સમગ્ર જીવન દિવસથી રાત સતત અવિરત બોલતા રહેવું આપણને ગમે છે. અગણિત સામાજિક લોકો કે જેને સમૂહજીવન ગમે છે તેઓ માટે બોલવું એ જ આનંદ છે. વ્યાવસાયિક જીવનમાં પણ લોકોને પ્રભાવિત કરવા બોલવું અનિવાર્ય બન્યું છે. વ્યક્તિત્વ વિકાસ અંતર્ગત પણ વાણીચાતુર્યને ખૂબ અગત્યનું માનવામાં આવે છે. ટોકિંગ સ્માર્ટનેસની કેળવણી માટે વ્યક્તિત્વ વિકાસ અંતર્ગત આજકાલ કોચિંગ કલાસીસ ચાલે છે. કેવું બોલવું કેટલું બોલવું, કેવી રીતે બોલવું, ક્યારે બોલવું, કોના માટે બોલવું વગેરેની સમજણ મોટાભાગના સમાજમાં હોશિયારીનો વિશેષ માપદંડ છે. સામાન્ય રીતે ઉત્તમ બોલનારના પ્રભાવમાં સમાજ રહેતો હોય છે કેમકે ચાતુર્ય હોશિયારી કુશળતા સાબિત કરવાનો આપણી પાસે એક જ સરળ રસ્તો છે. વાણીચાતુર્ય (ટોકિંગ સ્માર્ટનેસ) ના જમાનમાં ક્યારેય આપણે મૌનની તાકાત વિષે કે મૌનની આવશ્યકતા વિશે વિચાર્યું જ નથી અથવા કદાચ એ અંગે આપણે વિચારવા પણ માગતા નથી. સાંસારિક જીવનમાં રસ ધરાવતા કે વ્યવસાયિક સફળતા ઈચ્છતા લોકો માટે તેમ જ સમાજમાં માનમોભો પ્રતિષ્ઠાની આકાંક્ષા રાખનાર માટે બોલવું કદાચ અનિવાર્ય છે. પરંતુ તમને ખબર છે મધુર ઉત્તમ અને પ્રભાવી વાણી માટે પણ અમુક સમયનું શિસ્તસભર મૌન અનિવાર્ય છે કેમ કે મૌન તમારી વાકશક્તિને ઉચ્ચ સ્તરની બનાવે છે, વધુ આકર્ષક અને પ્રભાવી બનાવે છે. એ દૃષ્ટિએ પણ વ્યવસાયિક સફળતા ઈચ્છતા કે વ્યક્તિત્વ વિકાસ અને વ્યક્તિત્વને પ્રભાવી બનાવવાની ઇચ્છા ધરાવનાર તેમ જ સાંસારિક સુખની અપેક્ષા રાખનાર માટે પણ મૌન આધ્યાત્મિક સાધક જેટલું જ મહત્ત્વનું છે એ સમજવું મને તો અનિવાર્ય લાગે છે.
મૌનની વ્યવહારિક ઉપયોગિતા સમજતા પહેલા મૌન કોને કહેવાય, મૌન કેટલા પ્રકારના હોય, કયા પ્રકારનું મૌન કોને વધુ લાભદાયી, મૌન દ્વારા પ્રાપ્ત થતા લાભો કયા, મૌનની સાધના થાય કેવી રીતે વગેરે અનેક મહત્વની બાબતો વિષે આપણે બધાએ વિચારવું જોઈએ, એવા મારા અંગત મંતવ્યને લઈ મે આ આર્ટિકલમાં આવી તમામ બાબત પર પ્રકાશ પાડ્યો છે. કદાચ આપ સૌને એ ચોક્કસ ઉપયોગી થશે અને ગમશે એવી આશા છે. સામાન્ય સમજણ અનુસાર મૌન એટલે ચૂપ રહેવાની વ્યવસ્થા. જે એક પ્રકારનું વ્રત છે, સંયમ છે. કેમકે આપણે સૌ જાણીએ છીએ કે બિનજરૂરી બકવાટથી શક્તિનો અતિશય ક્ષય થાય છે. અમારા જેવા ટીચિંગ ફિલ્ડમાં પડેલા વ્યક્તિ જાણે છે કે સતત બોલવાથી દિવસના અંતે કેટલી નબળાઈ અને થાક અનુભવાય છે. એ દર્શાવે છે કે બોલવાથી શક્તિનો કેટલો ક્ષય થાય છે. કોલેજમાં અતિશય બોલ્યા બાદ ઘરે જઈ બે-ત્રણ કલાક મૌન અવસ્થામાં પસાર કરવાથી ફરી તાજગી અનુભવાય છે. જે સાબિત કરે છે કે મૌન દ્વારા શક્તિસંચય સંભવ છે. મૌન દ્વારા તમામ સ્થૂળશક્તિનું ઓજસશક્તિમાં રૂપાંતર થાય છે. લાંબુ કે વધુ મૌન જેને અશક્ય લાગતું હોય તેણે પણ કમ-સે-કમ લાંબી-લાંબી નકામી વાતો, વાદવિવાદ કે બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ.
