રૂપકાત્મક પાનખર
દીકરો મારો દેસ મૂકી પરદેસ ગયો,
મનનું સુખ ને મોહનું સ્મિત પણ લેતો ગયો.
તું હતો તો વસંતઋતુ અને લીલાલેર હતા,
હવે આંખો નમ, ને પાનખરના છે સૂખા પત્તા.
મારી માળીના જીવનમાં બધી વસ્તુ રૂપકાત્મક રહી છે. તેમણે પોતે પણ એમના જીવનની દેરક ઘટનાને કોઈક ને કોઈક વસ્તુ સાથે પ્રતીકાત્મક કરી છે. અને આશ્ચર્યજનક રીતે, તે તેમની ધારણા મુજબ સાચું પણ પડ્યું છે.
તદુપરાંત, આ બાબતે, મમ્મીએ એમના જીવનની ઘણી બધી ઘટનાઓનું વર્ણન અમારી સામે કર્યું છે. જેમ કે, બાળપણમાં જ્યારે પણ કોઈ એમના બગીચામાંથી કેરી ચોરી જતું, તો મમ્મી બીમાર પડી જતા. જ્યારે ઘરમાં દાળ ઢોકળી બનતી, તો નાનુને પૈસા ટકે મુનાફો થતો.
લગ્ન પહેલા, મમ્મી જેટલી વાર પપ્પાને મળ્યા, ત્યારે વરસાદ આવતો. લગ્ન પછી, જ્યારે જ્યારે ઘરમાં રીંગણનું ઓડું રંધાય છે, ત્યારે મમ્મીના પિયરથી કોઈ ન કોઈ સંદેશો આવે છે.
હવે તમે જ કહો, કે આ બધું પ્રતીકાત્મક છે કે નહીં?!?
આ ઓછું હતું, તો હવે મમ્મીને એક નવી માન્યતા મળી ગઈ. “કનિષ્ક, તું પહેલીવાર ઘરની બહાર જઈ રહ્યો છે. હવે જ્યાં સુધી પાછો નહીં આવીશ ને, ત્યાં સુધી મારા જીવને ચેન નહીં પડે.”
આવું મમ્મીએ મારા નાના ભાઈને કહ્યું હતું, જ્યારે તે બે વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા ભણવા જઈ રહ્યો હતો. અને કવિતાની ઉપરની ચાર પંક્તિઓ, તેમણે કનિષ્કને પહેલા પત્રમાં લખી હતી.
હવે તમે વિચારતા હશો કે આમાં શું પ્રતીકાત્મક છે? તો થયું એવું, કે જ્યારથી કનિષ્ક ગયો છે, ત્યારથી બગીચાના એક કુંડામાં ગુલાબ ખીલ્યા જ નથી. નવા નવા પાંદડા આવે છે, પરંતુ એક પણ કળી નથી ફૂટતી. અમે માટી બદલી કરી, ખાતર નાખ્યું, પણ ગુલાબ? શૂન્ય!!
આજે સવારે જ્યારે હું ઉઠી, તો મમ્મી ઘરમાં ક્યાંય નહોતી દેખાઈ રહી. બધા રૂમમાં જોયા પછી મેં ઘરની બહાર ડોકિયું માર્યું. તે મારી તરફ પીઠ કરીને જમીન ઉપર બેઠી બેઠી કાંઈક કરી રહી હતી. મારી ઉત્સુકતા વધી અને હું જોવા ગઈ કે તે શું કરી રહી છે. હજી તો હું એમની પાસે બેસું, ત્યાં તો મમ્મીએ મારો હાથ પકડ્યો, અને ઉલાસથી બોલી ઉઠી,
“કૃતિકા જો! આ છોડમાં બે કળી ફૂટી છે. જલ્દી કનિષ્કને ફોન કરીને પૂછ, કે તે ક્યારે આવી રહ્યો છે.”
તમે વિશ્વાસ કરો કે ન કરો, જે દિવસે તે કળિયો ખીલીને ગુલાબ બન્યા, તે દિવસે કનિષ્કએ ઘરમાં પગ મૂક્યો. અને મમ્મી? એમણે આ રીતે એમની કવિતા પૂર્ણ કરી.
દીકરા વગર વનવાસ જેવું પાનખર વિત્યું,
હશે બીજા માટે સોનેરી કે મનગમતું.
વસંતઋતુ આવી જ્યારે મારો લાડલો આવ્યો,
ખુશીની લહેર દોડી ને હર્ષોલ્લાસ ફેલાયો.
શમીમ મર્ચન્ટ,