખ્યા ઘટે છે.
૫) પ્રશ્નોના જવાબ આપવાની વિધ્યાર્થીઓની હિંમત ખુલે છે.
માતૃભાષામાં ભણતરના અનેક બીજા લાભો પણ છે જેમકે વિદ્યાર્થીની જ્ઞાનપ્રાપ્તિની ઝડપ વધે છે. ભાષા સાથે બાળકની ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ જોડાયેલી છે. દિલના ભાવો રુદન, ક્રોધ, સ્વપ્ન લાગણી વગેરે માતૃભાષામાં જ પ્રદર્શિત થાય છે. ભણતરનું માધ્યમ અને બૌદ્ધિક વિકાસને ઊંડો સંબંધ છે. માનવમગજરૂપી કમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે. વિદેશી ભાષામાં ભણવામાં મગજ પર બેવડો બોજ પડે છે. પહેલા મગજ શબ્દનું પોતાની માતૃભાષામાં ભાષાંતર કરે છે અને પછી વિષયવસ્તુને સમજવાનો પ્રયત્ન કરે છે. જેના કારણે મગજ પર બેવડો બોજ પડવા સાથે સમય અને શક્તિનો પણ વ્યય થાય છે.
અંગ્રેજી માધ્યમનું ભણતર એટલે બાળકોનું લઘુતાગ્રંથિથી પીડાવું અને મા-બાપનું ગુરુતાગ્રંથીથી પીડાવું. ભાષા અધ્યયન ક્ષેત્રે કાર્યરત સ્ટેવિકના મત અનુસાર ભાષા અધ્યયન પર અનેક પરિબળોની ગહન અસર થાય છે. જે તમામને ત્રણ વિભાગમાં વહેંચી શકાય ભૌતિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક. ભૌતિક પરિબળોમાં સ્વાસ્થ્ય, શારીરિક ખોડખાપણ, જાતિ અને ઉંમરનો સમાવેશ થાય છે. મનોવૈજ્ઞાનિક પરિબળોમાં બુદ્ધિ, ધ્યાન, યોગ્યતા, હેતુ, ઈરાદો અને રસનો સમાવેશ થાય છે. સામાજિક પરિબળોમાં ઘર-પરિવાર, મિત્રવર્તુળ, શાળા, ચેટિંગ ગ્રુપ, સમૂહ માધ્યમ અને સામાજિક પ્રસંગોનો સમાવેશ થાય છે.
ટૂંકમાં “કેમ છો” કહેવામાં જે આત્મીયતા અને આનંદ અનુભવાય છે તે how are you” કહેવામાં ક્યારેય અનુભવી શકાતો નથી. આત્મીયતાનું આ વિશેષ લક્ષણ માત્ર માતૃભાષા સાથે જોડાયેલું છે એટલે જ કદાચ વ્યક્તિને સ્વપ્ના હંમેશા માતૃભાષામાં આવે છે અને ગુસ્સો પણ માતૃભાષામાં જ વ્યક્ત થતો હોય છે કેમ કે હૃદયની ભાષા માતૃભાષા જ છે. માતા સમાન તમામ ગુણો માતૃભાષામાં હોવાને કારણે જ તેને માતાની ભાષા “માતૃભાષા” તરીકે ઓળખવામાં આવે છે. હવે એ તો આપણે નક્કી કરવાનું કે આપણે માતાને કેટલો પ્રેમ કરવો? કારણકે પ્રેમ કરવાની સ્વતંત્રતા દરેક વ્યક્તિને જન્મજાત પ્રાપ્ય છે. જરૂર છે માત્ર વિવેક અને સંસ્કારની કે જેના દ્વારા સમજી શકાય શું યોગ્ય છે અને શું અયોગ્ય. વિશ્વ માતૃભાષા દિને માતા સમાન માતૃભાષાનું આપણે ગૌરવ કરીએ અને તેનું સન્માન જાળવીએ એ જ અભ્યર્થના.
~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