દાદાજીઇઇઇ,
રેસ્ટોરન્ટ નહીં રેસ્તોરાં ..!
Dad, ફોર્ક ના બોલાય , fork માં r બહુ ચોક્ખો નહીં બોલવાનો.
Mom, it is not બાઉલ .. Bowl નું બોલ
બોલાય , બોલ.
દાદી, ઇલેક્ટ્રીકસીટી નહીં , ઇલેક્ટ્રીસીટી.
Auntie, રેફ્રિજરેટરને બદલે ફ્રીજ બોલોને ! Fridge માં d નહીં બોલવાનો હોં!
દીદી, Lawn And Loan બોલતી વખતે તમે ગરબડ કરો છો.
સાચું બેટા.
ભૂલ થાય તો છે જ પણ તેં ધ્યાન દોર્યું તે સારું થયું . ધીરેધીરે સુધરી જશે. ખોટું બોલશું કે તું યાદ આવશે ..
તમે લોકો અંગ્રેજી ને ફ્રેન્ચ શબ્દના ઉચ્ચાર બાબતે આટલું ધ્યાન રાખો છો તે મને તો ગમે છે.
આ ગાયકો પણ મરાઠી ગાય ત્યારે ગુજરાતી “ચ” ને “સ” જેવો દંત્ય ગાવાની ચોક્સાઇ રાખે છે. ને એય પાછો ગુજરાતી “સ” નહીં.
રાજસ્થાની રમઝટ મચાવે ત્યારે તારો નું થારો જ ગાય . બંગાળીમાં પણ ઓ વિષે ધ્યાન રાખે .. “વૃષ્ટિ પડે ટાપૂર ટીપૂર ..” ને ઉર્દૂ ગાવ તો “બર્કસી લહેરાઇ હૈ.. “માં “બર્ફ” ન જ ગાવ.
ને પંજાબી તો હવે જાણે ગુજરાતીની બીજી માતૃભાષા હોય એમ સોણી ને રબ રખ્ખા ને…
ઉર્દૂ, પંજાબી, બંગાળી, મરાઠી, રાજસ્થાની ગીતો બરાબર ધ્યાન રાખીને ગાવ .. ને અંગ્રેજી , sorry, English તો એમને ભૂલાવામાં પાડે એવું ધાણીફૂટ બોલો છો.
અન્ય ભાષા વિષેની ગુજરાતીઓની આ ચોક્સાઇ એ ભાષાના ભાષકને ય કેટલી ગમતી હશે! બાકી બંગાળી, મરાઠી ને ઉર્દૂ બોલનારા બહુ આગ્રહી હોય છે , હોં !
તે આટલું બધું તો નહીં, ભલે થોડું ઓછું, પણ ગુજરાતી બોલતી વખતે ય રાખો તો ?
મને ખબર છે કે અંગ્રેજી માધ્યમ , sorry , English medium, માં ભણ્યા હોય એટલે ગીત લખ્યું જ હોય એ લિપિમાં.. ને એટલે ચ = Ch ને છ = Chh થાય એની ગરબડમાં “છોગાળા” માં એક h રહી જાય એટલે Chhogaalaa નું Chodaadaa થઇ જાય . આમ પણ તમે “ળ” નો “d” લખો જ છોને .. એટલે તો ડાયરીમાં “પટણી પટોળા “ patodaa થઇ જાય ને પછી એમ ગવાય.
પણ હવે ખબર પડી છે ને ગુજરાતી બોલતાં આવડે છે ને ગુજરાતી ગરબા ગાઇને કમાવાના છો તો તમે ગુજરાતી ગાયકો તો ગાજો :
“ છોગાળા , તારા રંગભેરુ જૂવે તારી વાટ, રંગલો.. “
અમેય તમે કહ્યું તે બોલવાનું ધ્યાન રાખીને તમારી પ્રતિષ્ઠાને આંચ નહીં આવવા દઇએ. તમેય આટલું કરો ને !
અઘરું ક્યાં છે ?
સુધારવું હશે તો સુધરશે.
એમ તો નાનપણમાં તમે “ઓકીશું “ કહેતા હતા તે હવે “ઓશીકું” બોલતા શીખી જ ગયા ને ?
Related