યુવાનોમાં યથાર્થ જાગૃતતા લાવવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુવાદિનની ઉજવણી કરવામાં આવે છે. સાચું પૂછો તો યુવાનો દેશનું અમૂલ્ય ધન છે. દુનિયામાં 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવાદિન ઉજવવામાં આવે છે જ્યારે ભારતમાં સ્વામી વિવેકાનંદજીની જન્મતિથિ નિમિત્તે ૧૨ જાન્યુઆરીએ તેમની યાદમાં અને તેમના માનમાં રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કે અંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી અંતર્ગત સૌપ્રથમ એ જાણવું પડે કે યુવાન કોને કહેવાય? યુવાનીના વિશેષ લક્ષણો કયા? યુવાદિનની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ઉજવણી શા માટે અને દેશ કે સમાજ માટે યુવાનોની અગત્યતા કેટલી? આંતરરાષ્ટ્રીય યુવાદિનની શરૂઆત આફ્રિકન દેશો દ્વારા 1976માં થયેલી, જે યુવાનોના કઠિન પ્રયાસોને કારણે આફ્રિકાને સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી. શરૂઆતમાં યુવાદિનને “Soweto day” તરીકે ઓળખવામાં આવતો હતો કેમ કે આફ્રિકામાં એ દિવસે “Soweto riots” શરૂ થયેલા
દર વર્ષની ૧૨મી ઓગસ્ટે ઉજવાતા આંતરરાષ્ટ્રીય યુવાદિન પાછળનો ઉદ્દેશ આજના યુવાનોમાં સાંસ્કૃતિક અને કાયદાકીય જાગૃતતા લાવવાનો છે. એ તો સર્વવિદિત છે કે આજના કહેવાતા યુવાનો માત્ર ઉમરની દ્રષ્ટિએ મોટા થયા છે એટલે કે યુવાની માત્ર આપોઆપ વધતી ઉંમરને આભારી છે. પરંતુ તેમનામાં આવશ્યક સમજણ, વિવેક, મેચ્યોરિટી, જાગૃતતા અને જરૂરી જ્ઞાનનો અભાવ જોવા મળે છે. કદાચ તેની પાછળ જવાબદાર કારણ માતા-પિતાનું વધુ પડતું પેમ્પરિંગ, જીવનમાં સંઘર્ષ અને સમસ્યાનો સદંતર અભાવ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે કોઈપણ વ્યક્તિમાં જાગૃતતા, સમજણ, જ્ઞાન, વિવેક અને મેચ્યોરિટી હંમેશા જીવનની દૈનિક તકલીફો ઘર્ષણ અને સંઘર્ષ દ્વારા જ આવતી હોય છે. જેની આજના સમયમાં ગેરહાજરી જોવા મળે છે. યુવાનોનું આજનું જીવન પહેલાની સરખામણીએ ખૂબ સરળ સુખી સમૃદ્ધ અને માતા-પિતાની વધુ પડતી છત્રછાયાવાળું બની ગયું હોવાને કારણે તેઓમાં દરેક પ્રકારની સભાનતા ઓછી જોવા મળે છે.
પ્રવર્તમાન સરકારે ૧૮ વર્ષના કિશોરોને મત આપવાનો અધિકાર અને સરકાર ચૂટવાનો હક આપી દીધો છે પરંતુ યુવાનોનું અજ્ઞાન, અણસમજ, ઇમ્મેચ્યૂરિટી વગેરેને કારણે તેઓ તેમને મળેલા અધિકારોનો યથાર્થ ઉપયોગ કરી શકવાની સ્થિતિમાં નથી. જેથી યુવાદિન જેવા વિશિષ્ટ દિનની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી સરાહનીય ગણી શકાય જેના દ્વારા તેઓમાં જાગૃતતા કે સભાનતા કેળવવાના પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. આંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી અન્ય એક કારણસર પણ ઉત્તમ અને અનિવાર્ય ગણી શકાય કેમકે રાષ્ટ્રનું યુવાધન દુનિયામાં પરિવર્તનો લાવનારું મહત્વનું ચાલકબળ (ડ્રાઇવિંગ ફોર્સ) છે. તેના મહત્વને સમજવા અને સમજાવવા માટે પણ આંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી યથાર્થ ગણી શકાય. આંતરરાષ્ટ્રીય યુવાદિન ઉપરાંત રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી આપણા દેશમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિન નિમિત્તે ૧૨ જાન્યુઆરીના રોજ દર વર્ષે થાય છે કેમ કે તેમનો ફાળો યુવાવર્ગની માનસિકતા બદલવા માટે સરાહનીય રહ્યો છે. તેઓએ યુવાનોને “ઉઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો” જેવો ઉત્તમ વિશ્વવિકાસનો મંત્ર આપ્યો છે. ભારતમાં 1984માં સરકારે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવાદિન તરીકે તત્વજ્ઞાની અધ્યાત્મિક ગુરુ અને સંત સ્વામી વિવેકાનંદની યાદમાં જાહેર કરેલ, જે ઉજવણી ૧૯૮૫થી અવિરત થયા કરે છે.
