“વર્તન જેનું સારું,તેનું થાય છે જતન
વર્તનમા જેના ખામી,તેનું નિશ્ચિત છે પતન “
“જીવનમાં સુવાક્યો તો બધાને બહુ જ ગમે છે,પરંતુ ફક્ત વાંચવા માટે,વર્તનમાં ઉતારવા માટે નહી”.
કોઇપણ વ્યક્તિને એ સુવાક્યો પ્રમાણે વર્તવું તો ગમતું જ નથી.પહેલાના જમાનાની વાત કરીએ તો ભાગ્યે જ ક્યારેક ક્યાંક કોઈક સુવાક્ય વાંચવા મળતું હતું,પરંતુ અત્યારે તો સવાર પડે ને તરત જ આપણા ફોનમા પાંચ થી સાત સુવાક્યો તો આવી જ ગયા હોય.અમુક સુવાક્યો આપણા મનગમતા હોય એટલે આખા વાંચવાના ,અને જે સુવાક્યો ન ગમે તેને જાણી જોઇને પણ અવગણવાના.સુવાક્યો બરાબર વાંચ્યા કે ન વાંચ્યા,તેને બરાબર સમજ્યા પણ નહી હોય કે જીવનમાં ઉતારવાની કોશિશ પણ નહી હોય,પરંતુ બીજાને ફોરવર્ડ જરૂર કરી દેવાના.અહી મજાની વાત એ છે કે જો કોઈ સુવાક્યોમાં સારી વર્તવા જેવી બાબત હોય કે કોઈ વર્તન અંગેની વાત હોય તો એમાં આપણને હમેશા બીજાનો જ ચહેરો દેખાશે,અને મનમાં તો એવું જરૂર થશે કે આ વ્યક્તિએ આ પ્રમાણે વર્તવાની જરૂર છે.આનો મતલબ એ છે કે આપણને આપણું વર્તન તો હંમેશા સારું જ દેખાય છે, ખામી તો બીજાના જ વર્તનમા દેખાય છે.અહી એક હકીકત જે આપણે બધાએ સમજવાની જરૂર છે કે “દુનિયા આપણને આપણા વર્તન દ્વારા જ ઓળખે છે.” દુનિયામા કોઈ પણ સંબંધને ટકાવવા આપણું વાણી અને વર્તન બંને સારા હોવા ખુબ જરૂરી છે.જે કોઈ વ્યક્તિની વાણી અને વર્તન બંને ખરાબ હશે એ વ્યક્તિને અંદરથી તો ક્યારેય સુખ કે ચેન નહી જ મળે,પરંતુ એટલું જ નહી એમની સાથે રહેતા એમના ઘર પરિવારના લોકો કે એમની સંપર્કમાં આવતા કોઈ પણ વ્યક્તિને એ ક્યારેય સુખ કે ચેન મળવા નથી દેતું.વારંવાર એમના શબ્દો કે એમનું વર્તન સામેવાળા વ્યક્તિને દુભવી નાખતું હોય છે.આપણી વાણી કે વર્તનની બીજાના જીવનમાં શું અસર થઇ શકે છે? આપણે આ બાબત અંગે ક્યારેય વિચાર કર્યો છે! “રોઝ કેનેડી”કે જે પોતે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ “જોન.એફ.કેનેડી”ના માતા હતા,તેમણે એક અદભૂત વાક્ય કીધેલું હતું કે “જયારે પણ હું મારા ખોળામાં કે મારા હાથમાં મારું નવજાત બાળક ઝીલું છું ત્યારે મને હંમેશા એક વિચાર આવે છે કે તેને હું જે કઈ કહીશ કે તેના માટે કરીશ તેનો પ્રભાવ માત્ર તેના પુરતો જ નહી,પરંતુ ભવિષ્યમાં તે જ્યાં પણ જશે,જેને પણ મળશે,તેના પર પણ પડશે! અને તે માત્ર એક દિવસ,મહિનો કે વર્ષ પુરતો નહી,પરંતુ અનંત સમય સુધી રહેશે! એક આદર્શ માતા તરીકે તેમણે કેટલો અદભૂત વિચાર આપ્યો છે! આપણું કરેલું વર્તન કે આપણી વાણીની અસર ફક્ત આપણા પુરતી જ નથી રહેતી,તેની અસર આપણા બાળકો ઉપર પણ પડે છે.અને ભવિષ્યમાં પણ આનો પ્રભાવ તેમના જીવનમાં દેખાય છે.એક પતિ જયારે પોતાના જ બાળકોની સામે પોતાની પત્નીને જેમ-તેમ શબ્દો બોલે કે ક્યારેક તેની પર હાથ પણ ઉપાડે એ વખતે તેમને પોતાના બાળકોનો એક વિચાર શુધ્ધાય નહી આવતો હોય?મારા આ વર્તનની મારા બાળકો ઉપર શું અસર પડશે? એવો વિચાર એ કેમ નથી કરી શકતા?એક વખત એક કાર્યક્રમના ભાગરૂપે તેર થી પંદર વર્ષના બાળકોને એવો સવાલ કરવામાં આવ્યો કે તમને તમારા માતા-પિતાના વર્તન અંગે કઈ બાબત નથી ગમતી?એ બાળકોના જવાબ અને એમની સમજણ આપણને આશ્ચર્ય પમાડે એવી હતી.એમના જવાબ સાંભળીને કોઈને પણ સવાલ થાય કે શું ખરેખર એક માતા-પિતા પોતાના આટલી ઉમરના બાળકોની સામે આવું વર્તન કરતા હશે? એક બાળકનું કહેવું હતું કે “મારા માતા-પિતા મારા દાદા-દાદી સાથે જે પ્રમાણેનું ખરાબ વર્તન કરે છે તે મને જરાય નથી ગમતુ”.પોતાના જ બાળકની સામે આવું વર્તન કરતા પહેલા તેઓ એવું કેમ ભૂલી જાય છે કે ભવિષ્યમાં અમારી પણ હાલત આવી થઇ શકે છે! ઘરમાં થતા એ નાના-મોટા ઝઘડા જે ભલે ને એક પતિ-પત્ની વચ્ચે હોય કે એક સાસુ અને વહુ વચ્ચે હોય,તેની અસર તો ઘરના દરેક વ્યક્તિ ઉપર પડતી હોય છે અને ખાસ કરીને નાના બાળકો ઉપર તો તેની ખાસ અસર થતી હોય છે.આપણા એકના જ વર્તનને કારણે ઘરમાં બીજા સભ્યોને કેટલું ભોગવવું પડે છે તેનો વિચાર આપણે ક્યારેય કર્યો છે?
જીવનમાં કોઇપણ બાબતમાં ક્યારેય અતિશયોક્તિ સારી ન લાગે.રસોઈમા દાળ કે શાક હોય,એમાં મીઠું સ્વાદ પ્રમાણે જ નખાય.જો વધારે પડતું નાખીએ તો દાળ-શાક ખરું થઇ જાય.શરીરમાં જેટલી ભૂખ હોય.એટલો જ ખોરાક લેવાય.જો વધારે પડતો લેવાઈ જાય તો તબિયત બગડી જાય. એવી જ રીતે જીવનમાં જરૂર પડતા જ શબ્દો બોલવા,જો જીવનની ક્ષણોને આનંદથી માણવી હોય તો!”તમે કેટલું બોલ્યા એ મહત્વનું નથી પરંતુ કેવું બોલ્યા એ મહત્વનું છે.”શબ્દો એ મનુષ્યની એક એવી શક્તિ છે જે કોઇપણ વ્યક્તિ ઉપર અણધારી અસર કરી શકે છે.