છાંદોગ્ય ઉપનિષદ અનુસાર વાણી તેજોમય છે જેનું નિર્માણ અગ્નિના સ્થૂળ ભાગ હાડકાના મધ્યભાગ અને મજ્જાના સુક્ષ્મ ભાગ દ્વારા થાય છે. કદાચ એટલે જ શબ્દને શાસ્ત્રો બ્રહ્મ તરીકે ઓળખે છે કેમ કે બ્રહ્મ જેટલી જ શક્તિશાળી વાણી છે. વાણીમાં બ્રહ્મનું તેજ છે. એ તેજપ્રાપ્તિ માટે પણ મૌન જરૂરી છે. મૌન અનેક પ્રકારના હોય છે જેમકે
૧) ઇન્દ્રિયમૌન કે કારણમૌન – જ્યારે તમામ ઇન્દ્રિયો શાંત થઈ જાય, મૌન થઈ જાય તેને ઇન્દ્રિયમૌન કે કારણમૌન કહે છે. વાગેન્દ્રિય માયાનું સબળ અસ્ત્ર છે એટલે કે વધુ બોલવાથી માયાની શક્તિ વધે છે. માયાની જાળમાં ફસાવું ન હોય, માયા પર વિજય પ્રાપ્ત કરવો હોય, માયાને વધુ શક્તિશાળી ન બનવા દેવી હોય તો તેને નિયંત્રિત કરનાર અસ્ત્ર તરીકે મૌનનો ઉપયોગ અનિવાર્ય છે. વાગિન્દ્રિયને નિયંત્રિત કરતું અસ્ત્ર એટલે મૌન. વાગિન્દ્રિય અતિ ઉપદ્રવી અને હઠીલી ઈન્દ્રિય છે. જેના દ્વારા અનેક ઝઘડા અને યુધ્ધો થાય છે. જો તે નિયંત્રણમાં રહે તો મન પણ નિયંત્રણમાં આવે છે અને જીવન શાંત અને સ્વસ્થ બને છે.
૨) કાષ્ટમૌન – શારીરિક તમામ ક્રિયાઓનો પૂર્ણ નિરોધ એટલે કાષ્ટમૌન. કાષ્ટમૌનમાં ઇશારાથી કે લખીને પણ અન્ય સાથે વાત કરવાની હોતી નથી. કાષ્ટમૌનમાં તમે માથું પણ હલાવી શકતા નથી. ઘણીવાર માનસિક વૃત્તિઓના નિરોધ માટે શારીરિક ક્રિયાનો નિરોધ આવશ્યક બને છે. જે સંસારી માણસ માટે વધુ સંભવિત નથી પરંતુ આધ્યાત્મિક સન્યાસી સાધકો માટે ઉપયોગી છે.