યુવાની એક ઉત્સવ છે. સતત વૃદ્ધ થતાં જાપાન દેશને પૂછો યુવાનીનું મહત્વ શું છે. યુવાની એક ઉત્સવ છે અને જીવનમાં ઉત્સવોની હયાતિ વ્યક્તિનું કિસ્મત દર્શાવે છે કમનસીબ લોકો કદાપિ ઉત્સવ મનાવી શકતા નથી. દરેક ક્ષણ ઉત્સાહસભર હોય, સતત કંઈક નવું કરવાની ઈચ્છા થતી હોય, અવિરત શક્તિનો ધોધ “સ્વ”માં અનુભવાતો હોય, આળસ-કંટાળો-હતાશા-નિરાશા તમામથી મનુષ્ય કોશો દૂર રહેતી હોય તો માનો કે તે વ્યક્તિ યુવાન છે. યુવાન વ્યક્તિત્વ એટલે આકર્ષક દેખાવ, ઉર્જાવાન, વીર્યવાન, સાહસિક જુસ્સાસભર વ્યક્તિત્વ. યુવાની એક heavon made થનગનાટ છે, જે ઇશ્વરની દેન છે. યુવાની જુસ્સા સાથે જવાબદારીને પણ દર્શાવે છે કેમકે એક યુવાન વ્યક્તિ કુટુંબ સંબંધો સમાજ અને દેશની અગણિત અપેક્ષાઓ સાથે જોડાયેલ છે. યુવાનો કુટુંબ દેશ દુનિયાનું ભવિષ્ય છે. યુવાની ઈશ્વર દ્વારા મનુષ્યને સમજાવવામાં આવેલો એક બોધપાઠ છે કે જીવન કેવી રીતે જીવાય અથવા કેવી રીતે જીવવું જોઇએ. યુવાની દ્વારા ઈશ્વર તેની મૌનની વિશિષ્ટ ભાષામાં આપણને સમજાવવા માગે છે કે મનુષ્યજીવન વીર્યવાન ધૈર્યવાન ઉર્જાવાન સુંદર હોવું કેમ કે એની જ સાચું જીવન કહેવાય. જીવનમાં આળસ, કંટાળો, હતાશા, નિરાશા, અશક્તિ, અભાવ જેવી ઘાતક વિભાવનાઓની સદંતર ગેરહાજરી હોય તે તે જ સાચી યુવાની. કોઇ પણ ઉંમરનો વ્યક્તિ આવા ઉત્તમ ગુણોની હયાતી સાથે યુવાન જ કહેવાય. ઈશ્વર આવા વિશિષ્ટ ગુણો દ્વારા જ એટલે કે યુવાનીના વિશિષ્ટ ગુણો જેવા કે આકર્ષક દેખાવ, ઉર્જાવાન, વીર્યવાન, સાહસિક જુસ્સા દ્વારા જ માનવમાત્રને જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આપે છે. જે માર્ગદર્શન કે દિશાસૂચન આપણે સમજી શકતા ન હોવાથી ઈશ્વરને તો નિરાશ થવું જ પડે છે પરંતુ આપણું જીવન પણ વ્યર્થ જાય છે. તો આ આવો આજના વિશેષ રાષ્ટ્રીય યુવાદિનને સાચા અર્થમાં યુવાન બનીને ઉજવીએ.
