મહા સુદ આઠમ એટલે મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ. તો ચાલો, શ્રી ખોડિયારમાની પ્રાગટય કથા જાણીએ. ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની આ વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતો હતો. તે વ્યવસાયે માલધારી હતો અને ભગવાન શિવનો પરમ ઉપાસક હતો. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળાં હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દૂઝણાંને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો, પણ ખોળાનો ખુંદનાર કોઈ ન હતું, તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિવાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. મામડિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા. જે દિવસે તે દરબારમાં ન હોય તે દિવસે રાજાને દરબારમાં કંઈક ખૂટતું હોય તેમ લાગતું. દુનિયામાં ઈર્ષ્યાળુઓની કોઈ જ કમી નથી. આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષ્યાળુઓ હતા કે જેમને રાજા અને મામડિયાની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામડિયો નિઃસંતાન છે. તેનું મોં જોવાથી અપશુકન થાય છે. તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય તેવું બની શકે. રાજા ઈર્ષ્યાળુ લોકોની વાતમાં આવી ગયા.
એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા. રાજાએ મામડિયાને કહ્યું કે, ‘હવે આપણી મિત્રતા પૂરી થાય છે.’ એમ કહીને ચાલ્યા ગયા. તેનું કારણ જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું. લોકો પણ તેમને વાંઝિયામહેણાં મારવા લાગ્યા. મામડિયા દુઃખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે. મામડિયાને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી. તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે. ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતાં મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતાં હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાતપુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે.
મામડિયા ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કરી. તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણાં રાખ્યાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયાં અને બાળક સ્વરૂપ ધારણ કર્યું. મામડિયાને ત્યાં અવતરેલ કન્યાનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું.
ખોડિયાર નામ કેવી રીતે પડયું ?
એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી સાપે દંશ દીધો હતો. તેનો જીવ જોખમમાં હતો. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલાં લાવવામાં આવે તો જ મેરખિયાનો જીવ બચી શકે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાનાં એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા માટે ગયાં. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતાં હતાં ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ,તેથી જાનબાઈએ ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે મગરની સવારી કરી. ત્યારથી મગર તેમનું વાહન બન્યો. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યાં ત્યારે પગમાં ઈજા પહોંચી હોવાને કારણે ખોડાતાં ખોડાતાં ચાલવા લાગ્યાં. તેમને જોઈને બધાં કહેવાં લાગ્યાં કે ખોડિ આવી, ખોડિ આવી. ત્યારથી તેઓ ખોડિયારના નામે ઓળખાવા લાગ્યાં.
Source : Facebook