નમસ્કાર મિત્રો,
ગત સપ્તાહે આપણે ગુરુ ગ્રહ વિષે વિસ્તૃત માહિતી મેળવી. આજે આપણે લગ્ન સ્થાનમાં રહેલા બૃહસ્પતિ ગ્રહના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવીશું.
विद्या ऊँची हो कोई डिग्री, लम्बी आयु धन विधाता हो,
श्राप देवे ऋण पितृ टेवे, बी.ए. पढ़ा ना कुल कोई हो |
લગ્ન સ્થાનમાં ગુરુનું શુભ ફળ :
લગ્નેશ ગુરુ વાળો જાતક ઓછા માં ઓછું ગ્રેજ્યુએશન સુધી તો ભણેલો જ હશે. આવા જાતકો ડિપ્લોમા અથવા ડિગ્રી સુધીનો અભ્યાસ કરેલા હોય છે. જો કુંડળીમાં કેતુ શુભ અવસ્થામાં હશે તો જાતક ૧૬ થી લઈને ૭૫ વરસની ઉંમર સુધી આર્થિક રીતે અને સંતાનની બાબતે સુખી હશે. આ સાથે શુભ ચંદ્ર જાતકનો અંતિમ સમય સારો તથા શુભ બુધ જાતકને ઉચ્ચ પદ પર લઇ જાય છે. જો જાતકની કુંડળીમાં સાતમા સ્થાનમાં સૂર્ય કે કોઈ પાપી ગ્રહ ના હોય તો જાતકને લગ્ન બાદ ફાયદો થાય છે. આવા જાતકો ખ્યાતનામ લોકોની દોસ્તીથી પણ ફાયદો મેળવતા રહે છે. જો આવી વ્યક્તિઓ ગુરુ ગ્રહ સંબંધિત વસ્તુઓનો વ્યાપાર કે ગુરુને લગતા ક્ષેત્રમાં કારકિર્દી બનાવે તો તેમને ચોક્કસ સફળતા મળે છે. જો કુંડળીમાં ચંદ્ર શુભ અવસ્થામાં હશે તો જાતક ઓછા અભ્યાસે અથવા અર્ધી તાલીમ હોવા છતાં પૈસે ટકે સુખી હશે તથા જાતકની માતા ઓછામાં ઓછી ૫૧ વર્ષની ઉંમર સુધી તેને કુદરતી સહાય કરતી રહેશે.
લગ્ન સ્થાનમાં ગુરુનું અશુભ ફળ :
જો લગ્ન સ્થાનમાં ગુરુ હોવા છતાં જો જાતકનો અભ્યાસ ઓછો છે તો સમજી લેવું કે ગુરુ કુંડળીમાં નિર્બળ અવસ્થામાં છે. જો કુંડલીના બીજા, પાંચમા, નવમા કે બારમા સ્થાનમાં બુધ, શુક્ર, શનિ કે રાહુ હોય તો આ જાતક ગમે એટલું ભણેલો હશે પણ તેનામાં આવડત નહિ હોય એટલે કે થિયરિકલ જ્ઞાન હશે પણ પ્રેકટીકલ જ્ઞાન નહિ હોય. આવા જાતકો જો ૨૪ થી ૨૭ વર્ષમાં પોતાની કમાયેલી રકમથી ઘર ખરીદે અથવા ભુવન નિર્માણ કરે અથવા લગ્ન કરી લે છે તો જાતકના પિતાના આયુષ્ય પર ખરાબ અસર પડે છે. જો કુંડળીમાં શનિ નવમા સ્થાનમાં હોય અને જાતક આવા કર્મ કરે તો જાતકના પોતાના આયુષ્ય પર તકલીફ આવી શકે છે. આ અવસ્થામાં આઠમે રાહુ જાતકના પિતાને અસ્થમા અથવા હૃદય રોગને લીધે મૃત્યુ આપે છે. આ કુંડળીમાં બુધ અને ચંદ્ર ગુરુના પાક્કા ઘરોમાં નીચ થઈને બેસેલા હોય કે શત્રુ ગ્રહો સાથે હોય તો આવા જાતકો અભણ અને નિર્ધન પરંતુ બાકમાલ ફકીર હશે. આવા જાતકો લગભગ પોતાના પિતાથી અલગ થઈને જ વ્યવસાય કરતા કે કારકિર્દી બનાવતા જોવામાં આવ્યા છે.
લગ્ન સ્થાનમાં ગુરુના શુભ પ્રભાવો મેળવવાના ઉપાયો :
૧. બુધનો દોષ દૂર કરવા નાકમાં ચાંદી પહેરવી.
૨. ગળામાં સોનુ પહેરવું.
૩. કપાળમાં હળદર કે કેસરનું તિલક કરવું.
૪. કોઈ પણ કાર્ય શરુ કરતા પહેલા નાક સાફ કરવું.
૫. વડીલોને માન સન્માન આપવા.
૬. પત્નીનું અપમાન ના કરવું.
૭. પીપળાના વૃક્ષની સેવા કરવી.
૮. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા.
૯. જો શનિ ૧૧માં કે ૧૨માં સ્થાનમાં હોય તો માંસ, ઈંડા તથા દારૂના સેવનથી દૂર રહેવું.
૧૦. જો શનિ પાંચમે હોય તો ૪૮ વર્ષ પહેલા મકાન ના બનાવવું.
૧૧. જો શનિ નવમે હોય તો મશીન કે યંત્રોની ખરીદી ના કરવી.
૧૨. બુધ, શુક્ર અને શનિની વસ્તુઓ ધર્મસ્થાનમાં ચડાવો અથવા નદીમાં વહેતી કરો.
આવતા અંકે મળીશું ફરી એક વાર નવી માહિતી સાથે…. જય અંબે…