દુનિયાની મોટામાં મોટી આફતો પૈકી એક એટલે લડાઈ કે યુદ્ધ. મોટેભાગે કોઈ પણ લડાઈ કે યુદ્ધ પાછળ એવી સરમુખત્યાર વ્યક્તિ, નેતા કે રાજા જવાબદાર હોય છે. પરંતુ આધુનિક યુગની કમનસીબી એ છે કે અત્યારે દેશ અને દુનિયામાં લોભી લાલચી ક્રૂર સ્વાર્થી ચરિત્રહીન સરમુખત્યારો ડગલે ને પગલે જોવા મળે છે. કોઈ પોતાનું સામ્રાજ્ય વધારવા લડાઈ કરે છે, કોઈ પોતાની સંસ્કૃતિના ઘમંડમાં લડાઈ કરે છે, કોઈ ચામડીના રંગની મહત્તામાં મગરૂર થઈ યુદ્ધ કરે છે. ક્યારેક કોઈ રાજનીતિજ્ઞ ખટપટ, કાવાદાવા, નફાખોરી, પ્રતિષ્ઠાની ભૂખ જેવા કારણો લડાઈ માટે જવાબદાર હોય છે.
પ્રાચીન સમયમાં સુંદર સ્ત્રીને મેળવવા લડાઈઓ થતી અને લાખોની કુરબાની અપાતી. વળી ઇતિહાસને પાને પાને ધર્મના નામે થયેલા લડાઈ (યુદ્ધ)ની તવારીખ પ્રાપ્ય છે. ધર્મસ્થળોની રક્ષા અથવા પોતાનો ધર્મ શ્રેષ્ઠ હોવાના મિથ્યાભિમાનથી પ્રેરાઈને અનેક યુદ્ધ થયેલા છે. અનેક આર્થિક કારણોસર પણ યુદ્ધો ફાટી નીકળતા હોય છે. ટૂંકમાં કારણ કંઈ પણ હોય માનવજાતે લડાઈ અને યુધ્ધો દ્વારા પોતાની સંસ્કૃતિને શરમાવી છે એવું કહેવામાં મને બિલકુલ અતિશયોક્તિ લાગતી નથી. માણસમાં પશુનું લક્ષણ (તત્વ) પણ છે અને પ્રભુનું તત્વ પણ છે એટલે કે દૈવી અને આસુરી બંને ગુણો એક સાથે તેનામાં જોવા મળે છે. જ્યાં સુધી માણસ માત્ર પશુગત પ્રેરણાથી દોરાતો રહેશે ત્યાં સુધી લડાઇ કે યુદ્ધનો સિલસિલો અવિરત ચાલુ રહેવાનો એમાં શંકાને કોઈ સ્થાન નથી. જ્યારે ઈશ્વરી તત્ત્વ જાગૃત થશે ત્યારે મનુષ્ય લડાઈના નામથી દૂર ભાગશે કેમ કે મનુષ્યમાં જેમજેમ ઈશ્વરીતત્ત્વ ખીલતું જશે તેમતેમ તેનો સ્વાર્થ ઓછો થતો જશે. સ્વાર્થ ત્યાગ દ્વારા જ સાર્વત્રિક વિકાસ શક્ય બને છે એ તો સર્વવિદિત છે, એ સાથે મંગળકારી યુગની શરૂઆત પણ થાય છે. સાચું પૂછો તો સઘળા દ્રષ્ટિબિંદુઓમાં આધ્યાત્મિક અને નૈતિક દૃષ્ટિબિંદુ સૌથી શ્રેષ્ઠ છે એવું હું દ્રઢપણે માનું છું.
વ્યક્તિગત લડાઈ, પ્રાદેશિક લડાઈ કે રાષ્ટ્રીય યુદ્ધ ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જ્યારે વ્યક્તિગત કે સામુહિક દુર્ગુણોની માત્રા વધે છે. યુદ્ધ દરમિયાન દુર્ગુણો અને અનૈતિકતા માઝા મૂકે છે કારણકે જીતવા માટે માણસ કોઈ પણ હદ સુધી નીચે જતાં અચકાતો નથી. યુદ્ધ કે લડાઈની સમાપ્તિ બાદ પણ અનેક નેગેટિવિટી દુર્ગુણોના રૂપમાં પાછળ રહી જાય છે. આમ યુદ્ધ કે લડાઈ થવા પાછળનું મુખ્ય જવાબદાર કારણ વ્યક્તિ કે સમાજમાં રહેલા દુર્ગુણો જ છે અને યુદ્ધ બાદ પણ અનેક દુર્ગુણોનું સર્જન થતું હોય છે જેનું અસ્તિત્વ અવિરત જળવાઈ રહે છે. એ અર્થમાં લડાઈ સર્વ દુર્ગુણોની માતા છે. જેના દ્વારા ભૂત અને ભવિષ્યમાં દુર્ગુણો સર્જાતા જ રહે છે. જ્યારે બે વ્યક્તિ, બે સમૂહ, બે કુટુંબ કે બે દેશ વચ્ચે લડાઈ થાય છે ત્યારે એકતા, સ્નેહ, પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નિસ્વાર્થપણું જેવા અનેક ઉમદા સદગુણોનો અંત આવે છે. પ્રજા વધુ વિઘાતક (નેગેટિવ) સ્વાર્થી હિંસક અને નિર્દયી બને છે. તમામ સ્તરની લડાઈ કે યુદ્ધ વ્યક્તિગત, સામૂહિક કે દેશની સત્તા શક્તિ બળ અને તાકાત ચોક્કસ દર્શાવે છે પરંતુ ધર્મનિષ્ઠા (rightness) ને ઢાંકી દે છે એ દૃષ્ટિએ લડાઈઓ હંમેશા અતિ ઘાતક સાબિત થાય છે. જે વ્યક્તિ સમૂહ પ્રદેશ કે દેશના મૂલ્યોનો અવિરત હ્રાસ કરે છે જેની ખૂબ ઊંચી કિંમત દરેકે ચૂકવવી પડે છે.
