અનેકાંત સાપેક્ષતાનું એક મહાન વિજ્ઞાન છે. આપણે બધું જાણીને પણ વાસ્તવમાં અજાણ છીએ. બધાને સાથે લઈને ચાલવામાં જ ગતિ છે અન્યથા માત્ર સ્થિતિ છે એ આપણે જાણીએ છીએ છતાં આપણે અજ્ઞાનવશ માત્ર પોતાનો જ વિકાસ ઈચ્છીએ છીએ જેથી ધારી સફળતા મેળવી શકાતી નથી. હવે એ તો આપણે નક્કી કરવાનું કે આપણે ગતિના પ્રેરક બનવું છે કે જડસ્થિતિ (વિકાસ વગરની સ્થિતિ) સાથે સમાધાન કરવું છે. જે વ્યક્તિ પોતાની ગતિ ઈચ્છે છે તેણે અન્યને સાથે લઈને ચાલવા સિવાય બીજો કોઈ રસ્તો નથી અને તે માટે અનેકાંત ને સમજવું અને સ્વીકારવું અનિવાર્ય છે. સમન્વય અને સહઅસ્તિત્વ સિવાય વિકાસ કે ગતિનું કોઈ અન્ય સૂત્ર છે જ નહિ. અનેકાંત એક દિવ્યચક્ષુ છે જે આપણા બે ચર્મચક્ષુથી વધુ ઉત્તમ અને કલ્યાણકારી છે. જેની પ્રાપ્તિ મનુષ્ય જીવનની સાચી સફળતા છે. અનેકાંતની દ્રષ્ટિ વસ્તુ જગતના સ્થૂળ અને સૂક્ષ્મ બંને પર્યાયો કે પરિવર્તનોને જાણવાની સર્વોત્તમ દાર્શનિક પ્રણાલી છે. જેના દ્વારા જીવનમાંથી આગ્રહ છૂટી જાય છે. પસંદગી અને પૂર્વગ્રહની જાળમાંથી મુક્ત થવાય છે. વિવાદોનો અંત આવે છે અને સંઘર્ષ શાંત પડે છે.
અનેકાંત એટલે તમામ સંભાવનાઓનો સ્વીકાર. સહપ્રતિપક્ષ અને વિરોધી ધર્મોનું સહઅસ્તિત્વ એટલે અનેકાંત. જે વ્યક્તિની ચેતના નિર્મળ હોય, જે રાગ-દ્વેષથી મુક્ત હોય એનામાં અનેકાન્તની પ્રજ્ઞા જાગે છે. પ્રજ્ઞાબુદ્ધિથી સમજીએ તો અવશ્ય સમજાશે કે અનિત્યની હાજરીમાં જ નિત્યને જાણી શકાય છે. અંધકાર ન હોય તો પ્રકાશનું નામકરણ જ ન થઈ શકે. સાચું પૂછો તો જેટલા નામ બને છે તે વિરોધીના આધાર પર જ બને છે. વિરોધી પક્ષનું હોવું પોતાના અસ્તિત્વની હયાતિ માટે પણ અનિવાર્ય છે. બે વિરોધી તત્વોનું હોવું અસ્તિત્વનો મૂળભૂત સિદ્ધાંત છે કેમકે વિરોધી તત્વ ન હોય તો અસ્તિત્વ જ શક્ય નથી. અનેકાંતનું સૂત્ર છે સહપ્રતિપક્ષ એટલે કે બે વિરોધી યુગલનું અસ્તિત્વ. સ્ત્રી અને પુરુષ જેવા બે વિરોધી તત્વો ન હોય તો સર્જન શક્ય જ ન બને એ આપણે સૌ જાણીએ છીએ. પુરુષ અને પ્રકૃતિ, ધન અને ઋણ જેવા ભાર વગર સંસારનું અસ્તિત્વ જ અસંભવ બને. ગરમી હોય તો જ વરસાદ આવે એ તો સમજવું જ પડે. પરંતુ આપણી કમનસીબી એ છે કે આપણે વિરોધી તત્વને શત્રુ સમજી સ્વીકારી શકતા નથી. વાસ્તવમાં એ તો મિત્ર સમાન છે કેમકે તેની હયાતિને કારણે જ આપણું અસ્તિત્વ ટકેલું છે. બસ આ સમજણ એ જ અનેકાંત જેના દ્વારા જીવનના તમામ સંઘર્ષો કે દ્વંદ શમી જાય છે. સમજાઈ જાય છે કે પ્રતિકૂળતા હશે તો જ અનુકૂળતાનું મૂલ્ય છે, નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા વગર સફળતા સ્વાદિષ્ટ કેવી રીતે લાગી શકે? મૃત્યુ હશે તો જ જીવનનો આનંદ માણી શકાશે. શોક કે દુઃખને કારણે જ હર્ષ અને સુખની કિંમત સમજાતી હોય છે. જ્યાં સુધી અતિશય ગરમીનો અનુભવ ન થાય ત્યાં સુધી એર કન્ડીશનર ઠંડકનો આનંદ આપી શકે ખરું? જો વિરોધી તત્વ સમાપ્ત થઈ જાય તો તો જીવન જ સમાપ્ત થઈ જાય.