યુવાનોમાં દુનિયા બદલવાની તાકાત છે જો તે પોતાની તાકાતને ઓળખે અને તેનો સદુપયોગ કરે. આજનો આધુનિક યુવાન માત્ર ઉમરની દ્રષ્ટિ યુવાન છે બાકી એટલો નબળો જોવા મળે છે કે તે પોતાનું જીવન કે પોતાની મનોદશામાં પરિવર્તન લાવવા જેટલું પણ સામર્થ્ય ધરાવતો નથી તો તે દેશ અને દુનિયા કેવી રીતે બદલે એ એક મોટો પ્રશ્ન છે. વળી જે પોતાનું જીવન કે મનોદશા નથી બદલી શકતો તેની પાસે સમાજ કોઈ અપેક્ષા કેવી રીતે રાખી શકે. આવા અસમર્થ અને અશક્ત યુવાનને યુવાન કહી જ કેવી રીતે શકાય. એવા યુવાનની કુટુંબ સમાજ દેશ કે દુનિયા કોઈને જરૂર નથી. પથ્થરમાંથી પાણી કાઢવાની જેની તાકાત છે તે જ સાચો યુવાન છે. તો આજના વિશેષ દિવસે ઉઠો જાગો પોતાની શક્તિને ઓળખો દ્રઢ નિશ્ચય અને મજબૂત મનોબળ સાથે ચોક્કસ ઉદ્દેશ અને જીવનનું ધ્યેય નિશ્ચિત કરો અને સ્વામી વિવેકાનંદના સૂચન અનુસાર ધ્યેયને વળગી રહો જ્યાં સુધી સફળતા તમારા કદમ ન ચૂમે.
ભારત યુવાનોની સંખ્યાને આધારે ખૂબ નસીબવંતુ ગણી શકાય કેમ કે દુનિયાની સરખામણીમાં આપણા દેશમાં યુવાનોની સંખ્યા વિશેષ છે. ગુજરાતમાં તો દરેક ત્રીજી વ્યક્તિ યુવાન છે એ દ્રષ્ટિએ ભારતનું ભવિષ્ય ઉર્જાવાન છે એમ કહી શકાય. પરંતુ કમનસીબી એ છે કે ભારતના યુવાનો અતિ તનાવગ્રસ્ત નિરાશ હતાશ નેગેટિવિટીથી ભરેલા બિનજવાબદાર ડરપોક ગભરુ અને પોતાની ઊર્જાશક્તિને આયોગ્ય દિશામાં વાપરતા જોવા મળે છે. જે મોટી ચિંતાનો વિષય છે. સાચા અર્થમાં જે યુવાન છે પછી ઉમર ભલે ગમે તેટલી હોય તેવા લોકોએ આજના ઉમરની દ્રષ્ટિએ યુવાન લોકોને જગાડવા જોઈએ અને તેમની સહાય કરવી જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. તો જ આજનો રાષ્ટ્રીય યુવાદિન સાર્થક થયો કહેવાય.
ઓગસ્ટ ૧૨ આંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી યુવાનોના પ્રશ્નો તરફ ધ્યાન આપવા તેમજ તેમની શક્તિઓને વૈશ્વિક વિકાસમાં ભાગીદાર બનાવવાના પ્રયત્નનું પરિણામ છે. યુવાનોના વિકાસ અને રક્ષણનો હેતુ પણ યુવાદિન ઉજવણી પાછળ કાર્યરત છે. આપણા દેશમાં સ્વામી વિવેકાનંદની યાદમાં ઉજવાતા રાષ્ટ્રીય યુવાદિન માટે દર વર્ષે જુદા થીમ અને સ્લોગનની પસંદગી થાય છે જેમકે 2021નો થીમ હતો “યુવા – ઉત્સાહ નયે ભારત કા” 2018નો થીમ હતો “સંકલ્પથી સિધ્ધી” 2017નો “યુથ ફોર ડિજિટલ ઇન્ડિયા” 2016નો “ઇન્ડિયન યૂથ ફોર ડેવલપમેન્ટ સ્કિલ & હારમની” 2019ના આંતરરાષ્ટ્રીય યુવાદિનનો થીમ હતો “ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન” જેનો હેતુ હતો તમામ યુવાનો માટે શિક્ષણને વધુ સમાવિષ્ટ અને સુલભ બનાવવાના પ્રયાસો પર પ્રકાશ પાડવો. 2021ના આંતરરાષ્ટ્રીય યુવાદિનનો થીમ હતો “ટ્રાન્સફોર્મેશન ફૂડ સિસ્ટમ – યુથ ઇનોવેશન ફોર હ્યુમન એન્ડ પ્લેનેટરી હેલ્થ”.
