મોહન અનુરાગ સરના લોકરમાં પડેલા રોકડના બંડલ ના બંડલને જોતો રહી ગયો. તેની ભમર માત્ર આશ્ચર્યમાં જ નહીં, પણ ગુસ્સા અને નિરાશામાં ઉપર ચડી ગઈ. આટલી મોટી રકમ જોઈને તેના માલિક સાથેની વાતચીતની કડવી યાદ તાજી થઈ ગઈ. આ ઘટના માત્ર ચાર દિવસ પહેલા જ બની હતી.
“મોહન, તું છેલ્લા દસ વર્ષથી અમારી સાથે કામ કરી રહ્યો છે; તું સારી રીતે જાણે છે, કે હું તને મારા પોતાના દીકરાની જેમ પ્રેમ કરું છું અને તારા પર વિશ્વાસ કરું છું. અમે તને ક્યારેય ફકત અમારા ડ્રાઇવર તરીકે નથી માન્યો. મને ખબર છે, કે તારી ૫૦,૦૦૦/- રૂપિયાની જરૂરિયાત ઉચિત છે, પરંતુ અત્યારે મારી પાસે પૈસા નથી. એક મહિનો રોકાઈ જા, હું તને ત્રીસ દિવસ પછી આટલી મોટી રકમ આપી શકીશ.”
અનુરાગ સર પાસે પૈસા નહોતા, તો પછી આ શું હતું? તિજોરીમાંનો માલ દસ લાખથી વધુનો લાગતો હતો!!
મોહન ખુલ્લી સેફની સામે એટલે ઉભો હતો, કારણ કે અનુરાગે તેને ત્યાં રાખવા માટે એક ફાઈલ આપી હતી. દસ્તાવેજો નીચે કરવાની સાથે, તેને તેના માલિકનો અવાજ સંભળાયો, જે બાજુના રૂમમાં કોઈની સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો. તે કોઈને કહી રહ્યો હતો, “મેં પૈસા ગણ્યા નથી, તેમ છતાં, મને ખાતરી છે કે તે પૂરા હશે.”
જ્યારે મોહને આ શબ્દો સાંભળ્યા, ત્યારે તેની પ્રામાણિકતા અને વફાદારી ભટકી ગઈ; તે બે ત્રણ બંડલ ખિસ્સામાં નાખવા માટે લલચાઈ ગયો. એમ પણ, કોને ખબર પડશે? અનુરાગે તો પૈસા નહોતા ગણ્યા.
જો કે, પછીની મિનિટે તેના કાનમાં બીજા શબ્દો પડ્યા અને મોહન હેબતાઈ ગયો. અનુરાગ કહેતો હતો, “શ્રીમાન બાસુ સાહેબ, વિશ્વાસ રાખો. તમારા પૈસા મારી પાસે સંપૂર્ણપણે સુરક્ષિત છે. હું તેને અંગત રીતે બિલ્ડરને સોંપીશ. હું જાણું છું કે તમે તેના માટે કેટલી મહેનત કરી છે.”
ન સમજાય તેવી ભાવનાએ મોહનને અભિભૂત કરી, પોતાની પકડમાં જકડી લીધો. એક મિનિટ પહેલાના છેતરપિંડીના વિચારે તેને પ્રશ્ચાત્તાપથી ભરી નાખ્યો. તેને માનવામાં નહોતું આવતું, કે શેતાને તેને કેવી રીતે લલચાવ્યો હતો, જેના પગલે તે અનુરાગ સર સાથે તેની વર્ષોની વિશ્વસનીયતા અને બંધન ભૂલી ગયો.
ચુપચાપ કબાટ બંધ કરીને મોહન ત્યાંથી ખાલી હાથે ચાલ્યો ગયો. તેમ છતાં, ક્ષણની ઝાંખીમાં એક અનુભૂતિ તેની અંદર ઊંડે ઉતરી ગઈ. લોકરમાં પડેલા તમામ પૈસા સાથે એક કરતાં વધુ વ્યક્તિનો વિશ્વાસ દાવ પર હતો; બિલ્ડર, શ્રી બાસુ, અનુરાગ સર અને તેનો પોતાનો. મોહનનું હૃદય રાહતથી ભરાઈ ગયું, સમયની આ કસોટીએ તેને એક મોટો પાઠ શીખવ્યો: વિશ્વાસની કિંમત!
શમીમ મર્ચન્ટ