“શારદા તને ખબર છે ને, આ બાબતમાં મને મજાક બિલકુલ નથી ગમતી. તને મારા સમ! શું તું સાચું બોલી રહી છે?”
સાહિલે અધીરા જીવે પૂછ્યું. પતિ સાહિલની બેચેની જોઈને શારદા વધુ મલકાઈ, અને એનું સ્મિત રોકે, નહોતું રોકાઈ રહ્યું. ખબર તો એને બપોરે જ પડી ગઈ હતી, પણ આ શુભ સમાચાર એને સાહિલને ફોન પર નહોતા આપવા. જ્યારે એ આ વાત સાહિલને કરે, ત્યારે એના ચહેરા ના હાવભાવ એને પોતે નજરે જોવા હતા, અને જીવનની આટલી મોટી ખુશી સાથે મનાવવી હતી. શારદાએ સાહિલના માથે હાથ મુક્યો અને શરમાતા કહ્યું,
“તમારી કસમ, તમે ડેડી બનવાના છો!!”
હવે સાહિલની ખુશી અને મુસ્કુરાહટ શારદા જેવી હતી, પહોળી, આખા ચહેરા પર ફેલાએલી. એણે શારદાના કપાળે ચુંબન કર્યું અને એને બાથમાં લેતા કહ્યું,
“મને તો હજીએ વિશ્વાસ નથી થઈ રહ્યો, પંદર વર્ષે?!?”
લગ્નના પંદર વર્ષે આ આધેડ દંપતીને બાળકનું અમૂલ્ય સુખ જોવા મળવાનું હતું. પાછલા વર્ષોમાં, તેઓએ સંતાન મેળવવા માટે બધા શક્ય પ્રયાસ કર્યા હતા, દવા, પ્રાર્થના અને અંધશ્રદ્ધા, બધું જ. પણ દરેક કોશિશ નિષ્ફળ રહી. જો એ લોકો ચાહતે તો બાળક દત્તક પણ લઈ શકતા હતા, પણ તેઓને પોતાનું જ જોઈતું હતું અને છેવટે આ દુઃખને ભગવાનની ઇચ્છા માનીને સ્વીકારી લીધું.
સાહિલે શારદાનો હાથ પોતાના હાથમાં લીધો અને બન્ને જઈને સોફા પર બેઠા.
“હવે મને વિગતવાર બધી વાત કર. ડોક્ટરે શું કહ્યું?” શારદાએ કંઈ પણ છુપાવ્યા વગર, સાહિલને બધી વાત કરી અને છેલ્લે કહ્યું,
“ડોક્ટરે કહ્યું છે કે અતિશય ધ્યાન રાખવું પડશે. ચાલીસ વર્ષની ઉંમર પછી ખતરો વધી જાય છે.”
સાહિલ તરત બોલી ઉઠ્યો,
“જો એવું જ હોય, તો પછી આપણે સંતાન વગર જ સારા છીએ. તારી જાન જોખમમાં નાખીને મને ઔલાદનું સુખ નથી જોઈતું. તારાથી વધીને કાંઈ નથી.”
શારદાએ માથું હલાવતા કહ્યું,
“આપણે પુરી સાવચેતી રાખીશું, મને કાંઈ નહીં થાય. હું તો આ ચમત્કારને ભગવાનની ભેટ સમજું છું.”
શારદાની આંખમાં આંસુ આવી ગયા, અને એનો અવાજ ધીમો પડી ગયો. “સાહિલ, હવે મારાથી બાંજનું લેબલ સહન નથી થતું.”
સાહિલે એને બાથમાં લેતા શાંત પાડી અને પ્રેમથી કહ્યું, “હું સમજી શકું છું. ઓકે, હું કાલે તારી સાથે આવીશ અને ડૉક્ટર પાસેથી બધી વિગત જાણી લઈશ.”
પંદર વર્ષ ઔલાદ વગર બરદાશત કરવું એટલું ભારી નહોતું, પતિ-પત્નીને એકબીજાનો પ્રેમ અને આશરો હતો. પણ કુટુંબ અને સગા સંબંધીઓના મેણા-ટોણા એ જીવવું કઠિન કરી નાખ્યું હતું.
આસાન નહોતું, ખૂબ તકલીફો પડી, શારદા લગભગ બેડરેસ્ટ પર હતી. ડીલીવરીનો દિવસ નજીક આવવા લાગ્યો. એક રાતે ટેબલ પર જમતા જમતા, શારદાએ સાહિલને પૂછ્યું,
“તમને દિકરો જોઈએ છે કે દીકરી?”
સાહિલ હંસી પડ્યો. “તું ગાંડી થઈ ગઈ છો? આ સુના ઘરમાં ઔલાદની કિલકારી વાગવાની છે, એનાથી વિશેષ શું જોઈએ!”
નોર્મલ તો થવાનું જ નહોતું, શારદાની સર્જરી થઈ. અમુક કલાક પછી જ્યારે નર્સે બેબીને લાવીને સાહિલના હાથમાં આપી, તો એની આંખમાં પાણી આવી ગયા. મોઢા પર સ્મિત હતું અને ધ્રુજતા હાથે એણે પોતાની દીકરીને ગળે લગાડી. એ જઈને શારદા પાસે બેઠો અને એના કપાળે ચુંબન કર્યું. ત્યાં તો એનો ફોન વાગ્યો. મોબાઈલ ખીચામાંથી કાઢી અને સાહિલ સામેની વ્યક્તિની વાત સાંભળી રહ્યો હતો. શારદાએ જોયું કે થોડી વારમાં તો સાહિલના મોઢા પર ખુશીની લહેર છવાઈ ગઈ. છેવટે એણે ફોન મુક્યો અને ઉલ્લાસથી કહ્યું,
“શારદા, આજે બહોળી ખુશીનો દિવસ છે.”
“એટલે? હું સમજી નહીં.”
“ઘણા દિવસથી એક બહુ મોટા ગ્રાહકના ઓડર માટે મહેનત કરી રહ્યો હતો, એ આખીરકાર આજે મળી ગયો.”
શારદાને પણ બહુ ખુશી થઈ.
“અરે વાહ, આ તો કેટલા સારા સમાચાર છે!”
સાહિલે એની દીકરીને ચુંબન કરતા કહ્યું,
“કાંઈ જેવી તેવી વાત છે? દીકરીનો જન્મ થયો છે ભાઈ! લક્ષ્મી આવી અને લક્ષ્મી લાવી!!”
શમીમ મર્ચન્ટ,