સામાન્ય રીતે યુવાનીનો અર્થ છે એવા લોકોનો સમૂહ કે જેની ઉંમર ૧૫થી ૨૪ વર્ષની વચ્ચેની હોય. જો કે દરેક દેશમાં યુવાન ઉંમરની રેન્જ અલગ-અલગ માનવામાં આવે છે જેમ કે નાઇજીરિયામાં ૧૮થી ૩૫ વર્ષની વયના લોકોને યુવાન તરીકે ઓળખવામાં આવે છે. ઘણા દેશોમાં આ ઉમર ૧૮ થી ૨૯ વચ્ચેની ગણાય છે. ટેકનિકલી “teen age” થી ઉપરની ઉંમરના લોકો યુવાન ગણાય એટલે કે “older teens”. આ એક એવી ઉંમર છે જેને “યંગ એડલ્ટ” તરીકે પણ ધ્યાન પર લઈ શકાય. જે ઉંમરમાં સામાન્ય રીતે શારીરિક વૃદ્ધિ અને વિકાસ ધીમો પડી ગયો હોય છે પરંતુ સામાજિક અને ઇમોશનલ ટ્રાન્ઝિશન થઈ ગયું હોય છે.
યુવાનીના મુખ્ય ચાર લક્ષણો ૧) આકર્ષક દેખાવ – ઊગતી ઉમરે બાયોલોજિકલી બાહ્ય દેખાવ સુદર હોવો સ્વાભાવિક છે ૨) તાજગી (freshness) નવું નવું ફૂલ ખીલ્યું હોય ત્યારે જે તાજગી હોય એવી જ ફ્રેશનેસ યુવાનીમાં જોવા મળે છે ૩) ઉત્સાહ – ઉત્સાહનો અખૂટ ભંડાર એટલે યુવાની, શું નવું કરી દરરોજ કરી નાખું એ જ દિશામાં મગજ કાર્યરત રહેતું હોય ૪) શક્તિ (energy and spirit) શારીરિક શક્તિની પરાકાષ્ટા, ઉત્તમ અને નિસ્વાર્થ ભાવના, દરેકને સહાય કરવાની ઈચ્છા વગેરે વિશેષ જોવા મળે છે પછી ધીરે-ધીરે દુનિયાની ખરાબીઓ, સાંસારિક સંબંધોના કડવા અનુંભવો થતાં આ તમામ લાક્ષણિકતા વિલય જાય છે. ૫) નીડર અને હિંમતવાન – અન્યાય અને અયોગ્ય સામે લડવાનું જોમ યુવાનોમાં ઠાંસીઠાંસીને ભર્યું હોય છે જરૂર હોય છે માત્ર તેમને યોગ્ય દિશામાં વાળવાની. ૬) સાહસી માનસ અને સાહસની ભૂખ – કોઈ પણ ક્ષેત્રમાં યા હોમ કરીને જંપલાવવાનું હોય તો યુવાનો હંમેશા અગ્રેસર જોવા મળે. ડરકે આગે જીત હે એ વાત યુવાનોને જ લાગુ પડે છે. આવા શ્રેષ્ઠ ગુણોનો જો યથાર્થ ઉપયોગ થઈ શકે તો દેશને દરેક ક્ષેત્રે અવ્વલ આવતા કોઈ અટકાવી ન શકે. પરંતુ કમનસીબી એ છે કે આજનું યૂથ દિશા ભૂલી ગયું છે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાવાળા નિસ્વાર્થ લોકોની પણ આધુનિક યુગમાં અછત વર્તાય છે.
યુવાધન વાસ્તવમાં રાષ્ટ્રની કરોડરજ્જુ કે પીઠબળ સમાન છે. (youth is backbone of nation) યુવાધન સમગ્ર વિશ્વના વિકાસની પૂર્વશરત છે. રાષ્ટ્રનું યુવાધન દુનિયામાં પરિવર્તનો લાવનારું મહત્વનું ચાલકબળ (ડ્રાઇવિંગ ફોર્સ) છે. નવા નવા આઇડિયાનો ખજાનો એટલે યુવાન માનસ. નવસંશોધનમાં અતિ સક્રિય વર્ગ કોઈ હોય તો તે યુવાનો છે કેમ કે તેવોને અંદરથી સતત કઈક જુદું અને નવું કરવાની ધગશ અને તમન્ના હોય છે જે દ્વારા દેશની પ્રગતિ સ્પીડી બને છે. યથાર્થ રીતે શિક્ષિત અને સંસ્કારિત યુવાનો દેશને ઉંચ્ચ કોટિના નેતા, કુશળ વ્યાપારી, અવ્વલ દરજ્જાના અધિકારી પૂરા પાડે છે. દુનિયાને બદલવાની તાકાત ધરાવતા યુવાનોને આવો આજના વિશેષ દિને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડી તેમનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ.