ઇ. સ. ૨૦૭૫
નેન્સી એક મોટી પુરાતત્વ નિષ્ણાંત કંપનીમાં કામ કરી રહી છે. એના કામમાંથી એ છૂટીને હંમેશા એના પપ્પા પાસે જ આવે, બન્ને વાતો કરે અને નેન્સીનો મોટાભાગનો થાક ઉતરી જાય. આવી જ ટેવ પ્રમાણે એક દિવસ એ એના પપ્પાને મળવા રૂમમાં પહોંચે છે, અને રૂમમાં રાખેલા બનાવતી ઝાડમાં ઘંટડી વાગે છે, “લાગે છે કોઈનો મેસેજ છે.” નેન્સી તરત મેસેજ સાંભળવા ઝાડમાંથી એક પાંદડું હલાવે છે. ત્યાં તો એના પપ્પાનો જ અવાજ છે.
“બેટા તું હંમેશા પૂછતી હોય છે ને, કે તમે અચાનક મંગળ પર જવાનું કેમ ટાળ્યું હતું?! આજે હું તને એનો જવાબ આપીશ. તું આ ઝાડનું ફળ તોડીશ એટલે તને આપણી રોબોટ એન્ડીના અવાજમાં એક વાર્તા જોવા અને સાંભળવા મળશે. નેન્સી તરત ફળ તોડે છે અને એની સામે જ એક મોટો પડદો તૈયાર થાય છે જેમાં હૂબહૂ એના પપ્પા જેવા લાગતો એક છોકરો દેખાય છે.
“કેમ છો નેન્સી. આ રહ્યો આર્યન. તારા માટે રાખેલી વાર્તા મારા અવાજમાં નાટ્યાત્મક રૂપાંતર સાથે.”
ઇ. સ. ૨૦૫૦
“તમે મારા વગર ક્યાંય નહિ જઈ શકો. ચાંદ પર જાવ કે મંગળ પર!”
એક ખંડેર જેવા રસ્તા પર પૂરપાટ દોડતી ગાડીમાં આવો અવાજ ગુંજ્યો. એક અજાણી વ્યક્તિનો મેસેજ ગૂગલ આઈ પર આવ્યો હતો. એણે એના શર્ટના બટનને સહેજ હલાવીને આ વ્યક્તિની તપાસ કરવાનું ચાલુ કર્યું. પણ વાત બની નહિ. આર્યનના મગજમાં હવે એક જ મેસેજ ફર્યા કરતો હતો. ઘરે પહોંચીને એણે લેપટોપમાં મથામણ કરવાનું ચાલુ કર્યું.
ત્રીજું વિશ્વ યુધ્ધ થઈ ચૂક્યું હતું અને પર્યાવરણને બચાવવા માનવો મરણતોલ પ્રયાસો કરતા હતા. હવે પછીનું ભાવિ શું હશે એ કોઈને ખબર નહોતી. બધા જુવાનિયાઓ એની પાછલી પેઢીને જ જવાબદાર માનતા હતા.
આર્યન ઘરે આવીને સોફા પર બેસી, ગૂગલ આઈ પર આસપાસના સમાચાર જોવાની ચાલુ કર્યું. આજની સળગતી ખબર એ જ હતી કે, પહેલું રોકેટ મંગળ તરફ રવાના થઈ રહ્યુ છે. જેમાં દેશના અમીર લોકો ત્યાં સુખેથી રહેવા જઈ રહ્યા છે. આર્યનને તો ફાળ પડી, “હું પણ શ્રીમંત છું. હું પણ મંગળ પર જઈશ એટલે આ સૂકી પૃથ્વીથી છુટકારો મળે.” ત્યા પેલો અવાજ પાછો મગજમાં ચડે છે. “કોઈને મારાથી શું જોઈતું હશે કે મને આવી રીતે ધમકી આપે છે.!” ત્યાં તરત જ નેન્સી આર્યન પાસે આવીને કાલાવાલા કરવા લાગી, “પપ્પા, મારે બધા સાથે મંગળ પર નથી જવું. મારે મારી સ્કૂલ છોડીને ક્યાંય નથી જવું, મમ્મી તો અવકાશમાં તારો બની ગઈ છે ને, પછી એ આપણને પૃથ્વી પર કેવી રીતે ગોતશે?” આર્યન એના માસૂમ ચેહરાને જોઈ રહ્યો.