તમારું શરીર ભલે ન ચાલતું હોય પણ તમારા શબ્દો દ્વારા તમે આખી દુનિયાને ચલાવી શકો છો. શબ્દો હકારાત્મક અને નકારાત્મક બન્ને રીતે અસર કરે છે.એક વખત મહાન ભારતીય વૈજ્ઞાનિક જગદીશચન્દ્ર બોઝ પ્રયોગશાળામાં બીજા વૈજ્ઞાનિકોને કહે છે કે,”વનસ્પતિમા ચોક્કસ જીવ હોય છે.એટલું જ નહી એને લાગણીઓ પણ છે.”આપણા પ્રેમ કે તિરસ્કારની લાગણીની તેના વિકાસ પર અસર થાય છે.અમેરિકન વૈજ્ઞાનિકો આ વાતને ‘અશક્ય છે’ એવું કહી તેમની મજાક ઉડાડવા લાગે છે.તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત કરવા અને પડકાર જીલવા તૈયાર થાય છે.જગદીશચન્દ્રે બે સમાન છોડના કુંડા લીધા.બંનેને એક જ પ્રયોગશાળામાં સમાન વાતાવરણ,સમાન ખોરાક,સમાન ખાતર અને એકસરખી જ પરીસ્થિતિઓમાં રાખ્યા.એક છોડને પ્રેમથી કહેવા લાગ્યા કે,’તું ખુબ સુંદર છે.તારી ડાળીઓ પર સુંદર ફૂલો ખીલે છે.હું તને ખુબ પ્યાર કરું છું.તું મને ખુબ ગમે છે.પ્રયોગશાળામાં સામેના છેડે રાખેલા બીજા છોડને કહેવા લાગ્યા કે,’તું નાલાયક છે,તું કોઈના ઉપયોગનું નથી,તને કોઈ પ્રેમ નથી કરતું,હું તને ખુબ ધિક્કારું છું,તારી ડાળીઓ પર ફૂલો નહી,કાંટા ઊગશે.’બન્ને છોડને આ શબ્દોનો મારો સતત મહિના સુધી ચાલ્યો.મહિનાના અંતે સૌ આશ્ચર્યચકિત થઇ ગયા.એક છોડ મુરઝાઈ ગયો હતો અને બીજો છોડ સુગંધીદાર ફૂલોથી મ્હેકતો હતો! નિર્જીવ કહેવાતા છોડમા પણ જો જીવ હોય અને તેમાં પણ પ્રેમ અને તિરસ્કારની અસર થતી હોય તો જીવતા માણસ પર શબ્દોની અસર ન થાય? બાળકના જીવનમાં પેમ અને તિરસ્કારની અસર ન થાય?આપણે જેવા શબ્દોનો ઉપયોગ આપણા બાળકો આગળ કરીશું આપણું બાળક પણ એ પ્રમાણેનું જ વર્તન કરશે.તમારે તમારા બાળકને હકારાત્મક દિશા તરફ વાળવું છે કે નકારાત્મક દિશા તરફ તમારી વાણી અને તમારા વર્તન ઉપર જ રહેલો છે.ઘણા માતા-પિતા પોતાના બાળકને ગમે તેવી નાની-નાની બાબતોમાં ‘તું તો બુધ્ધુ છે’, ‘તું તો ડોબો છે’ ,’તું તારા જીવનમાં કઈ કરી શકે એમ છે જ નહી’આવા નકારાત્મક શબ્દો બોલવાની ઘણી ટેવ હોય છે.પરંતુ આવા શબ્દો બોલીને તમે જ તમારા બાળકને એક અંધકારમય ભવિષ્ય તરફ ધકેલી રહ્યા છો.જો ખરેખર તમારું વર્તન આ પ્રકારનું હોય તો તમારે અત્યારથી સચેત થવાની ખુબ જરૂર છે.એક કહેવત છે ને કે “જગ્યા ત્યાંથી સવાર”જેટલી જલ્દી આ બધી બાબતોની ગંભીરતાને સમજશો એટલી જલ્દી જીવનને એક યોગ્ય દિશા તરફ લઇ જઈ શકાશે.
