લીલાના પાત્રને પોતાનાં સર્જનો દ્વારા અમર બનાવનાર ગઝલકાર આસીમ રાંદેરી સાહેબ (1904-2009)
~ દેસાઈ માનસી
તેમનો જન્મ સુરતના રાંદેરમાં થયો હતો. મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યા બાદ અરબસ્તાનમાં તેમના પિતાનું અચાનક અવસાન થતાં તેમણે અધૂરા અભ્યાસે વિદેશ જવું પડ્યું. ૧૯૨૮ થી ૧૯૩૨ સુધી ઇસ્ટ આફ્રિકામાં કેન્યા ડેલી મેઈલના તંત્રીવિભાગમાં કામગીરી કર્યા પછી સ્વદેશ આવી મુંબઈમાં સ્વિડિશ મૅચ કંપનીની શાખા વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમૅન બન્યા. દરમિયાન ૧૯૫૦માં તેમણે લીલા માસિકની સ્થાપના કરી. ૧૯૬૫માં તેઓ નિવૃત્ત થયા. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન તેમણે કોલંબો, આફ્રિકા, અરબસ્તાન, માડાગારસ્કર, રિ-યુનિયન, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી ઉર્દૂ શાયરીઓની રજૂઆત કરી. ૧૯૭૩માં લંડન, કૅનેડા અને અમેરિકાનો પ્રવાસ કર્યો. મનહર ઉધાસનાં મુલાયમ કંઠમાં ગવાયેલી લોકપ્રિય ગઝલ “જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે” એ લીલા (૧૯૬૩) એમનો મુખ્યત્વે પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. એમાં લીલાના એક જ પાત્ર પર લગભગ કથા સ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. આ કાવ્યો છૂટાંછૂટાં તેમ સળંગ પ્રણયકથા તરીકે પણ આસ્વાદ્ય છે.
બાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ-ગીતોની લાક્ષણિકતા છે. શણગાર (૧૯૭૮)માં ૧૯૨૭ થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો, મુક્તકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમો અને ગીતો સંગૃહીત છે. અહીં એમનાં ગીતો પણ ગઝલસ્પર્શી છે અને અભિવ્યક્તિની સાદગી કાવ્ય રસિકને આકર્ષનારી છે. સાહિત્યમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ ૨૦૦૫માં વલી ગુજરાતી ગઝલ એવોર્ડ તથા કલાપી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 6 ફેબ્રુઆરી 2009 નાં દિવસે 104 વર્ષની ઉંમરે તેમનું અવસાન જન્મભૂમિ રાંદેર, સુરતમાં થયું હતું. ભાવવંદન