“નેન્સી બેટા, જમવાનું તૈયાર છે, પછી તારે ગાર્ડનિંગના ક્લાસ માં પણ જવાનું છે.”
“હા દાદી હું હમણાં આવી ગઈ.”
આર્યનથી રહેવાયું નહિ અને બોલ્યો,”કેમ મમ્મી તને ખબર છે કે આપણે અહીંયા વધારે સમય નહિ રહી શકીએ. શું કામ ખોટેખોટા ક્લાસ કરાવે છે!”
“બેટા આ ધરતીમાં હું જન્મી છું અને એની રક્ષા મર્યા સુધી કરીશ.” એટલીવારમાં તો ઘરનો બેલ વાગ્યો, આર્યને જઈને જોયું તો એના માટે એક પાર્સલ હતું લખ્યું હતું, ‘તમે મારા વગર ક્યાંય નહિ જઈ શકો. ચાંદ પર જાવ કે મંગળ પર!’
આખરે એ અજાણ્યો અવાજ એના ઘર સુધી પહોંચી જ ગયો. ઘણી મહેનત બાદ ખોલ્યા પછી, એમાંથી મેમરી કાર્ડ નીકળ્યું. અસમંજસ સાથે તરત જ મોબાઇલ ફોનમાં જોડ્યું. એક ૬૦ ૬૫ વર્ષની મહિલા દેખાઈ રહી હતી, વિડિયો ચાલુ થતાં જ બોલી, “આર્યન પરીખ, તમે મારી વગર મંગળ પર નહિ જઈ શકો. મારી પાસે તમારી કિંમતી વસ્તુ પડી છે. તમે એને લીધા વગર નહિ જઈ શકો. જે છે તમારા સ્ટેમ સેલ! મને એની કિંમત જોઈએ છે, જે છે તમારી ૫૦૦ વીઘા લીલી જમીન. તમે કિંમત આપવા રાજી હોવ તો આ મેમરી કાર્ડના બે ટુકડા કરશો એટલે મને સંદેશો મળી જશે અને હું તમારી સામે હાજર થઈશ.”
આર્યનને તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું લાગ્યું. કોઈ પણ ઉકેલનો છેડો નહોતો મળતો. અને આ વાત કરવી પણ કોને! આ દરમ્યાન સમાચાર ફેલાઈ રહ્યા હતા કે જેને પણ મંગળ પર જવું હોય, એને જન્મ સમયે સ્ટેમ સેલ સાચવેલા હોવા જોઈએ. આ તો ફરી એની એ માથાકૂટ ને મગજમાં ફરતો પેલી મહિલાનો વિડિયો. આ જમીનના નામે જ એ અત્યારે જીવંત હતો, અને શ્રીમંત પણ! એની જમીન સિવાય અહીંયા કાંઈ જ આજીવિકાનું સાધન હતું નહિ. મંગળ પર એ જાય તો નવી તક મળશે, નવી દુનિયા અને નવી શોધ કરવા મળશે. મંગળ પર જવું હશે તો સ્ટેમ સેલ જોઈશે. એક દિવસ.. બે દિવસ… કોઈ નિર્ણય આવતો નહોતો.
