મારો પરિચય આપું કે? મને ભૂલી તો નથી ગયા ને? અરે યાદ કરો લોકડાઉનમાં જન્મેલો, વાઇરસ સાથે પરિચય કરાવતો તમારો બધાનો લાડલો અનન્ય.
આજે મારો પહેલો જન્મદિવસ છે, મને તો બધુ અજીબ જ લાગે છે. સવાર સવારમાં ઘરમાં એટલો કોલાહલ છે કે વાત ના પૂછો. જન્મદિવસ મારો છે અને કપડાં કોણ, કયા અને કેવા મેચિંગ પહેરશે એની લપ આખું ઘર કરે છે. અહીં મને તો કાઇ પૂછ્યા કારવ્યા વગરના બ્લૂ કલરનો સૂટ લઈ આવ્યા છે. આ મારા તુષારભાઈ, અરે માફી માફી હજી એ આદત ગઈ નથી નામથી બોલાવાની. એક તો આવી કાળજાળ ગરમી એમાં મારો જન્મદિવસ, અને નોંતર્યા છે આખા ગામના બધા સગા વ્હાલાને અને એમના મિત્રોને, અમુક તો એવા એવા છે ને આવીને કારણ વગરના મારા ગાલ ખેચશે, જાણે હું એનું ટેડી બીયર હોવ. સાહેબ આ હજુ વાઇરસ ગયો જ નથી, અમુકનો એ વાઇરસ ખૂબ વધતો જ જાય છે. અલગ અલગ એની શાખાઓ ફેલાવતો જાય છે.
વાઇરસ છે દેખાવનો, કારણ વગરનો બસ ખોટો દેખાવ. અરે યાર, હું એક વર્ષનો છું મને તો શું ખબર પડે જન્મદિવસમાં તો પછી આ પાર્ટી શું કામ ? કોને ખુશ કરવા માટે ? એક તો બહાર હજી કયા કોરોના ગયો છે તો પણ બસ મારા એક ના એક છોકરાનો જન્મદિવસ એટલે પાર્ટી તો કરવી જ છે, ગામધુમાડા તો કરવા જ છે. આ જો કેતકીબેન કેટલા હરખપદુંડા થાય છે, જાણે મારો પાછો જન્મ થયો હોય, હા માન્યું કે હું તેમનો લાડલો છું, જિગરનો ટુકડો છું પણ તમે જે હરખઘેલા થઈને કરો છો એમાં આ ટુકડાનું તો કાઈક વિચારો. સાચું હો એકદમ ફ્રસ્ટ્રે્ટ થઈ ગયો છું આ દેખાવાના વાઇરસથી.
આ તો આ વાઇરસની એક શાખા ગણાવી છે, જોવો આ બીજી શાખા બતાવું. આ વાઇરસ છે બાળકને રમકડું સમજવાનો. હું હવે ૩ વર્ષનો થયો તો બધાને ખૂબ વધુ વ્હાલ આવા લાગ્યું કારણ શું, મારી કાલી ઘેલી ભાષા, હવે એમાં વાંક આ માણસોના વાઇરસનો છે એક તો મને રમાડે, ચલો ભલે રમાડે પણ તોતડું કેમ બોલે, “અલે લે, માલો દિતો, માલો દિકલો, માલો તાનો!” આ શું પણ એમ? અને મારુ આટલું સારું નામ છે અનન્ય પણ નહીં મને તો જો શું બોલાવશે, “મારો અનુડો, મારો ભોદયો, મારો જીણકો, મારો કકુડો, મારો પપુડો!” મહેમાનો પણ એજ કરે, આવે તો નામ ખબર હોય છતાં એમ જ કહે, “કયા તમારો લાલો, શું કરે બાબો?” હવે તો હું ભૂલી ગયો છું મારુ સાચું નામ શું છે? મને સમસ્યા કોઈ જ નથી જે કરવું હોય એ કરો, જેમ રમાડવું હોય એમ રમાડો, જે નામ પાડવું હોય એ પાડો પણ હું સામે કાલુ ઘેલું બોલું તો બધા ઘડીક હસે પછી એમ જ કહે, “ખબર નહીં, ક્યારે અમારે આ ચોખ્ખું બોલતા શિખશે?” તમે જ કહો હું કેમ શીખું ચોખૂ, મારે તો ઘરના બધાના ચહેરા અને હોઠ જોઈને જ શીખવાનું છે તો જો એજ તોતડું બોલે તો હું ચોખ્ખું બોલતા કેમ શીખું?
અહીં આ વાઈરસનો અંત નથી થતો, અમુકનું આનું જોર વધે છે અને એને ફેલાવે છે ઘરમાં આવતા મહેમાનો. મહેમાન આવે એટલે આપણને તો શોભાના ગાંઠિયાની જેમ ઊભા રાખી દે. હું ત્રણ વર્ષનો કોઈક વાર ટીવી જોતાં જોતાં ધૂમ ધમાકા વાળું ગીત આવી ગયું તો મારા હાથ પગ એ તાનમાં ને તાનમાં થોડા નાચી ઉઠયા. બસ, ત્યારથી એ પાક્કું થઈ ગયું કે અનન્યને ડાન્સ આવડે છે અને મહેમાનો આવે એટલે મને રજૂ કરવામાં આવે અને એજ ગીત વગાડવામાં આવે અને બધા વચ્ચે મને કહે, “જો અનન્ય હવે ડાન્સ કરશે, અરે એને તો આ ગીત બહું ગમે, જેવુ આવે કે ઠેકડા જ મારવા લાગે, જો જો હમણાં કરશે.” હું પણ શરમનો માર્યો એક બે હાથ હલાવી દઉ અને મહેમાનો તો એવા રાજી થાય કે જાણે માઇકલ જેક્શનનો ડાન્સ જોયો હોય!” હશે, હું એ વિચારી લવ કે મારા કારણે આ લોકો ને હસવું તો આવ્યું પરંતુ હકીકતમાં તો એ મારી મજાક ઊડે એવું લાગે મને.
એ જ મહેમાનો પાછળથી એમ બોલે કે, “બાળક છે, એને કયા આટલી સમજ હોય.” ત્યારે તો નહીં પણ એ છાપ મોટા થઈને ક્યારેક ને ક્યારેક લાગી આવે, ગમે એટલા આપણે હકારાત્મક વિચારોથી ઇમ્યુન હોઇએ પણ બાળકનું મન છે, ત્યારે એને શરમ અનુભવાય પરંતુ આગળ જતાં એ શરમ ડર બનતા વાર ના લાગે.
મારુ બાળપણ તો આવુ જ એડવેન્ચરથી ભરપૂર છે, કોરોનાનો કેર તો ઘણો ઓછો થયો છે, પણ માણસની અંદર જે અમુક વાઇરસ ઘર કરીને ઊધઈની જેમ બધાના જીવનને ખોખલા કરી રહ્યા છે તેનો કેર આજે પણ એમ જ યથાવત છે. ખબર નહીં ક્યારે સુધારો આવશે? મોટો થઈ, થોડો ચોખૂ બોલીને કેતકીબેન અને તુષારભાઈને સમજાવાની કોશિશ કરીશ પણ ત્યાં પણ એક વાઇરસ નડશે, મોટો થયો નથીને મા – બાપની સામું બોલે છે, શરમ નથી આવતી? અને આ વાઇરસની એક મુખ્ય વાત જે આ મોટા માણસો મારા જેવા નાના બાળકને સંભળાવે જ, “તને શું ખબર પડે આમાં?, તારા કરતાં વધુ દિવાળી અમે જોઈ છે.”
હવે તમે જ કહો, આમાં શું લૉજિક છે? કોઈ ઉપાય નથી સાહેબ, જેમ છે તેમ રહેવા દઈએ. સારું ત્યારે હું જરાક ભગવાનને બધુ જાણ કરતો આવું ત્યાં સુધી તમે, મને વાંચો, સમજવાની કોશિશ કરો. જલ્દી જલ્દી પાછા ભેગા થશુ.