હમણા જ પૂર્ણ થયેલ રશિયા અને યુક્રેનની લડાઈની પરિસ્થિતિ વગર કહે મારી વાતને સમજવામાં ચોક્કસ વધુ સહાયક બનશે. વ્યક્તિગત કે સામુહિક અહંકાર નિર્દયતા સ્વાર્થીપણું કે અંગત ઈચ્છાપૂર્તિ જેવા કારણોને લઇ યુદ્ધના નામે અનેક નિર્દોષના જીવન સાથે લોકો ખેલતા રહે છે. આધુનિક જગતમાં દરેક દેશો અન્ય દેશો સાથે આર્થિક અને રાજકીય સંબંધો ધરાવે છે. બે દેશો વચ્ચેના યુદ્ધને કારણે અનેક તટસ્થ દેશોના નાણાબજાર, વ્યાપાર અને સામાન્ય જનજીવનને ઊથલપાથલ કરી મૂકે છે. એક યુધ્ધ ધીરે-ધીરે આખી દુનિયાને પોતાના સપાટામાં લઈ લે છે. દરેક દેશનું એક ચોક્કસ બજેટ હોય છે પરંતુ જ્યારે સુરક્ષા અર્થે વધુ પડતા શસ્ત્રસામગ્રી ઉભી કરવાની જરૂરિયાત ઉદભવે છે ત્યારે અન્ય જરૂરી ક્ષેત્રો વંચિત રહી જાય છે, જેની ખૂબ ઊંચી કિંમત નિર્દોષ પ્રજાએ ચૂકવવી પડે છે. તાજેતરમાં ચાલી રહેલા ખતરનાક જંગને તપાસવામાં આવે તો સમજાશે કે અનેકવિધ પ્રગતિ છતાં મનુષ્યની સંસ્કૃતિનું પોલાપણું છતું થાય છે. મનુષ્યમાં રહેલી પાશવીવૃત્તિનું દર્શન થાય છે. કટોકટીના આવા સમયમાં રાક્ષસી નફાખોરીનો હેતુ રાખનાર વેપારીઓ તેમજ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા તૈયાર અનેક લોકોને તો કઇ કેટેગરીમાં મુકવા એ મારી તો સમજ બહાર છે.
લડાઈ (યુદ્ધ) આફતકારી ખાનાખરાબીઓ સાથે મનુષ્ય ચારિત્રનો વિનાશ કરે છે જેની ભરપાઈ મોટેભાગે અસંભવ બની જતી હોય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને નીચોવીને ખતમ કરી ધનવાન બને તેના કરતાં અનેક વ્યક્તિઓ કે સમૂહ અને દેશો ભેગા મળીને સહકારી ધોરણે લાભ મેળવે તેનાથી વધુ ઉત્તમ બીજું શું હોઈ શકે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, કુટુંબ-કુટુંબ વચ્ચે કે દેશ-દેશ વચ્ચે સૌનું હિત જળવાય અને કોઈ પ્રકારની લડાઈ કે યુદ્ધ ન થાય તેવી કોઇ વ્યવસ્થા અંગે આપણે સૌએ વિચારવું જોઈએ. લડાઈઓ દ્વારા પોતાનું સામ્રાજ્ય વધારવાની ઘેલછા માનવીય મૂલ્યોનું પતન દર્શાવે છે. લડાઈ (યુદ્ધ) જેવું દારૂણ દુઃખ બીજું કોઈ હોઈ શકે જ નહીં એવું મારું ચોક્કસપણે માનવું છે. જેનાથી મોટાપાયે ખાનાખરાબી થાય છે, અસંખ્ય લોકો મરે છે ત્યાં દુઃખનું તો પૂછવું જ શું. રણક્ષેત્ર એ તો યમરાજની સંહારલીલાનું મનગમતું સ્થાન છે એટલે કે મોતના દેવતાનું રમતગમતનું મેદાન છે. યુદ્ધનું પરિણામ દુઃખ અને પાપનો ફેલાવો કરે છે કેમ કે લડાઈ એ તો તમામ દુર્ગુણોની માતા છે.