હઠયોગના જાણકાર જીવનની સાચી વ્યાખ્યાને સમજે છે કે એ તો પ્રાણ અને અપાનનો યોગ છે. પ્રાણ ઉપરથી નીચે જાય છે જ્યારે અપાન નીચેથી ઉપર જાય છે. જ્યાં સુધી આ વિપરીત દિશાગમન ચાલુ રહે છે ત્યાં સુધી જીવન ટકે છે. આ ક્રમ તૂટતાની સાથે જીવનનો પણ અંત આવે છે. આપણા શરીરમાં પણ ઉર્જાના બે કેન્દ્રો છે ૧) જ્ઞાનકેન્દ્ર ૨) કામકેન્દ્ર બંને એકબીજાના વિરોધી છે. કામકેન્દ્ર ચેતનાને નીચે લઇ જાય છે જ્યારે જ્ઞાનકેન્દ્ર ચેતનાનું ઉર્ધ્વીકરણ કરે છે. આ અવિરત ચાલતી પ્રક્રિયા જ જીવનને ટકાવી રાખે છે. વીજળીના કિસ્સામાં પણ આપણે જાણીએ છીએ કે ધનભાર અને ઋણભાર બંનેનું અસ્તિત્વ છે તે સિવાય વિદ્યુત કારગત સાબિત થતી નથી. પોઝિટિવ નેગેટિવ બંનેના હોવાથી જ વિદ્યુતનું અસ્તિત્વ શક્ય બને છે. ટૂંકમાં સમગ્ર જગત કે જીવનનો આધાર જ બે વિરોધી તત્ત્વો છે, તેના સ્વીકાર સાથે જ જીવન પૂર્ણ બને છે. પક્ષ અને પ્રતિપક્ષ એ જ સમગ્ર વ્યવસ્થાનો આધાર છે. આપણે આ વાત જાણીએ છીએ છતાં વિરોધીને સ્વીકારી શકતા નથી જેથી જીવન પીડાદાયક બની જાય છે. ગમો-અણગમો, પસંદગી-પૂર્વગ્રહ તેમ જ “હું કહું એમ જ બધાએ કરવું જોઈએ” “હું જ સાચો બાકી બધા ખોટા” “કોઈ મને સમજતું જ નથી” વગેરે તમામ ભાવના અનેકાંતના અસ્વીકારથી જ પેદા થાય છે અને ઈશ્વરે આપેલું સ્વર્ગ સમાન જીવન નર્ક બની જાય છે. એ દ્રષ્ટિએ અનેકાંતનું વ્યવહારિક મહત્વ ખૂબ ઊંચું છે. ગમતાની સાથે ન ગમતાને પણ સ્વીકારો, પક્ષની સાથે પ્રતિપક્ષને પણ સમજો, આ જગત વિરોધી હિતોનું જગત છે જેથી બે વિરોધી હિતોનો સંઘર્ષ સ્વાભાવિક છે. પરંતુ જીવન માટે સંઘર્ષ અનિવાર્ય છે એ દરેકે સમજી લેવું જોઈએ, જેને અંગ્રેજીમાં struggle for survival એટલે અસ્તિત્વના સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે. જીવન કે અસ્તિત્વને ટકાવવું છે તો સંઘર્ષ કરવો જ પડશે અને સાથે પ્રતિપક્ષને સમજવાની અને સ્વીકારવાની સમજણ પણ કેળવવી પડશે. કદાચ એટલે જ માનવ સમાજમાં લગ્નની વ્યવસ્થા છે, જે વિરોધી તત્વોને કે પ્રતિપક્ષને સમજવાની સ્વીકારવાની તક પૂરી પાડે છે. પતિ અને પત્ની તમામ રીતે એકબીજાથી ભિન્ન હોવા છતાં તેમનું અસ્તિત્વ સહઅસ્તિત્વની વિભાવના પર ટકેલુ છે એ આપણે સૌ જાણીએ છીએ.
દુનિયામાં જેટલી જરૂરી જરૂર સમજુ વ્યક્તિઓની છે એટલી જ ગાંડાઓની પણ છે. આ સંસારમાં દરેક એવું ઈચ્છે છે કે સર્વસ્વ પોતાની ઈચ્છા પ્રમાણે થાય. પરંતુ સંસારમાં સર્વત્ર વિરોધી પ્રવૃતિઓ છે, વિરોધી વિચારો છે, વિરોધી પ્રકૃતિઓ છે, વિરોધી સ્વભાવ છે, વિરોધી ટેવો છે, તેમ છતાં આ તમામ વિરોધી તત્વો વચ્ચે રહીને પણ અવિરોધનું જીવન જીવવાનો એકમાત્ર ઉત્તમ માર્ગ છે અનેકાંત કે જે સહઅસ્તિત્વનો માર્ગ છે, સમન્વયનો માર્ગ છે. અને એ જ માત્ર ઉત્તમ માર્ગ છે એટલે જ બૌદ્ધધર્મમાં સમ્યકતાનું વિશેષ મહત્ત્વ છે. વિરોધીઓને સમાપ્ત કરી નાખવાની નીતિ પર ચાલીએ તો યુદ્ધનો કોઈ અંત નથી. વળી એ તો સર્વવિદિત છે કે લડાઈ કે યુદ્ધનું પરિણામ માત્ર એક જ છે સર્વત્ર વિનાશ. જ્યારે વ્યક્તિ સહઅસ્તિત્વને સમજી લે છે ત્યારે જીવન સરળ અને સહજ બની જાય છે. જેમ દિવસ અને રાત અલગ નથી તેમનું સહ અસ્તિત્વ છે તેમ પરસ્પર એકબીજાનો સહારો પ્રાકૃતિક નિયમ છે. જે જીવસૃષ્ટીનો અફર નિયમ છે. એકનો આધાર બીજો છે અને દરેક એકબીજાના આધારે જ ટકે છે. સહઅસ્તિત્વનો નિયમ ભુલાઈ ગયો હોવાથી વિરોધ ઊભો થયો છે. જેઓને સહઅસ્તિત્વનો સિદ્ધાંત સમજાઈ જાય છે તેમને અનેકાન્તની દૃષ્ટિનું હાર્દ પ્રાપ્ત થાય છે અને પ્રત્યેક પ્રાણી બીજાને માટે આલંબન બને છે, સહારો બને છે અને જીવન મંગળમય અને આનંદિત બનતા કોઈ અટકાવી શકતું નથી.
અનેકાન્તની મહત્વની શોધ એ છે કે કોઇપણ તત્વ સર્વથા સંવાદી કે સર્વથા વિસંવાદી હોતું નથી, તે સર્વથા સારું કે સર્વથા ખરાબ હોતું નથી, સર્વથા સાચું કે સર્વથા ખોટું હોતું નથી, કેવળ સ્થૂળ કે વ્યક્ત પર્યાયોના આધાર પર આપણે નિર્ણય લઇએ છીએ ત્યારે જ આવા દ્વંદ ઉદભવે છે. પરંતુ સૂક્ષ્મ અને અવ્યક્ત પર્યાયોને સમજતાની સાથે તમામ પ્રકારનો વિરોધ શમી જાય છે. સામાન્ય માણસ પ્રકાશ, શબ્દ અને રંગ ત્રણેને જુદા માને છે અને અજ્ઞાનવશ એક પ્રિય અને બીજું અપ્રિય બની જાય છે. પરંતુ વિજ્ઞાનનો જાણકાર સમજે છે કે આ ત્રણેય પ્રકાશના પ્રકંપનો છે. ભિન્ન ભિન્ન આવૃત્તિઓ ઉપર આ પ્રકંપન તૈયાર થાય છે. રંગ વાસ્તવમાં પ્રકાશનું 49 મુ કંપન છે, એવું જ ધ્વનિનું છે. આમ ધ્વનિ અને રંગ અલગ નથી. જે વિજ્ઞાન સારી રીતે જાણે છે. વૈજ્ઞાનિકોને ખબર છે કે રંગને સાંભળી પણ શકાય છે અને ધ્વનીને જોઇ પણ શકાય છે. રંગને સાંભળવા નું માધ્યમ ઓરોટ્રાલ મશીન છે. આવૃત્તિઓમાં ફેરફાર કરી રંગને સાંભળી શકાય છે અને ધ્વનિને દેખી શકાય છે. આમ સાચી સમજણ સાથે બે ભિન્ન દેખાતી વસ્તુઓ એક બની જાય છે અને વિરોધ શમી જાય છે. આવી ઊંડી સમજણ અને જ્ઞાન જીવનમાં પ્રસરે તો તમામ વિરોધ, ગમો-અણગમો, પસંદગી, પૂર્વગ્રહ, ઘર્ષણ અને સંઘર્ષ બધું સમાપ્ત થઈ જાય છે. જેના માટેનું યથાર્થ વિજ્ઞાન એટલે અનેકાંત.