સંબંધો જોડવામાં કે સંબંધો તોડવામાં આપણી વાણી અને વર્તન બહુ મહત્વનું કામ કરે છે.એક દિવસ એક ભાઈ પાસે સિગારેટ હતી પણ માચીસ ન હતી એટલે તેમણે એક દુકાનદારને માચીસ માટે પૂછ્યું તો દુકાનદારે એ ભાઈને બતાવીને કહ્યું કે સામે પેલો ભાઈ છે એની જીભથી સળગાવી દો.આ ભાઈએ આશ્ચર્યથી પૂછ્યું કે આવું કઈ રીતે થાય?દુકાનદારે જવાબ આપ્યો કે તેની જીભે લોકોના સંસાર સળગાવી દીધા તો તારી એક સિગારેટ નહી સળગે?વાત તો ખરેખર રમુજ પેદા કરે એવી છે પરંતુ આ આપણા સમાજની એક કડવી સત્યતા છે .આપણા શબ્દોની બીજાના જીવનમાં કેટલી અસર થઇ શકે?એ બાબતે આપણે ક્યારેય વિચાર કરતા જ નથી.કૌટુંબિક જીવનમાં જો ખરેખર પ્રેમ જોઈતો હોય તો બને ત્યાં સુધી મીઠાશ ભર્યું બોલતા શીખો.ઘણીવાર સંબંધો સાચું બોલવાથી નહી પરંતુ સારું બોલવાથી ટકે છે.”સીતાના વચને રામાયણ થયું હતું અને દ્રૌપદીના વચને મહાભારત રચાયું હતું” પુરાણોમાં આટલા મોટા ગ્રંથોની રચના પાછળનું કારણ પણ શબ્દો જ હતા.શબ્દોના લીધે જો આટલા મોટા ગ્રંથો રચાઈ શકે તો આપણા જીવનમાં એની કેલી અસર થઇ શકે?એ વિચાર હવે આપણે જ કરવાનો છે.વાણીમાં હમેશા સંયમ કેળવવો ખુબ જરૂરી છે.
એક વખત એક રાજા તેના મહેલમાં એક પ્રદર્શનનું આયોજન કરે છે.પ્રદર્શનમા ગામોગામથી ઘણાબધા વિદ્વાન બ્રામ્હણ પધારેલા હોય છે.નગરના મોટા એક વિદ્વાન બ્રામ્હણ જે ત્યાં હાજર હોય છે તેમને રાજા પૂછે છે કે’તમને આ પ્રદર્શન કેવું લાગ્યું?’ પંડિતજી કહે પ્રદર્શન તો સારું હતું પણ એક પ્રશ્ન મને ખુબ મૂંજવી ગયો.રાજાએ પૂછ્યું,કયો પ્રશ્ન?પંડિતજી કહે કે ‘આ પ્રદર્શનનો દરવાજો એટલો બધો નાનો છે કે રાજા જો તમારું મૃત્યુ થાય તો તમારી લાશ કેવી રીતે બહાર કાઢશો?’ રાજા આ સાંભળી ક્રોધિત થઈ ગયા અને પંડીતને જેલમાં પૂરવાનો હુકમ કર્યો.આ વાત જાણી પંડિતજીનો પરિવાર ત્યાં દોડી આવ્યો.રાજાએ તેમેને બધી વાત કરી.પરંતુ પંડિતજીના ધર્મપત્ની તો એમનાથી પણ ચડિયાતા હતા.તે તરત જ બોલ્યા કે ‘કદાચ તમારી લાશ બહાર ના નીકળે તો કટકા કરી દેવાના’પછી તરત તેમની સાથે ઉભેલો પંડિતજી નો દીકરો બોલ્યો કે ‘અરે ના નીકળે તો રાજાને અહી જ દાટી દેવાના!’હવે આટલું બધું સાંભળી રાજા કોઈને મુકે?રાજાએ આખા પરિવારને જેલમાં પૂરી દેવાનો હુકમ કર્યો.જેની વાણી આટલી કડવી હોય તેની શું હાલત થાય?જીવનમાં ખરેખર સુખી થવું હોય તો “ગમે તેમ તેમ ન બોલવું પરંતુ સૌને ગમે એવું બોલવું” “કાગડો ક્યાં કોઈનું કઈ લઇ લે છે ને કોયલ ક્યાં કોઈને કઈ આપી દે છે.”પરંતુ કોયલની વાણી એટલી મીઠી છે કે આપણને બધાને ખુબ પ્રિય લાગે છે.કોઈને જેમ-તેમ બોલીને કે મહેણાં-ટોણા મારીને દુખી કરવાનો શું ફાયદો?એક વસ્તુ હમેશા યાદ રાખવી કે”વાણી સારી રાખશો તો બધાને ગમશો,અને વાણી સારી નહી રાખો તો હેરાન થશો.”
~ Urvashi Brahmbhatt