જેનાથી બચવા દરેકે વ્યક્તિગત સ્તરે કમ-સે-કમ એટલું અવશ્ય નક્કી કરવું જોઈએ કે હું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ અનૈતિક લડાઈ કે યુદ્ધમાં ભાગીદાર નહીં બનું. તો કદાચ યુદ્ધ દ્વારા થતો નરસંહાર અને ખાના-ખરાબી અટકી શકે. બાકી તો યુદ્ધ દ્વારા સતત પાપનું ચક્ર ચાલતું જ રહેશે અને ઈશ્વર ફરી પાછું પાપનો ભાર હળવો કરવા અન્ય યુદ્ધ દ્વારા વિનાશ કરશે કેમ કે યુદ્ધમાં જ્યારે કોઈ એક દેશ જીતે ત્યારે અન્ય હારેલા દેશ પર તેની નેગેટિવ છાપ દુશ્મની રૂપે છોડીને જાય છે. જે આગ ક્યારેક અનુકૂળતા મળતા બદલારૂપે ફરી પ્રજ્વલિત થતી હોય છે અને આ જ રીતે સતત અવિરત વિનાશ વેરાતો રહે છે.
શાસ્ત્રો જણાવે છે કે પાપનો બદલો મોત છે. દેશ દુનિયા કે જીવનમાથી જો પાપ જશે તો યુદ્ધ થશે, યુદ્ધ જશે તો વિનાશ જશે અને આપણે સૌ મન-વચન-કર્મથી શુદ્ધ થઈશું. જો એવું શક્ય બને (જે અસંભવ નથી પરંતુ મુશ્કેલ અવશ્ય છે) તો દૂરના ભવિષ્યમાં કદાચ સતયુગની પ્રાપ્તિ સહજ બની શકે. જો સત્ય, પ્રેમ, અહિંસા, ભાતૃભાવનાનું પાલન કરીએ, લોભ-લાલચ અને બૂરાઇને વશ ન થઈએ, બીજી નાત-જાત ધર્મ કે દેશ પર પણ પોતાના જેટલો જ પ્રેમ રાખીએ, ગરીબોની રોટી પર બદનજર ન રાખીએ, સર્વે પ્રત્યે મમતાથી સ્નેહથી વર્તીએ તો જીવનમાંથી શારીરિક માનસિક આર્થિક સામાજિક દુખોની બાદબાકી અવશ્ય થઈ શકે. યુદ્ધરૂપી વિનાશની ચક્કીમાં પીસાવાના પ્રારબ્ધથી આપણે મુક્ત અવશ્ય થઈ શકીએ. યુદ્ધ કે લડાઈ દ્વારા સર્જાતા વિનાશ મોત, દુઃખ અને પાપની જો કોઈ અકસીર દવા હોય તો તે શુદ્ધ સાત્વિક નિર્મળ અને મૂલ્યવાન જીવન છે જે દ્વારા લડાઈ અટકે છે બાકી તો લડાઈ અનેક દુર્ગુણોની માતા છે જે પાપ કે દુર્ગુણોનું વિષચક્ર સર્જે છે એ કદી ન ભૂલવું. આપના સૌનો એ અનુભવ અવશ્ય હશે કે વ્યક્તિગત ધોરણે પણ જ્યારે બે વ્યક્તિ કે બે કુટુંબ વચ્ચે લડાઈ થાય છે ત્યારે વ્યક્તિ અન્યની સારાઈ જોઈ શકતો નથી અને શક્ય એટલું સામા પક્ષનું અહિત કરવા અગ્રેસર થાય છે. એ જ બતાવે છે કે લડાઈ મોટી હોય કે નાની વ્યક્તિમાં રહેલા સારા ગુણોને ઢાંકી દુર્ગુણોને વધારી દે છે, જે અનેક પીડા દુખદર્દ અને પાપોની વૃધ્ધિ કરે છે. આમ લડાઈ અતિ દુખદ પરિસ્થિતિનું સર્જન કરતા અનેક દુર્ગુણોની માતા છે જેથી શક્ય એટલી જલદી એનાથી મુક્તિ મેળવી લેવી જોઈએ. એટલું તો હું અહી અંતે અવશ્ય કહીશ. આ આર્ટીકલ વાંચી કોઈ એવું બિલકુલ ન સમજે કે વ્યક્તિની, કુટુંબની, નેતાઓની, સમાજની, દેશ કે દુનિયાની કોઈ પણ અનૈતિક કે અન્યાયી બાબતોને સર્વથા સહન કરી લેવી. અન્યાય અને અનૈતિકતા સામે અવાજ ચોક્કસ ઉઠાવવો પણ સિદ્ધાંતોની લડતમાં સદગુણોની બાદબાકી ન કરતા સંસ્કાર અને સભ્યતાના ધોરણો અવશ્ય જાળવી રાખવા. વ્યક્તિગત સ્વાર્થ કે જીત માટે સિદ્ધાંતો અને મૂલ્યો સાથે સમાધાન કરી વધુ નીચે ન ઉતરી જવું કે જે દ્વારા અનેક દુર્ગુણો જીવનમાં પ્રવેશે અને જીવન નર્ક સમાન બની જાય અને પસ્તાવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન રહે.