સખત ઠંડીની રાત હતી અને આર્યન મેમરી કાર્ડને હાથમાં લઈને રમત કરતો હતો, આમ પણ એને છેલ્લા ૩ મહિનાથી ઊંઘ તો આવતી નહોતી. આખરે એણે મેમરી કાર્ડના બે ટુકડા કરી જ નાખ્યા. હવે બસ ખાલી રાહ જ જોવાની બાકી હતી, પોતે તો વેચાઈ ગયો હતો. ઘરની ઘંટડી વાગી, અને જોયું તો બેંકમાં કામ કરતી હોય એવા કપડાં પહેરીને એક મહિલા ઊભી હતી. એના હાથમાં હથેળી જેટલું કાગળ જેવું લાગતું લેપટોપ હતું.
“તમે આર્યન પરીખ ને?!”
“હા, હું જ આર્યન. તમે કોણ છે? તમારી પાસે મારા સ્ટેમ સેલ કેમ આવ્યા? અને તમે મારી લીલી ફળદ્રુપ જમીનનું શું કરશો?…”
હજી તો વધારે સવાલ પૂછવા જાય છે ત્યાં મહિલા એણે અટકાવે છે,” તમે જે દવાખાના માં જન્મ લીધો હતો એમાં જ હું નર્સ હતી. મે તો ખાલી અનુભવ લેવા અને શિખાઉ રીતે તમારી નાળ સાચવી રાખી હતી. ત્યાંથી હું રાહ જોઈ રહી છું કે ક્યારે હું એની સાચી કિંમત માંગુ. મને જમીન જોઈએ છે. લીલી જમીન, જ્યાં ઝાડ હોય, તળાવ હોય, પક્ષીઓનો કલરવ સાંભળવા મળે અને વરસાદ આવે ત્યારે એ જ ભીની માટી ની સુગંધ હું લઈ શકું. મને એ દુનિયામાં વિદાય લેવી છે જેવી દુનિયામાં હું જન્મી છું. હું એની માટે ગમે તે કિંમત ચૂકવવા તૈયાર હતી. પણ મારી પાસે પૂરતી સંપત્તિ નહોતી. ત્યારે મને તમારા સાચવેલા સ્ટેમ સેલનો વિચાર આવ્યો. અને હું હવે જીતી ગઈ છું.”
આર્યન કુતુહલતાથી એની પૃથ્વી પર રહેવાની ચાહને સાંભળી રહ્યો હતો. એને ખબર હતી જેટલા એના સ્ટેમ સેલ મહત્વના છે, એટલી જ પેલી જમીન! આવા વખતે ના તો નસીબ કામ આવે ના તો અનુભવ !
આર્યન મહિલાને જવાબ આપતા બોલ્યો,”તમે મારી જમીનને સ્વર્ગ માનો છો અને હું ખાલી પૈસા કમાવાનું સાધન. મારે મંગળ પર તો જવું જ છે પણ એટલી મોટી કિંમત આપીને નહિ. મારી દીકરી ગાર્ડનિંગ શીખી રહી છે એ આશાથી કે એકદિવસ એ પૃથ્વીને લીલીછમ બનાવી શકે. માફ કરશો પણ હું આ જમીન નહિ આપી શકું.”
“તમે પસ્તાશો મિસ્ટર આર્યન પરીખ. બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યા છો તમે. મને જમીન આપીને હંમેશા માટે નવી દુનિયામાં જતા રહો.”
“હવે તો મારી પાસે અબજો સંપત્તિ હશે તો પણ મંગળ પર નથી જવું. હું પણ વરસાદની ભીની માટીની સુગંધ લઈશ, અને પક્ષીઓનો કલરવ સાંભળીશ. મારે હવે હસતા ફૂલ અને ખેતરમાંથી આવતો ઠંડો પવન ખાવો છે.”
બસ આ સાંભળતાની સાથે મહિલા સ્ટેમ સેલ સાચવેલી બોટલને તોડી નાખે છે. વર્ષોથી રાખી મુકેલી નાળ ને બે પળ માં બરબાદ કરી દેતી એ બોલી,”હવે તો ના આ જમીન મારી થશે, ના તો તમે મંગળ પર જઈ શકશો.”