૩) સુષુપ્તિમૌન – જે મૌન સુષુપ્તિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે તે. નિંદ્રાની સ્થિતિમાં જે મૌન સંભવિત બને તેને સુષુપ્તિ મૌન કહેવાય. પરંતુ ઘણા સાક્ષીભાવના સાધકોએ પ્રતિકારશૂન્યતા પ્રાપ્ત કરી હોય છે જેથી તેઓ સતત અવિરત નિંદ્રા કે સાંસારિક સુષુપ્તિની સ્થિતિમાં જ હોય છે. સ્થિતપ્રજ્ઞતાની પ્રાપ્તિ એ બીજું કંઈ નહીં સુષુપ્તિમૌન જ છે. જે જાગૃતિમાં એટલે કે અનિન્દ્રા કે જાગતા-જાગતા પણ શક્ય બને છે કેમ કે મન સુષુપ્તિની પરિસ્થિતિમાં હોય છે. કોઈ ઘટના સામે તે પ્રતિક્રિયા આપતું નથી. જાણે કે સર્વ ઘટનાથી તે અજાણ હોય સુષુપ્તિમાં હોય. જીવનમુક્તિમાં બ્રહ્માનંદસુખ સુષુપ્તિમૌન છે. સંસાર અને તેના ગુણોના મિથ્યા સ્વરૂપના જ્ઞાનથી મનની તમામ શંકાઓનું સમાધાન થાય ત્યારે સુષુપ્તિમૌનની પ્રાપ્તિ સહજ બને છે. આ જગત બ્રહ્મથી પરિપૂર્ણ છે તેનો નિશ્ચય એટલે સુષુપ્તિમૌન. બધા પ્રત્યે સમદૃષ્ટિ તેમજ સત-અસત બધામાં ચિદાકાશનો અનુભવ એટલે સુષુપ્તિમૌન.
૪) મહામૌન – જે મનનું મૌન કે વાસ્તવિક મૌન છે. મહામૌનની પ્રાપ્તિ માટે વાકમૌન સહાયક બને છે. મહામૌનમાં મન સચ્ચિદાનંદ બ્રહ્મમાં નિવાસ કરે છે. બધી જ વૃત્તિઓ નાશ પામે છે. મહામૌન સરળ ભાષામાં મોક્ષની અવસ્થા છે. મહામૌન સુધી પહોંચવા શરૂઆત તો કારણમૌન કે ઇન્દ્રીયમૌન દ્વારા જ કરવી પડે છે. વળી મૌનનો અભ્યાસ ક્રમશઃ કરવો જ સલાહ ભરેલો છે સીધા મહામૌન કે સુષુપ્તિમૌન સુધી પહોંચી શકાતું નથી અને જો હઠયોગ દ્વારા એવું કરવાનો પ્રયત્ન થાય તો નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ક્રમશઃ મૌનના અનેક ફાયદા છે જેમ કે
૧) મૌનથી શક્તિનો સંચય થાય છે.
૨) મૌનથી સંકલ્પબળની વૃદ્ધિ થાય છે.
૩) વાણીના આવેગોનું નિયંત્રણ શક્ય બને છે અને વાણી પર વિજય પ્રાપ્ત થાય છે.
૪) સત્યના અભ્યાસ માટે મૌન આવકાર્ય છે.
૫) ક્રોધના શમન માટે મૌન અતિ સહાયક છે.
૬) મૌન દ્વારા આત્મનિરીક્ષણ અને આત્મવિશ્લેષણ પણ શક્ય બને છે.
૭) મૌનથી અતિ શાંતિ આંતરિક બળ (આત્મબળ) અને સુખનો અનુભવ થાય છે.
૮) મૌનથી મનની ગતિ વિધિ અને તેનું કાર્ય સમજી શકાય છે એટલે કે મન કેટલું ચંચળ છે, કેટલી ઝડપથી એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર જઈ શકે છે તેનો અનુભવ થાય છે.
૯) મૌન દ્વારા સંકલ્પો અને વિકલ્પોની જાળમાંથી મુક્તિ મળે છે, આપણે સૌ જાણીએ છીએ કે સંકલ્પ અને વિકલ્પ જ જીવનને અસ્વસ્થ અને અશાંત કરે છે.
૧0) મૌનથી તિતિક્ષા કે સહનશક્તિ વધે છે.
