આપણું આ જીવન એક ખેતર જ છે, અને આપણે એ ખેતરના માલિક ખેડૂત. લોકો હમેશાં કહે છે, ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જશું, કૃષ્ણ ભગવાન પણ ગીતામાં એજ ઉપદેશ આપે છે. સાચું કહું તો માણસ, ભગવાન પાસેથી વારસામાં લાગણી લઈને આવ્યો છે અને મરણોપરાંત લાગણીને અસ્થિ સ્વરૂપે આપતો જાય છે અને સાથે યાદ સ્વરૂપે લાગણી લેતો જાય છે.
લાગણીનું વાવેતર માણસે કરવાનું છે, લાગણીના દાણા છે જ એની પાસે, સંબંધરૂપી ખાતર છે, માણસાઈરૂપી હળ છે, પ્રેમરૂપી પરિશુદ્ધ પાણી છે, જરૂર છે ફક્ત યોગ્ય સમયે, યોગ્ય લાગણીના વાવેતરની. ખૂબ જ જટિલ શબ્દ છે લાગણી કારણ એક જ છે લાગણીને આપણે આશા, ઉમ્મીદ અને અપેક્ષા સમજીને ખોટી રીતે વાવી દઈએ છીએ. અપેક્ષાએ લાગણી નથી એ લાગણીને આજુબાજુ ઊગતું એક નકામું ઘાસ છે જે લાગણીને છિન્નભિન્ન કરી નાખે છે.
લાગણીને જેટલું સમજીએ એટલું અઘરું નથી, લાગણીને ગેરસમજણ સમજી લેવું એ સૌથી ઘાતક છે. આપણે બધા જ લાગણીથી પરિચિત છીએ, માં – બાપની લાગણી, ભાઈ – બહેનની લાગણી, ભાઈ – ભાઈની લાગણી, મિત્રોની લાગણી, પતિ – પત્નીની લાગણી, પ્રેમીની લાગણી, એકતરફી પ્રેમની લાગણી, જો ગણતરી કરવા બેસીએ તો કૃષ્ણની ૧૬૧૦૮ રાણીઓ કરતાં પણ વધુ હોય શકે. આટલી બધી લાગણીઓને સમજવી કેમ? સમજાઈ તો વાવેતર થાઈ ને!
જો લાગણીને સમજવા બેસીએ તો લાગણીનો અર્થ જતો રહે, મારા મતે સૌથી આસાન રસ્તો છે લાગણીનું વાવેતર કરવા માટે જેમ ખેડૂત પાકને ઋતુ અનુસાર વાવે છે, જમીન અનુસાર વાવે છે અને મબલખ પાક જ્યારે ઉપજે ત્યારે લણે છે તેમ જ લાગણીનું વાવેતર છે, વ્યક્તિ અનુસાર લાગણી જોવો, સંબંધ અનુસાર તેની સાથે વ્યવહાર કરો અને મબલખ પ્રેમને લણીલો.
આ સંસાર ભગવાને બનાવ્યો, માણસોને અવતર્યા, લાગણીને અવતરી એક જ વિચાર કરી કે આ સંસાર લાગણીથી ચાલસે. હાલ, કળયુગ છે લોકો કહે છે હવે માણસાઈ નથી રહી, લાગણીનો વેપાર થાય છે. હા, હશે અમુક જગ્યાએ એવું પરંતુ ગમે તે યુગ આવી જાય, માણસ લાગણીનો ભૂખ્યો હતો, છે અને હમેશાં રહેશે.