લખવામાં, બોલવામાં ભલે નાનું કાવ્ય છે
‘મા’ શબ્દ આખી સૃષ્ટિની મમતાનું કાવ્ય છે
લય, છંદ, પ્રાસ એમાં બધું જાતે આવી જાય
હાલરડું ‘મા’નું નોખી જ શ્રદ્ધાનું કાવ્ય છે
આસ્વાદ કે ન કોઈ અનુવાદ એનો થાય
માતાનું વ્હાલ આગવી ભાષાનું કાવ્ય છે
આખું જીવન એ બાળકને આપે છે ઉજાશ
‘મા’ ની બે આંખ ચાંદ સિતારાનું કાવ્ય છે
સરખી જ ભાષા રાખે છે દુઃખમાં કે સુખમાં
બંને પ્રસંગે આંસુઓ એ ‘મા’નું કાવ્ય છે
સંદીપ પૂજારા