૧૧) મૌન દ્વારા સ્વભાવનું ચીડિયાપણું દૂર થાય છે.
૧૨) એકાંતમાં રહેવાની અને એકાંતને માણવાની આવડત મૌન દ્વારા જ પ્રાપ્ત થાય છે.
૧૩) મૌનની સાધનાથી વાણી અતિ પ્રભાવશાળી બને છે.
૧૪) એકાગ્રતા અને ધ્યાનના પ્રયોગોમાં સફળતા મળે છે.
૧૫) દુઃખના સમયે મૌનથી મન પરનું દબાણ હળવું થાય છે જેથી શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે.
૧૬) મૌન દ્વારા શારીરિક અને માનસિક કાર્યો કરવાની શક્તિ વધે છે, વધુ કાર્યો થઇ શકે છે અને કાર્યક્ષમતા પણ અકલ્પનીય રીતે વધે છે.
૧૭) મૌન મગજ અને સ્નાયુઓ પર આશ્ચર્યકારક શાંતિદાયક અસર પેદા કરે છે.
૧૮) જીભના નિયંત્રણ દ્વારા મનનું નિયંત્રણ, મનોવિજય મનોશુદ્ધિ શક્ય બને છે અને આધ્યાત્મિક ઉત્થાન થઈ શકે છે.
દરેક પ્રકારના સંયમની શરૂઆત વાણીસંયમ દ્વારા થાય છે. ઉગ્ર સંયમ વિના મનને નિયંત્રિત કે સંયમિત કરવું અશક્ય છે. જેથી મૌનનો અભ્યાસ અનિવાર્ય છે. દિવસમાં એક કલાક અથવા અઠવાડિયે એક દિવસ મૌન સરળતાથી પાળી શકાય અથવા કશું જ ન થઈ શકે તો કમસેકમ નિરર્થક બોલવામાંથી તો મુક્ત અવશ્ય થઇ શકાય. વળી મૌનના સમયે જો જપ, ધ્યાન, મંત્રલેખન થાય તો અતિ ઉત્તમ પરિણામ આપે છે. મૌનવ્રતનો સાધક બોલતા પહેલા બીજાની ભાવનાઓનો વિચાર કરે છે જેથી દૈનિક સર્જાતી અગણિત સમસ્યાઓ અને પીડાઓથી સરળતાથી બચી જાય છે. ટૂંકમાં સફળતા પ્રાપ્તિની ઇચ્છા રાખનાર, વ્યક્તિત્વ વિકાસને જરૂરી સમજનાર, વ્યાવસાયિક પ્રગતિ માટે તેમ જ સાંસારિક શાંતિ અને આધ્યાત્મિક ઉત્થાન માટે મૌન આશિર્વાદરૂપ છે.
જેથી દરેકે તેનો અભ્યાસ પોતાની શક્તિ અને અનુકૂળતા પ્રમાણે અવશ્ય કરવો જોઈએ. મૌન દ્વારા મહાજ્ઞાની અને જીવનમુક્ત પણ બની શકાય છે. શાંતિ અને આનંદના સાગરમાં અવિરત વિહાર કરી શકાય છે, કે જે દરેક મનુષ્યની એક માત્ર કાયમી ઈચ્છા છે. તો આવો શક્ય એટલું મૌન રહેવાનો સંકલ્પ આજે જ લઈએ. મેં મારા જીવનમાં મૌનના અભ્યાસની શરૂઆત કરવાનો પ્રયત્ન અને પ્રતિજ્ઞા કરી છે, આપ પણ કરી શકો છો. કોઈ પણ અનૈતિક બાબત સામે ઉગ્ર થઈ જવું એ મારો સ્વભાવ છે જેનાથી મે અનેક નુકશાન વેઠયા છે. તો આવો આપણે સૌ મૌનનો અભ્યાસ કરી અગણિત લાભ મેળવવા કટિબધ્ધ બનીએ કેમ કે મારો અંગત અનુભવ છે કે બોલવાથી વિશેષ ફાયદો થતો નથી. કદાચ મૌનની તાકાત શબ્દો કરતાં વિશેષ છે.
~ શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