વાસ્તવમાં આપણે અવ્યક્તની વ્યાખ્યા વ્યક્ત દ્વારા અને વ્યક્તની વ્યાખ્યા પણ કેવળ વ્યક્ત દ્વારા કરીએ છીએ એટલે કે આપણી મર્યાદિત સમજણ બુદ્ધિ ઈન્દ્રિયોની મદદથી જ બધું સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેના કારણે વિરોધ જન્મે છે અને સત્ય પકડાતું નથી. મનુષ્ય અનાદિ કાળથી ઠગાતો આવ્યો છે અને જેટલી ઠગાઈ પોતાનાઓ દ્વારા થાય છે તેટલી પારકા દ્વારા થતી નથી. એનું કારણ માત્ર એટલું જ છે કે વર્તમાન ક્ષણે આપણું હિત કરનારને આપણે મિત્ર અને અહિત કરનારને શત્રુ સમજી બેસીએ છીએ. જે દેખાય છે તેના પર ભરોસો કરી આપણો નિર્ણય લઇએ છીએ એટલે વ્યક્ત પર્યાયના સંદર્ભમાં જ નિર્ણય લઈએ છીએ. જે સમસ્યાનું સર્જન કરે છે. વસ્તુનો સ્વભાવ બહુ મોટું સત્ય છે. સુખ-શાંતિસભર જીવન એ જ જીવી શકે જે સ્વભાવગત સત્યને સ્વીકારીને ચાલે. મનુષ્યજીવનની કમનસીબી એ છે કે મનુષ્ય પોતે આદર્શ બનવા નથી માગતો પરંતુ આદર્શને પોતાના સ્તરે નીચે લાવવા માંગે છે. કોઈ ભગવાન સુધી પહોંચવા નથી માગતું પરંતુ ભગવાનને પોતાના જેવી નીચી ભૂમિકા પર લાવવા માંગે છે એટલે કે ભગવાનને પણ પોતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરે છે. આને પ્રકૃતિ નહીં વિકૃતિ કહેવાય. જે કદી પરિણામલક્ષી ન જ બની શકે. આપણી દરેકની અંદર દૈવીશક્તિ અને આસુરીશક્તિ સહઅસ્તિત્વ ધરાવે છે. આસુરીશક્તિને સુવડાવી દઈને એટલે કે નિષ્ક્રિય કરી નાખી દૈવીશક્તિને જાગૃત કરીએ તો આપણું દર્શન અને જીવન બંને સમ્યક અવશ્ય બને, સાર્થક બને. અનેકાંતનો માર્ગ પ્રશસ્ત અને સ્પષ્ટ થાય.
