એક પડખે ઊંઘ પૂરી થાય તો છે લાભ પાંચમ,
સ્વપ્નમાં પણ દર્દ ના વર્તાય તો છે લાભ પાંચમ..
સ્વાદ અનુસાર અન્ન ખુદની થાળીમાં સૌ લે ભલે, પણ,
એક પંગતમાં જ સ્વજનો ખાય તો છે લાભ પાંચમ..
વાહવાહી ગામમાં કેવળ કરે સૌ, કામનું શું?
માવતર ઘરમાં જરીક હરખાય તો છે લાભ પાંચમ..
ધન મળે મહેનત વગરનું – એ વિચાર આવે ન ક્યારેય,
દેહ પરસેવાથી પૂરો ન્હાય તો છે લાભ પાંચમ..
કાયમી શાસ્ત્રાર્થ થોડો થાય એ આદર્શ છે, પણ,
નિર્વિવાદે દિ’ પૂરો થઈ જાય તો છે લાભ પાંચમ..
હાથ નાખું ત્યાં મળે ધન – એ નથી દિલને અપેક્ષિત,
રોગ પાછળ ના રકમ ખર્ચાય તો છે લાભ પાંચમ..
રણ વચાળે આકડા માફક જીવીને ફાયદો શું?
પ્રિયજનો સાથે જીવન જીવાય તો છે લાભ પાંચમ..
ફક્ત ખુદ માટે કમાવું – એ નથી માનવ્ય સાચું,
દાન અર્થે કંઈક ધન વપરાય તો છે લાભ પાંચમ..
આપ-લેની વાત ના પામે વધુ પ્રાધાન્યતા ક્યાંય,
ઉત્સવો ‘નિસ્વાર્થ’ થઈ ઉજવાય તો છે લાભ પાંચમ..
✍️ ડૉ.ધીરજ એસ. બલદાણિયા ‘નિસ્વાર્થ