વાસ્તવમાં આપણી અંદર અનંત સંભાવનાઓ છુપાયેલી છે. કોલસો હીરો બની શકે છે માત્ર તેને ઓળખવાની જરૂર છે. આપણી અંદર અનંત ચેતના, અનંત જ્ઞાન, અનંત આનંદ છે, જે બધાની અભિવ્યક્તિ અનેકાંત દ્વારા સંભવ છે. દાખલા તરીકે સ્વસ્થતાની અનંત સંભાવના જ્યારે પ્રગટ થાય છે ત્યારે રોગ દબાઈ જાય છે. જે આ સત્ય જાણી લે છે તે ક્યારેય બીમારીથી દુઃખી થતો નથી. રોગ અને સ્વાસ્થ્ય બધું જોડાયેલું છે. એક વ્યકત થતા બીજું અવ્યક્ત બને છે. બીમારી વ્યક્ત થતા સ્વાસ્થ્ય અવ્યક્ત બને છે અને જ્યારે સ્વાસ્થ્ય વ્યક્ત થાય છે ત્યારે રોગ અવ્યક્ત બને છે કેમકે બંનેનું સહઅસ્તિત્વ છે. જે બંનેને સ્વીકારે છે તે સત્યને પામી લે છે અને પોતાના જીવનમાંથી દુઃખોની બાદબાકી કરી નાખે છે. આ જ અનેકાન્તની દ્રષ્ટિ અને આ જ અનેકાન્તની વ્યાવહારિક સમજણ અને ઉપયોગીતા છે. જ્યારે આપણે વ્યક્ત અને અવ્યક્ત બંનેને જોવાનું શરૂ કરીશું ત્યારે ભેદ નષ્ટ થઈ જશે. સત્ય-અસત્ય, વિરોધ-અવિરોધ, રોગ-સ્વાસ્થ્ય, પ્રેમ-નફરત વગેરે તમામ એકસાથે જ રહે છે ફક્ત દ્રષ્ટિકોણનું અંતર છે. પ્રેમનો એ સ્વભાવ છે કે તે શરૂઆતમાં વધુ હોય છે અને ધીરે ધીરે ઓછો થતો જાય છે જ્યારે નફરતનો એ સ્વભાવ છે કે તે શરૂઆતમાં તીવ્ર હોય છે અને ધીરે ધીરે તેની તીવ્રતા ઘટે છે. એ જ રીતે સ્વાસ્થ્ય ધીરેધીરે બગડે છે જ્યારે રોગ ધીરેધીરે ઠીક થાય છે. આ રીતે દરેકની એક પ્રકૃતિ છે દરેકનો એક સ્વભાવ છે જે બદલી શકાતું નથી, એ જો સમજી લઈએ તો જીવન સરળ બની જાય છે. આવી સમજણ કેળવવા પ્રેક્ષાઘ્યાન અતિ મહત્વનું સાધન છે.
પ્રેક્ષાઘ્યાન દ્વારા આત્મા વડે આત્માને જોવામાં આવે છે. જેનું પહેલું ચરણ શ્વાસદર્શન છે કેમકે જે વ્યક્તિ શ્વાસને (ચેતનાને) નથી પકડી શકતો તે આત્માને કેવી રીતે પકડી શકે? જે શ્વાસ પ્રત્યે જાગૃત નથી તે આત્મા પ્રત્યે જાગૃત કદાપિ રહી શકે નહીં. જે શ્વાસ પ્રત્યે જાગૃત થાય તે ધીરે-ધીરે આત્મા સુધી પહોંચી જાય છે. ટૂંકમાં મુખ્ય હંમેશા એક જ હોય છે જ્યાં અનેક હોય છે ત્યાં વિવાદ સંભવે છે. એકમાં કોઈ વિવાદ હોતો નથી. એકથી વધુ એટલે દ્વંદ. પતિ અને પત્ની એક બની રહે તો સુખ-શાંતિ પરંતુ જો બે અલગ બને તો સંઘર્ષ. આમ તમામ સંઘર્ષ અનેકના જ છે. એક હોય તો કોઈ સંઘર્ષ નથી જેથી અનેકનો એકમા અંત કરવો એનું નામ અનેકાંત. એટલા માટે સર્વ ધર્મ કહે છે ઇશ્વર એક છે જેથી સંઘર્ષ કે વિવાદ ન રહે. સત્યની પ્રાપ્તિ માટે એકનું હોવું અનિવાર્ય છે. ગતિ માટે પણ એકનું મુખ્ય હોવું અનિવાર્ય છે. જો બંને પગ એક સાથે ચાલવાનો પ્રયત્ન કરે તો કદી ચાલી ન શકે. એક પગ આગળ વધે ત્યારે બીજાએ પાછળ રહેવું પડે અને પાછળવાળો પગ આગળ આવે ત્યારે પહેલાએ પાછળ જવું જોઈએ તો જ ગતિ શક્ય બને, બાકી માત્ર સ્થિતિ પ્રાપ્ત થાય. જે જડતાની નિશાની છે. આવા પ્રાકૃતિક નિયમોનું ઉલ્લંઘન કરીએ તો વિકાસ, ગતિ, સફળતા, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ કઈ જ શક્ય ન બને. જેથી અનેકાન્તની વ્યવહારિક ઉપયોગીતા અનંત છે એ તો સમજવું જ પડે. અન્યથા સંઘર્ષમાં જ જીવન પૂર્ણ થઈ જાય અને હાથમાં કંઈ જ ના આવે. એવું ના થાય એવું જો આપણે ઇચ્છતાં હોઈએ તો અનેકાંતને સમજી લેવું આવશ્યક છે.
શિલ્પા શાહ એસો.પ્રોફેસર HKBBA કોલેજ